‘વાયુ’ વાવાઝોડુ / દ્વારકાના ગોમતી ઘાટે સુદામા સેતુ પર 3 દિવસ યાત્રિકોને પ્રવેશબંધી, દીવમાં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા

દ્વારકાના સુદામા સેતુ પર લોકોને જવા પર પ્રતિબંધ

  • દીવમાં હોટેલોની અંદર બુકિંગો બંધ કરી દેવામાં આવ્યા

Divyabhaskar.com

Jun 13, 2019, 10:50 AM IST

દ્વારકા/દીવ: વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના બંદરો પર શરૂ થઇ ગઇ છે. ત્યારે દ્વારકામાં 3,000 યાત્રિકો હજુ હાજર હોય તેમને હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં જ રહેવા તાકિદ કરી દેવાઇ છે. દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, દ્વારકા ગોમતી ઘાટ પર આવેલ સુદામા સેતુ પર યાત્રિકોને અવરજવર પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દરિયા કાંઠે ન જવા તાકિદ કરવામાં આવી છે. સમગ્ર વહિવટી તંત્ર સંભવિત કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

દીવ પ્રશાસન એલર્ટ, રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું

દીવમાં વાયુ વાવાઝોડાને લઇને પ્રશાસન દ્વારા કોઇ જાનહાનિ ન થાય તે રીતનું આયોજન કરી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી ત્યાં વસતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દીવમાં વાયુ વાવાઝોડાને લઇને પ્રશાસન સર્તક થઇ ગયું છે અને દીવ કલેક્ટર હેંમતકુમારે બેઠક યોજી ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં મોકલી આપ્યાં હતાં. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની અસર વધુ થવાની સંભાવના હોય તેવી જગ્યાએ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, દીવ જિલ્લાનાં 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ માટે કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં પાણીથી લઇને શૌચાલય સુધીની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે ફિશીંગ બોટોને જેટી ઉપર ચઢાવી દેવા માલિકોને સુચના આપી દેવામાં આવી છે. જાનમાલનું નુકસાન ન થાય તેની સતત કાળજી રાખવામાં આવી રહી છે. જો કે હોટેલોની અંદર બુકીંગો બંધ કરી દેવામાં આવી છે.
દરિયાના પાણી ગઇકાલે મોડી સાંજે કાંઠાનાં ઘરોમાં ઘુસ્યા હતા.

હાલારમાં 233 ગામમાંથી 50,000નું સ્થળાંતર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં તકેદારીના ભાગરૂપે હાલારમાં 233 ગામમાંથી 50,000 લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાંથી 13152 અને દ્વારકા જિલ્લામાંથી 35123 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હાલારમાં વાયુ વાવાઝોડાની આગાહીનાં પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. અને અગમ ચેતીના પગલા માટે નીચાણવાળા અને દરિયાકાંઠા વિસ્તારના ગામડાંમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાંથી અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી મળી કુલ 13152 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા જિલ્લાનાં ચાર તાલુકાના 194 ગામોમાંથી 35123 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના આજુબાજુના તમામ ગામોમાં લોકોને સલામત સ્થળે રહેવા તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા 60 ગામ 16474, દ્વારકા 38 ગામ 9496, કલ્યાણપુર 52 ગામ 6012, ભાણવડ 44 ગામ 3141, જોડિયા 11 ગામ 224, લાલપુર 6 ગામ 160, જામનગર ગ્રામ્ય 22 ગામ 232 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

ગીરસોમનાથ જિલ્લામાં 18 હજારનું સ્થળાંતર

ગીરસોમનાથ જિલ્લામાં 18 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.101 ગામોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ વેરાવળમાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.ગીર સોમનાથમાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.

અજંપા સાથે ઉચાટ

- વાવાઝોડાના પગલે ફલોરમીલમાં લોટ દળવવા લાઇનો લાગી.
- મીણબતી, ટોર્ચની ખરીદીમાં તડાપડી.
- દૂઘ,પીવાના પાણીનો સંગ્રહ.
- શાકભાજીની માર્કેટોમાં શાકભાજી ખરીદવા ભારે ભીડ.
- વિજપુરવઠો ખોરવાતાં લાલબંગલા PGVCL મુખ્ય કચેરીએ રાત્રે ટોળાં ઉમટ્યા.
- વાવાઝોડાથી ટ્રેન અને ST બસ સેવા પ્રભાવિત, રાતથી લોકલ બસો બંધ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી