ભલે હું દિવ્યાંગ છું પણ ચૂંટણીમાં ફરજ બજાવીશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભુદાસભાઇ ત્રાંબડીયા - Divya Bhaskar
પ્રભુદાસભાઇ ત્રાંબડીયા
  • ચૂંટણીમાં પ્રથમ વખત દિવ્યાંગોને પણ ફરજ સોંપાઇ, લોકસભા ચૂંટણીમાં 5 બુથ પર 25 દિવ્યાંગો કામગીરી કરશે
  • જૂનાગઢના 5 બુથમાં દિવ્યાંગ કર્મીઓ

જૂનાગઢ: લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત દિવ્યાંગોને પણ ફરજ સોંપવામાં આવી છે. 40 ટકાથી નીચેની દિવ્યાંગતા ધરાવતા કર્મીઓને ચૂંટણી અંગેની ફરજ સોંપી ચૂંટણી તંત્રએ સામાન્ય કર્મી તેમજ દિવ્યાંગો વચ્ચેનો ભેદ મિટાવવાનો પ્રયાસ કર્યો છે. જૂનાગઢ લોકસભા હેઠળ 5 વિધાનસભા મતવિસ્તાર આવે છે. દરેક વિધાનસભા દિઠ એક બુથ દિવ્યાંગો દ્વારા સંચાલિત હશે.

એક બુથમાં કુલ 5 દિવ્યાંગોને ચૂંટણીની ફરજ સોંપવામાં આવશે. આમ, 5 પીડબલ્યુડી બુથમાં મળી કુલ 25 દિવ્યાંગો પોતાની ફરજ બજાવશે. આ માટે તાલીમ પણ આપવામાં આવી છે અને હજુ પણ તાલીમ આપવામાં આવશે. દરમિયાન આવી જ તાલીમ મેળવેલ એક દિવ્યાંગ અને હાલ બહાઉદીન કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ચંદુભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે,ભલે મારે એક પગ છે પરંતુ કેલીપર્સ પહેરીને પણ ચૂંટણી ફરજ બજાવીશ.

જયારે કૃષિ યુનિવર્સિટીના અેકઝીકયુટીવ ધવલભાઇ થાનકીએ જણાવ્યું હતું કે, આ કામગીરીથી અમારા કોન્ફીડન્સમાં વધારો થશે. બીજા કરશે તેના કરતા પણ વધુ સારી કામગીરી કરી ચૂંટણી તંત્રએ અમારા પર મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરીશું. દિવ્યાંગોને તક આપી છે તેનું ગૌરવ છે.

જયારે નાયબ વન સંરક્ષક કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રભુદાસભાઇ ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે,મને ખુશી છેકે નિવૃત્તિના 1 વર્ષ પહેલા લોકશાહીના પર્વની ઉજવણીમાં શામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ફરજ સોંપી છે તો પૂરી નિષ્ઠાથી  કરીશું.

જૂનાગઢના 5 બુથમાં દિવ્યાંગ કર્મીઓ: જૂનાગઢ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં આવતા 5 પોલીંગ બુથમાં દિવ્યાંગ સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવનાર છે. આ બુથ ક્યા હશે એ બાબત ગુપ્ત રાખવામાં આવનાર છે. ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ દિવ્યાંગોને ચૂંટણીની ફરજ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ અને પ્રશિક્ષણને આધારે તેઓ ચૂંટણીમાં યોગ્ય ફરજ બજાવી શકશે. તેમની દિવ્યાંગતાના કારણે તેમને અન્ય કોઈ તકલીફ ન પડે તે પણ ચૂંટણી તંત્ર ધ્યાને રાખે તેવી તેમને હૈયાધારણા આપવામાં આવી છે. પ્રથમ વખતના કારણે તેમનામાં ચૂંટણી ફરજનો ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...