જામનગર / ઢોર ડબ્બામાં 10 ગૌવંશના મૃત્યુ, 4 માસમાં 393નાં મોતનો ધડાકો; 3નું PM કરાતાં પેટમાંથી 49 કિલો પ્લાસ્ટિક મળ્યું

ઢોર ડબ્બામાં 10 ગૌવંશના મૃત્યુ
ઢોર ડબ્બામાં 10 ગૌવંશના મૃત્યુ

  • નગરસેવકે રેડ કરતાં કરૂણાંતિકા બહાર આવી
  • પ્લાસ્ટિક વાપરનારાઓ અને ઢોરને પૂરતો ખોરાક નહીં આપનારા મૃત્યુકાંડ માટે જવાબદાર

Divyabhaskar.com

Sep 14, 2019, 10:39 AM IST

જામનગર: મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાનું ભયાવહ ચિત્ર શુક્રવારે વિપક્ષના કોર્પોરેટર ઓચિંતી મુલાકાત લેતા સામે આવ્યું છે. જેમાં ઢોર ડબ્બામાં 10 ગૌવંશ મૃત હાલતમાં મળી અવ્યા હતાં. છેલ્લા ચાર માસમાં પૂરતુ ખાવાનું અને અવ્યવસ્થાના કારણે 393 ઢોર મત્યુ પામ્યા હોવાની ચોકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. એટલુ જ નહીં ત્રણ ઢોરનું પીએમ કરાતા ત્રણેયના પેટમાંથી મળી કુલ 49 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું છે. એટલે પ્લાસ્ટિક વાપરનારાઓ અને ઢોરને પૂરતો ખોરાક નહીં આપનારા મૃત્યુકાંડ માટે જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે.

ઢોર ડબ્બામાં ઠેર-ઠેર ગૌવંશના મૃતદેહ જોવા મળ્યાં
જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે. મહાપાલિકા દેખાવ પુરતી ઢોરને પકડે છે અને તેને રણજીતસાગર પાસે આવેલા ઢોર ડબ્બામાં મોકલી આપે છે. જયાં તેની હાલત વધુ બદતર બની જાય છે. આ બધા વચ્ચે વિપક્ષના કોર્પોરેટર દેવશીભાઇ આહિર, સાજીદ બ્લોચ અને સુરેશ પટેલ ઓચિંતા ઢોર ડબ્બા ખાતે પહોચી ગયા હતાં. જ્યાનું દૃશ્ય જોઇને તેઓ હેબતાઇ ગયા હતાં. 400 જેટલા ઢોરોથી ખીચો-ખીચ ભરેલા ઢોર ડબ્બામાં ઠેર-ઠેર ગૌવંશના મૃતદેહ પડયા હતાં. 10 જેટલા ગૌવંશ એક જ દિવસમાં મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. ત્યાંનું રજીસ્ટરની તપાસણી કરતા કાગળ પર 4 મહિનામાં 393 જેટલા ઢોર મૃત્યુ પામેલા જોવા મળ્યા હતાં. અપૂરતું ખાવાનું, ગંદકી અને અવ્યવસ્થાથી દરરોજ ઢોર મૃત્યુને ભેટતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થઇ રહ્યો છે. પરંતુ શુક્રવારના એક જ દિવસમાં 10 ગૌવંશના મૃતદેહો મહાપાલિકાની પોલ ખોલવા પુરતા છે.

રખડતા ઢોરોની ખાવાની ટેવ બદલાઇ ગઇ છે
રખડતા ઢોર મુખ્યત્વે એઠવાડ ખાતા હોય છે. ડબ્બામાં પુરાયા બાદ તેમને મકાઇની જાર આપવામાં આવે છે જે ઢોર ખાતા નથી અને ખાય છે તેને પચતા નથી જેના કારણે ચોમાસામાં વધુ ઢોર મૃત્યુ પામે છે. બાકી અમે ત્રણ ઢોરના પોસ્ટમોર્ટમ કરાવ્યા તો ત્રણેય ઢોરના પેટમાંથી અનુક્રમે 14, 15 અને 20 કિલો પ્લાસ્ટીક નિકળ્યું હતું.
- રાજભા જાડેજા, ઇન્ચાર્જ ઢોર-ડબ્બા

400 ઢોરો વચ્ચે એક ટ્રેકટર ઘાસ
રણજીતસાગર ઢોર ડબ્બામાં આશરે 400 જેટલા ઢોર છે, જેમને ખાવા માટે મહાપાલિકા ફકત એક ટ્રેકટર ઘાસ આપતું હોવાનો આક્ષેપ છે. જે ખૂબ જ ગંભીર છે.આના કારણે ઢોર બિમાર અને અશકત બની મરી રહ્યા છે.

જામનગરમાં ગૌવંશની હાલત દયનીય છે
ઢોર ડબ્બાની હાલત જોઇને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય એક જ દિવસમાં 10 ગૌવંશના મૃત્યુ વ્યવસ્થાની પોલ ખોલવા પુરતી છે. ગાયના નામે મત લેનાર તેની હાલત આવી કરે છે. અગાઉ મે આ બાબતે આંદોલન કર્યુ હતું. ટકો કરાવી હવન કર્યુ હતું, પરંતુ નિભર્ય તંત્રને કંઇ પડી નથી ભલે ઢોર મરતા હોય. -દેવશી આહિર , કોર્પોરેટર

X
ઢોર ડબ્બામાં 10 ગૌવંશના મૃત્યુઢોર ડબ્બામાં 10 ગૌવંશના મૃત્યુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી