જામનગર:ગુજરાતની ધરતીએ શુરવીરોની ધરતી કહેવાય છે. આજના કોમ્ય્યુટર અને ટીવી મોબાઇલ યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઇ રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો છે. આજે જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.. ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.
છેલ્લા એક મહિનાથી મહિલાઓ પ્રેક્ટીસ કરી રહી હતી
આ તલવાર રાસ માટે રાજ્યના 16 જિલ્લાની 13થી 52 વર્ષની કુલ 2000 મહિલાઓને તાલીમ આપવામા આવી છે. જેમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર,કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ કરી રહી હતી.
શહીદ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો
પ્રમુખ મહિપતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે ભૂચરમોરીના મેદાનમાં વર્ષો પહેલા શિતળા સાતમના દિવસે જામ તબાજી અને અકબરના યુદ્ધમાં 30 હજાર કરતાં વધુ યોદ્ધાઓ શહીદ થયા હતા. જેને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો છે. જ્યારે બનાસકાંઠાના આંગણવાડાના ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શૌર્ય અને શક્તિનું સ્વરૂપ એવી રાજપુતાણી બહેનો રસોડા પૂરતી મર્યાદિત ન રહે તે આશયથી આ તલવારબાજી કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
ભૂચર મોરીના યુદ્ધનો ઈતિહાસ
ઈ.સ. 1591માં એટલે કે, 428 વર્ષ પહેલા આ ભુચરમોરીનું યુધ્ધ મોગલોથી ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફફરને જામનગરે આશરો આપ્યો તેને કારણે મોગલો સાથે લડાયું હતું. જામ સતાજી પહેલાની અગ્રતામાં ક્ષત્રિયોનો આશરાધર્મ નિભાવવા પાટવીકુંવર અજાજી, સેનાપતિ જેસાજી ચાંગલાણી, મેરામણજી ડુંગરાણી, ભાણજી દલ, સેનાપતિ પુત્ર નાગડાજી તેમજ અન્ય વિરયોદ્ધાઓએ યુદ્ધ લડી ભારતનાં રાજપુતોનાં ઈતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાય તેવું પ્રકરણ કાયમી ધોરણે અંકિત કરી દીધું હતું. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈ નવોઢા રાણી સુર્યકુંમારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે.
(તસવીર- પ્રકાશ રાવરાણી, હસીત પોપટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.