તકેદારી / ‘વાયુ’ સામે વહિવટી તંત્ર સાબદું, સંભવિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાંથી 2.15 લાખ લોકોનું સ્થળાંતર

directorial of coastal and cyclone vayu affected area more than one lakh poeple migrated to safe place

  • સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનાર તરફ 140થી 150 કિલોમીટર ઝડપે વધે છે
  • એસટી બસો અને ખાનગી વાહનો દ્વારા સ્થળાંતર કરાઈ રહ્યું છે
  • લોકોને મંદિરો, સામાજીક સંસ્થાઓ અને સેલ્ટર હોમમાં ખસેડાઈ રહ્યા છે

Divyabhaskar.com

Jun 12, 2019, 07:16 PM IST

જૂનાગઢ: ‘વાયુ’વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે તેની ઝડપ 165 કિમી થવાની સંભાવના છે. વાવાઝોડું વેરાવળથી 340 કિલોમીટર દૂર છે અને તેની તીવ્રતા વધી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે. અંદાજે 2.15 લાખથી વધુ લોકોનું સ્થળાંતર થઈ ગયું છે. સાથે જ એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપી રહી છે. ત્યારે રાજ્યમાંથી દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યુ છે.
સાંજે 4 વાગ્યા સુધીમાં સ્થળાંતર
સૌરાષ્ટ્ર કચ્છના દસ જિલ્લામાંથી164090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી 4387, ભાવનગર 23267, જૂનાગઢ 16013, ગીર સોમનાથ 18058, જામનગર 11653, દેવભૂમિ દ્વારકા 28490, કચ્છ 17982, પોરબંદર 19998, રાજકોટ 3436 અને અમરેલી 20806 લોકોને સ્થળાંતરિત કરાયા છે.
2 વાગ્યા સવા લાખ લોકોનું સ્થળાંતર કરાયું
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થનાર છે. આ વાવાઝોડું મધરાત્રે દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના હોવાથી માટે ત્યાં જાન-માલને નુકસાન ન થાય એ માટે સ્થળાંતર જ એક વિકલ્પ હોઈ, સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે. રાજ્યભરમાં બપોરના દોઢ વાગ્યા સુધી 1,23,550 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજયભરમાં 1216 જેટલા આશ્રયસ્થાનો ઊભા કરાયા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે.

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સવારે 10 વાગ્યા સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ સ્થળાંતર કરાઈ રહ્યું છે. એસટી પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવાયા 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે.

ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર

વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ થયું છે. ઉનામાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે સાથોસાથે સ્થાનિક પ્રાશાસન પણ કામે લાગ્યું છે. પોલીસ અને એનડીઆરએફની ટીમે ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી આરંભી દીધી છે. તેમજ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડ્યા છે. ઉનામાં એનડીઆરએફની ટીમ દરિયા વિસ્તારના ગામોમાં જઇ લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે. દિવના નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

વેરાવળના 630 લોકોનું સ્થળાંતર કરાવાયું: મામલતદાર

ઉનાના મામલતદાર દેવકુમાર આંબલીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું દરિયાકાંઠાના ગામડાઓમાં ફરી રહ્યો છું. જેમાં કાચા મકાન અને ઝુપડપટ્ટીમાં રહેતા હોય તેવા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. મારા અન્ડરમાં વેરાવળના 17 ગામો છે. જેમાં અત્યાર સુધીમાં 11 ગામના 630 લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડી દીધા છે. મધ્યાહન ભોજનના સંચાલકો આ લોકોને ફૂડ પેકેટ આપશે તેમજ 10 હજાર ફૂડ પેકેટ સામાજીક સંસ્થામાંથી આવશે જે બપોરે અમે લોકોને આપીશું અને સાંજ મધ્યાહન ભોજનના રસોડામાં ગરમાગરમ ભોજન બનાવી લોકોને જમાડીશું.વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપી રહી છે.

જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સ્થળાંતર શરૂ

જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના 25 ગામોના 13,300 લોકોનું સલામત સ્થળે શહેરમાં શાળાઓ, કોમ્યનિટી હોલ અને વાડીમાં સ્થળાંતર કરવામાં આવયું છે. આખો દિવસ સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાને વેરાવળની જવાબદારી સોંપાઇ

રાજકોટ આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસમાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તોને ખસેડવા સમયસર કામગીરી શરૂ કરી દેવાઈ છે. મને જવાબદારી વેરાવળની સોંપવામાં આવી છે. 4.86 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. 28 જવાનો જેતપુરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. 51 આર્મી જવાનો ધોરાજી, 70 જવાનો SDRFના ગોંડલમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. 3 હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. ભાજપે 1 કંટ્રોલરૂમ શરૂ કર્યો છે જેના નંબર 02812239685 અને 2237500 છે. નવલખી બંદર આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હેડક્વાર્ટર ખાતે બેસશે. અમે તમામ મંત્રીઓ સૌરાષ્ટ્રમાં દેખરેખ રાખીશું. 3 દિવસ મંત્રીઓ સ્ટેન્ડ બાય રહેશે. જયેશ રાદડીયા જૂનાગઢમાં, સૌરભ પટેલ રાજકોટમાં રહેશે.

ગોંડલમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા

વાયુ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તોને ખસેડવા સમયસર કામગીરી ગોંડલ ખાતે પણ શરૂ કરી દેવાઈ હતી. જેમાં ગોંડલ શહેરમાં પાલિકા તંત્ર, પોલીસ અને PGVCLના સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ સામે આવેલ ખાડિયા વિસ્તાર, મફતિયાપરા, ગોકુળીયાપરા, આશાપુરા ફાટક પાસે આવેલ નીચાણવાળા તથા ઝૂપડપટ્ટીવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગોંડલન અક્ષર મંદિર દ્વારા 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા

ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 12 અને 13 જૂનના રોજ વાયુ ચક્રવાતની અસર જોવા મળવાની છે. આ ચક્રવાતથી વધુ કોઈ નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા પણ તમામ પ્રકારના સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત અસરગ્રસ્તો માટે ફૂડપેકેટ્સ બનાવવાની સૂચના પણ સરકારે જુદી જુદી ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને આપી છે. ગોંડલમાં આવેલ અક્ષર મંદિર દ્વારા પણ અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટસ તૈયાર કરવાની સેવા સ્વયંસેવકોએ કરી હતી. ગરમાગરમ બુંદી અને ગાંઠિયાના કુલ 15 હજાર જેટલા ફૂડપેકેટ્સ અક્ષર મંદિરના 450 જેટલા મહિલા સ્વયંસેવિકાઓ અને 60 જેટલા પુરુષ સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.

વાયુ વાવાઝોડાના પગલે પીજીવીસીએલ તંત્ર એલર્ટ

રાજકોટમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 634 ટીમ તૈનાત રાખવામાં આવી. એક ટીમમાં એક એન્જિનિયર, 4 લાઈનમેન અને 4 મજૂર મળી કુલ 9 લોકોનો સમાવેશ થાય છે. પીજીવીસીએલ ઉપરાંત ડિજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની 49 ટીમો બોલાવવામાં આવી છે. તમામ 49 ટિમોને ઉના, વેરાવળ અને સોમનાથ તરફ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અસરકારક સંભવિત વિસ્તારમાં 8500 પોલ શીફ્ટ કરવામાં આવ્યા છે. પીજીવીસીએલમાં કુલ 45 ડિવિઝન છે અને 70 સબડીવીઝન આવેલા છે. 45 પૈકી 14 ડિવિઝન અસરકારક થવાની શક્યતા છે.
24 કલાક કંટ્રોલરૂમ અને કસ્ટમર કેર નંબર ચાલુ રહેશે. 27 નોડલ ઓફિસર સતત ડિવિઝનના સંપર્કમાં રહેશે. સેફ્ટીના ભાગરૂપે જરૂર જણાય તો સબસ્ટેશન બંધ કરવામાં આવશે

રાજુલામાં વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા વન વિભાગને આદેશ

વાયુ વાવાઝોડાને કારણે રાજ્ય સરકાર દ્વારા રાજુલા વનવિભાગને સિંહો બચાવવા માટે આદેશો આપ્યા છે. જેને લઇને રાજુલા રેન્જમાં ધારી ડીસીએફ પુરષોતમ, અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત, 2 ડીસીએફ અને 10 વનવિભાગની અલગ અલગ ટીમો બનાવી રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તાર બાબરકોટ, કોવાયા, પીપાવાવ પોર્ટ, ભેરાઇ રામપરા જેવા અનેક વિસ્તારમાં સિંહોનો વસવાટ છે તેવા દરિયાકાંઠે સિંહોના લોકેશન રાખવા અને સિંહોને નજર કેદ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. તેને લઇને ફોરેસ્ટ ગાર્ડ સહિત અલગ અલગ વનવિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં રાજુલા આરએફઓ રાજલ પાઠક, આર.એફ.ઓ.પરિમલ પટેલ સહિત એસીએફ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને લોકેશનની કવાયત હાથ ધરી છે. જેમાં આરએફઓ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, 3 ગ્રુપો સિંહોના દરિયાકાંઠે છે. જેમાં વધુ વરસાદ અને પવનની સ્થિતિ દેખાશે તો રેસ્ક્યુ કરવાની ફરજ પડશે. હાલમાં કોઇ સ્થિતિ આવી છે નહીં. પરંતુ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સરકાર દ્વારા સૂચનાઓ મળી છે. સિંહોને જરૂર પડે તો સલામત જગ્યા પર લઈ જવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા પડશે. હાલમાં અમારી ટીમો 10 જેટલી છે જે સિંહોના લોકેશન લઈ રહી છે.

X
directorial of coastal and cyclone vayu affected area more than one lakh poeple migrated to safe place

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી