વાયુ / વાવાઝોડા સામે સોમનાથ મંદિર સલામત, વિશિષ્ટ પ્રકારની Key પદ્ધતિથી થયેલું બાંધકામ રક્ષણ આપે છે

  • મંદિરનું બાંધકામ જ એ રીતે કરવામાં આવ્યું છે કે પવનના તોફાનને નૈસર્ગિક રીતે ખાળી શકાય
  • મંદિર પરિસરમાં દર્શન નિયત સમય મુજબ ચાલુ, પણ યાત્રાળુઓ ન આવે એ ઈચ્છનીય
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા NDRFના જવાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
  • સોમનાથ ટ્રસ્ટના પી.કે.લહેરી અને જે.ડી.પરમાર સાથે DivyaBhaskarની ખાસ વાતચીત

Dainik Bhaskar

Jun 12, 2019, 05:01 PM IST

વેરાવળઃ સોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે. મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા સામે ટકી રહેવા સક્ષમ છે એવું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી - સેક્રેટરી પી.કે. લહેરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે. તકેદારી માટે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ ટાવર ઉતારી લેવામાં આવ્યા છે. બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે. મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમારે પણ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મંદિરના બાંધકામની વિશિષ્ટતા વિશે માહિતી આપી હતી.

મંદિર સંકુલ ખુલ્લું છે પણ...

પી.કે.લહેરીના જણાવ્યા મુજબ, મંદિર સંકુલ અને સોમનાથ મહાદેવના દર્શન નિયત સમય મુજબ થઈ શકે છે પરંતુ આવા સંજોગોમાં દર્શનાર્થીઓ આવવાનું ટાળે એ ઈચ્છનીય છે. સાગરદર્શન સહિતના સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટહાઉસ, ખાનગી હોટેલ્સ વગેરે માંથી યાત્રાળુઓ સોમવાર સાંજથી નીકળવાના શરૂ થઈ ગયા હતા અને બુધવાર બપોર સુધીમાં ભાગ્યે જ કોઈ યાત્રાળુઓ સોમનાથમાં રોકાયા હતા. મંદિર પરિસરથી પારસભવન સુધીના દરિયાકાંઠામાં અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા NDRFના જવાનો ઉપરાંત રાહત કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓના રહેવા-જમવાની સુવિધા કરવામાં આવી છે.

બાંધકામ વિશિષ્ટ છે

સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંદિરનું બાંધકામ Key પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં એક પથ્થરની અંદરની ખાંચમાં બીજો પથ્થર ફીટ થઈ જાય અને બીજા પથ્થરની ખાંચમાં ત્રીજો પથ્થર હોય એ પ્રકારની રચના હોવાથી પવનના તોફાન સામે મંદિરને નૈસર્ગિક રક્ષણ મળે છે. સોમનાથ મહાદેવની કૃપાથી આજ સુધી ક્યારેય વાવાઝોડાંથી મંદિરને નુકસાન થયું નથી. આ વખતે પણ નહિ થાય એવી કરોડો લોકોની શ્રદ્ધા છે. મંદિરના દર્શન અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે મંદિરના દર્શન નિયત સમય મુજબ ચાલુ છે પરંતુ આવતીકાલે સ્થિતિ જોયા પછી નિર્ણય લેવામાં આવશે. તકેદારી સ્વરૂપે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટહાઉસમાં થયેલા બૂકિંગ રદ કરીને યાત્રાળુઓને તેની જાણ કરી દેવામાં આવી છે. હવે ખાસ યાત્રાળુઓ રહ્યા નથી. આ સ્થિતિમાં યાત્રાળુઓ આવે એ ઈચ્છનીય પણ નથી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી