સુરક્ષા સામે સવાલ / સોમનાથ મંદિર પર આતંકી હુમલાનો ખતરો!, પરપ્રાંતિય બોટોના દરિયામાં આંટાફેરા, કોઈ ચેકિંગ નહીં

threatens terror attack on Somnath temple inputs
X
threatens terror attack on Somnath temple inputs

  • 'ચોક્કસ સ્થાનિક લોકો દ્વારા અસામાજિક પ્રવૃતિ ચાલી રહી છે!'
  • અસામાજિક હિલચાલ પર કોઈ ચેકિંગ હાથ ધરાતું નથી
  • અજાણી બોટો ઘુસવા માટે કોસ્ટગાર્ડ, મરિન પોલીસ કે ફિશરિઝની મંજૂરી લેતી નથી

Divyabhaskar.com

Feb 28, 2019, 04:06 PM IST
જીજ્ઞેશ કોટેચા, રાજકોટઃ પુલવામા આતંકી હુમલા બાદ હવે સોમનાથ મંદિર પર આતંકી હુમલાનું જોખમ છે. તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાત એલર્ટ પર હોવાનો સ્વીકાર કર્યો છે. આતંકી હુમલાના ખતરાને લઈ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારાઈ છે. પરંતુ દરિયાઈ વિસ્તારમાં આતંકી પ્રવૃતિઓ સક્રીય થઈ હોવાના ઈનપૂટ મળ્યા છે. વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું કે, દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતિય બોટોનાં 24 કલાક આંટાફેરા વધી ગયા છે અને તેના લોકોને કોઈ ઓળખતું પણ નથી. જેને કારણે સોમનાથ મંદિરથી લઈ વેરાવળ બંદર પર હુમલા થવાની શક્યતા છે.

સુરક્ષાની જવાબદારી કોની?

1. અજાણી બોટોના માણસોને કોઈ ઓળખતું નથી
વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલ મુજબ, વેરાવળ બંદરમાં અજાણી બોટો 24 કલાક આંટા મારી રહી છે, જેના માણસો અહીંના નથી. તેને કોઈ ઓળખતા નથી. તેમજ મચ્છી કે સામાન ઉતારવા જેવા આદાન પ્રદાન કરવા દરમિયાન કોઈ ચેક કરતું નથી. કોઈ એજન્સી પાસે તેનો રેકોર્ડ નહીં હોય. વેરાવળની ફિશિંગ બોટની ઈન-આઉટ વોઈસબુક મેઈન્ટેઈન થતી હોય છે. ફિશિંગમાં જાય એટલે જવાની અને આવવાની તારીખ લખવાની હોય છે. જેને મરિન પોલીસ તપાસ કરે કે કેટલા દિવસ મોડા કે વહેલાં આવ્યા. પરંતુ અજાણી બોટોને કોઈ તપાસતું નથી.
2. ગુજરાતની બોટોને ચેક કરે છે પણ અજાણીને નહીં

ફિશરિઝ લેન્ડમાં વેરાવળ મરિન પોલીસની 12 નોટિકલ માઈલની સુરક્ષાની જવાબદારી છે. ગુજરાતની બોટોને ચેક કરવામાં આવે છે પણ અજાણી બોટોને ઘુસવા માટે કોસ્ટગાર્ડ, મરિન પોલીસ કે ફિશરિઝની મંજૂરી લેવાની જરૂર લાગતી નથી. જે જગ્યા પર અજાણી બોટો આંટા મારે છે ત્યાં ટ્રકોબંધ દારૂ પણ ઉતરી ચૂક્યા છે. 

 

આ માધ્યમથી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોને, ગુજરાતમાં વેરાવળ સિવાય કોઈ જગ્યાએ બોટ લઈ નહીં જઈ શકાય તેનો ખ્યાલ છે. આ બંદર પરથી સૌથી વધુ નિકાસ થાય છે. અહીં લાખો લોકો કામ કરે છે અને સોમનાથ જેવા યાત્રિક સ્થળ છે પણ તેની સુરક્ષાની જવાબદારી કોની?

3. આતંકવાદીઓ માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી સરળ રસ્તો
આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારો સરળ રસ્તો છે. તે અગાઉ પણ આપણે જોઇ લીધુ છે. મુંબઇ હુમલા વખતે આતંકીઓએ પોરબંદરથી બોટનો ઉપયોગ કરી ખેલનો અંજામ પાડ્યો હતો. આ અગાઉ પણ ગોસાબારમા આતંકી પ્રવૃતિના પાયા નંખાયા હતા. તે જગજાહેર છે ફરી ગુજરાત હાઇ એલર્ટ પર છે ત્યારે સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયો છે. કે જ્યાંથી બેરોકટોક આતંકીઓ ધુસી શકે છે. આટલા મોટા હુમલા પછી પણ માછીમાર બોટ એસસોસિએશને ગંભીર આક્ષેપો કર્યા છે છતા તંત્ર તો સબસલામતનાં દાવા કરી રહ્યું છે.
4. શાંતિ સમિતીની બેઠકમાં લોકોની પાંખી હાજરી
બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના આગેવાનો અને શહેરીજનો સાથે શાંતિ સમિતીની બેઠકનું અતિ મહત્વપુર્ણ આયોજન કરવામા આવ્યું હતું. આ બેઠક જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના અધ્યક્ષ સ્થાને યોજનાર હતી. પરંતુ કોઇ કારણસર જીલ્લા પોલીસ અધિક્ષક બેઠકમાં હાજર ન રહેતા આખરે હેડકવાટર ડીવાયએસપી એમ.એમ.પરમારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમીતીની બેઠક યોજાઇ હતી. જેમાં એમ.એમ.પરમારે સબ સલામત હોવાની વાત કરી હતી. જો કે આ બેઠકમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
5. 200થી વધુ CCTVથી બાજ નજર રખાશે
એમ.એમ.પરમારે કહ્યું હતું કે શહેરની સુરક્ષાને ધ્યાનમાં લઈને શહેરમાં 200થી પણ વધુ CCTV કેમેરા ગોઠવવામાં આવશે અને ગીર સોમનાથ જિલ્લાની એસ.પી. કચેરી ઈણાજ મુકામે કાર્યરત થશે. ત્યારે બાર લાખના ખર્ચ કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે અને રાઇન્ડ ધ કલોલ શહેર તેમજ સોમનાથ મંદિર અને દરિયાઇ સુરક્ષા ઉપર નજર રાખવામાં આવશે.  બેઠકમાં શહેરના જવાબદાર આગેવાનો અને શહેરીજનોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બન્યો હતો. તો સાથે સાથે આ બેઠકમાં સુમુદ્રી સુરક્ષા બાબતે સુરક્ષા વિભાગની ગંભીર બેદરકારીની પણ પોલ છતી થઇ હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી