‘વાયુ’ની અસર / ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાના જગત મંદિરમાં એકસાથે બે ધજા ફરકાવાઈ

પહેલીવાર બે ધ્વજા જોવા મળી

  • વાવાઝોડાના  લીધે 100 કિમીની ઝડપે ફૂંકાતા પવનના વેગના લીધે ધજા ઉતારવી શક્ય નહીં હોવાથી બીજી ધજા ચઢાવાઈ 
  • વાવાઝોડું ભગવાન સોમનાથ, દ્વારકાધીશ કૃષ્ણ અને હરસિદ્ધ માતાની કૃપાથી સદનસીબે દરિયામાં ઓમાન તરફ ફંટાયું છે : વિજય રૂપાણી

Divyabhaskar.com

Jun 14, 2019, 01:06 AM IST

દ્વારકા: વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ગુરુવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી.

બાવન ગજની આ પવિત્ર ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દ્વારકાધીશના ધામ પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી નિહાળી શકાય છે. આ ધજાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ છે. તેના કારણે પરંપરાને અતૂટ રાખવા માટે બીજી ધજાને પ્રથમ ધજાની નીચે ચઢાવવામાં આવી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હતી. આ ધજા સાત અલગ અલગ રંગમાં હોય છે. ધજાને સવારે, બપોરે અને સાંજે અબોટી બ્રાહ્મણો દ્વારા બદલવામાં આવે છે. દરમ્યાન વાવાઝોડા સામે રાજ્યને રક્ષણ મળે એ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ મંદિરમાં પૂજા કરીને વાયુ વાવાઝોડા સામે રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. વાઘાણી અને ચુડાસમાએ પૂજા અર્ચના કરતા હોવાની તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી હતી.

દ્વારકાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાલી કરાયા

વાયુ નામનું વાવાઝોડુ સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠાને અસર કરનારૂ હતું. ત્યારે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો હતો. આશરે પાંચ મીટર ઉંચા મોજા ઉછળ્યાં હતા. દ્વારકાની પવિત્ર ગોમતી નદી બેકાંઠે થઈ હતી. અહીં ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. તે દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવતા હોય છે. પરંતુ પ્રથમ વખત એવી ઘટના બની છે કે વાયુ વાવાઝોડાના હિસાબે તમામ તંત્ર સાબદુ થયું છે. અને તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારગામથી આવતા તમામ યાત્રાળુઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દ્વારકાની તમામ હોટલો, ગેસ્ટહાઉસને ખાલી કરી દેવાયા છે. સાથે બહારગામથી આવેલા યાત્રાળુઓ માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. વાવાઝોડાને ઉપલક્ષી બે એનડીઆરએફની ટીમ તથા સેનાને તૈનાત કરવામાં આવી છે.

(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી