ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની ચેક રિટર્નમાં ડિસમિસ અરજી નકારાઇ, 10 લાખના 10 ચેક પરત ફર્યા'તા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના ઉદ્યોગપતિ પાસેથી રાજકુમાર સંતોષીએ એક કરોડ ઉછીના લીધા હતા
  • ચેક પરત ફરતા જામનગર કોર્ટમાં 10 ફરિયાદ થઇ હતી

જામનગર: જામનગર શહેરના એક ઉદ્યોગપતિને હિન્દી ફિલ્મી જગતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ રૂા. 10 લાખના આપેલા દસ ચેક પરત ફરતા ડાયરેક્ટર સામે જામનગરની અદાલતમાં 10 ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસમાં સંતોષીએ પ્રોસેસ રીકોલ-ડિસમીસ અને કેસ જ ડિસમીસ કરવાની કરેલી અરજી તમામ કેસોમાં નામંજૂર કરવાનો કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

જામનગરના જાણિતા ઉદ્યોગપતિ પાસેથી રૂપિયા લીધા હતા
મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતા અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પાસેથી થોડા વર્ષ પહેલાં ફિલ્મ બનાવવા માટે રૂા. એક કરોડ હાથ ઉછીના લીધા હતાં અને તેની પરત ચૂકવણી માટે રૂા. 10-10 લાખના દસ ચેક આપ્યા હતાં તે તમામ ચેક બેંકમાંથી સહી તફાવતના છેડા સાથે પરત કરતા શહેરના ઉદ્યોગપતિએ જામનગરની અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ 138 હેઠળ રાજકુમાર સંતોષી સામે ફરિયાદ નોંધાવી હતી. કેસમાં આરોપી રાજકુમારે ઉપરોક્ત તમામ ચેક મુંબઈની એક બેંકની શાખાના હોય તમામ કેસ મુંબઈની અદાલતમાં ટ્રાન્સફર કરવા કાનૂની લડત આપી હતી. તેની સામે વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી તમામ કેસ જામનગરની અદાલતમાં જ ચાલશે તેવો હુકમ કર્યો હતો અને આરોપીને હાજર થવા સમન્સ પાઠવાયું હતું અને આરોપી હાજર રહેતા ન હોવાથી અદાલતે વોરંટ જારી કરતા રાજકુમાર સંતોષીને હાજર થવું પડ્યું હતું અને બધા કેસમાં તેમની પ્લી લેવામાં આવી હતી. 

સંતાષીએ ફરિયાદ જ ડિસમીસ કરવા અરજી કરી હતી
દરમિયાન સંતોષીએ થયેલી પ્રોસેસ રીકોલ કે ડિસમીસ કરવા અને ફરિયાદ જ ડિસમીસ કરવા અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ચેકમાં લખેલી તારીખમાં ફેરફાર છે, દસ્તાવેજ સાથે ચેડા થયા છે, ખોટા દસ્તાવેજ ઊભા કરાયા છે, ચેકમાં પોતાની સહી જ નથી તેમજ અદાલતના પ્રોસેસનો મીસયુઝ કરાયો છે અને હાથઉછીની રકમ ક્યારે અને ક્યાં આપવામાં આવી છે તેનો ખુલાસો થયો નથી. તેની સામે વકીલે દલીલ કરી હતી કે ચેકની તારીખમાં ફેરફાર થયો હોય તેવો બેંકનો શેરો નથી, આરોપીએ કોઈ ચેક આપ્યા નથી તેવી રજુઆત થઈ નથી તેમજ સીઆરપીસી 202 હેઠળ આરોપી સામે પ્રોસેસ ઈસ્યૂ કરવાનો અદાલતનો હુકમ હોય તે પછી પ્રોસેસ રીકોલ થઈ શકે તેવી જોગવાઈ કાયદામાં નથી. અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની પ્રોસેસ રીકોલ કે ડિસમીસ કરવાની તેમજ કેસ જ ડિસમીસ કરવાની અરજીઓ ફગાવી દીધી છે.