તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગડુ પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા, સોમનાથ વેરાવળમાં ધોધમાર, માર્કેટ યાર્ડમાં 2 હજાર ગુણી મગફળી પલળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ વેરાવળમાં ધોધમાર વરસાદ - Divya Bhaskar
સોમનાથ વેરાવળમાં ધોધમાર વરસાદ
  • કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન
  • બપોર બાદ રાજુલા-જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ

જૂનાગઢ/આટકોટ: આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગડુ પંથકમાં વરસાદના સામાન્ય ઝાપટા પડ્યા હતા. કાલે સાંજથી જ વાદળછાયુ વાતાવરણ થયું હતું અને આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના હિસાબે શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે ખેડૂતોએ ઘઉં, ચણા, મકાઇ, બાજરી ધાણા તથા જીરૂના ઉભા પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. સરેરાશ આ વર્ષ મોડું હોવાના કારણે શિયાળુ વાવેતરના પાકમાં જોયે તેવી તંદુરસ્તી નથી અને તેમાં પણ જો માવઠું થાય તો તે પાકમાં વધારે નુકશાનીની શક્યતાઓ છે. આટકોટમાં આજે વહેલીસ વારથી જ જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. હાઈવે પર બાજુમાં વાહનો પણ દેખાતા નહોતા એટલો ઝાકળ પડ્યો હતો. એસટી સહિતના વાહનો ધીમા પડી ગયા હતા. સવારે આઠ વાગ્યા પછી વાહન વ્યવહાર ચાલુ થયો હતો. કાલે આટકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વેરાવળમાં ધોધમાર વરસાદ પડતા માર્કેટ યાર્ડમાં 2 હજાર ગુણી મગફળી પલળી ગઇ છે.

અમરેલી પંથકમાં પણ વરસાદ 
અમરેલી પંથકમાં પણ ભર શિયાળે વરસાદ પડી રહ્યો છે. રાજુલા-જાફરાબાદના કોસ્ટલ બેલ્ડના કેટલાક ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. સરોવડા, લોઠપુર સહિતના ગામોમાં ધીમા ધારે વરસાદ વરસ્યો હતો. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સોમનાથ વેરાવળ, સુત્રાપાડામાં ધોધમાર
આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સોમનાથ વેરાવળમાં સવારે સાત વાગ્યે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.

વેરાવળ નજીક કાજલી માર્કેટ યાર્ડમાં 2 હજાર ગુણી મગફળી પલળી ગઇ
વેરાવળના કાજલી નજીક આવેલા APMCમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે 2,000 બોરી મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની જાય તેવી ભીતિ છે. વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેર ઠેર મગફળી તરવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, માર્કેટિંગ યાર્ડમાં તાડપત્રી હતી તેમ છતાં વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને વેપારીઓને મગફળી પલળી જતા આ નુકસાની કોણ ભરપાઈ કરશે તેવા સવાલો સર્જાઈ રહ્યા છે. યાર્ડના કમ્પાઉન્ડમાં પડેલી મગફળીને વરસાદ વરસતા તાત્કાલિક સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.

(મરૂત સોલંકી, ગડુ/કરસન બામટા, આટકોટ/જયેશ ગોંધિયા, ઉના)  

અન્ય સમાચારો પણ છે...