સિઝેરિયનમાં તબીબની બેદરકારી, બાળકનું મોઢું જોવે તે પૂર્વે જ મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક કોન્સ્ટેબલની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક કોન્સ્ટેબલની ફાઇલ તસવીર
  • લોહી વહન કરતી નસ કપાઇ જતાં વધુ પડતા રક્તસ્ત્રાવથી જામનગરની મહિલાનુ મોત થયું

સમીર ગડકરી, જામનગરઃ જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનું સિઝેરિયન દરમિયાન વધુ લોહી વહી જવાથી મૃત્યુ થયાની ઘટનામાં તબીબી બેદરકારી સામે આવતી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા પોલીસ બેડામાં ભારે કચવાટ ફેલાયો છે. પોતાના બાળકનું મોઢું જોયા વગર જ માતાના મૃત્યુથી પરિવાર પર વજ્રઘાત થયો છે. મળતી વિગતો મૂજબ જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી કોમલબેન દામજીભાઇ નકુમ (ઉ.વ.29)ને પ્રસુતિ માટે ટાઉનહોલ નજીક આવેલા સંકલ્પ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીનું સિઝેરિયન કરી પ્રસુતિ કરાવવામાં આવી હતી. જે દરમિયાન તેણીને વધુ રક્તસ્ત્રાવ થઇ જતાં તબિયત લથડી હતી અને તાત્કાલિક સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર બાદ તેણીનું તા. 20 સપ્ટેમ્બરના મૃત્યુ થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતાં અને તેણીનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

કોન્સ્ટેબલ માટે તેમના જ ડિપાર્ટમેન્ટને ચિંતા નથી
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મૂજબ પોસ્ટમોર્ટમમાં તબીબી બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. સિઝેરિયન ઓપરેશન દરમિયાન ડીઆઇસી નામની લોહી વહન કરતી નશ કપાઇ ગઇ હતી. જેના કારણે કોમલબેનને ખુબ જ માત્રામાં રકતસ્ત્રાવ શરૂ થઇ ગયો હતો. જે દરમિયાન ડોકટરે નિર્ણય લેવાની જગ્યાએ કેસ બગડતો જોઇ તાત્કાલિક જી.જી. હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. જ્યાં અનેક પ્રયત્ન છતાં સારવાર કારગત નિવડી ન હતી. ઇન્ફેકશન વધી જતાં અને રક્તસ્ત્રાવના કારણે તેણીનું મોત નિપજયું હતું. આવી ગંભીર તબીબી ભૂલ છતાં એક મહિલા કોન્સટેબલ માટે તેમના જ ડિપાર્ટમેન્ટને સહાનુભૂતિ નથી જેણે અત્યાર સુધી કોઇ પગલા ભર્યા નથી કે નથી ગુન્હો દાખલ કર્યો ! જેના કારણે ખૂદ પોલીસ બેડામાં અસંતોષ ફેલાયો છે.

પોલીસે અત્યાર સુધી શોર્ટ પી.એમ. રિપોર્ટ કેમ માગ્યો નથી ? 
આ કેસમાં સૌથી ગંભીર બેદરકારી તો એ છે કે, તબીબની બેદરકારીથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે. છતાં પોતાના જ કર્મચારીની મૃત્યુની ઘટનામાં તપાસનીશ સિટી બી પોલીસ પોસ્ટમોર્ટમ માટે અગત્યનું એવું શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો જ નથી. જેનાથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થાય છે. આ બાબત  જ પોલીસ તપાસ સામે આંગળી ચિંધવા પૂરતી છે. એટલું નહીં પોલીસબેડામાં પણ આ મામલે રોષ ફેલાયો છે.

માતા વિહોણું બન્યું બાળક
કોમલબેને દિકરાને જન્મ આપ્યો છે, જે પછી તેમની તબિયત લથડતા પુત્રનું મોઢુ જોઇ શકી ન હતી અને પોતાના બાળકનું મોઢું જોયા પૂર્વે જ મૃત્યુ પામી હતી. આજે 10 દિવસના થયેલા પુત્રને જોઇને પરિવારજનોની આંખો સુકાતી નથી.

હું ભાંગી પડ્યો છું: રોહિત
કોમલબેનના પતિ રોહિતભાઇનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હું ભાંગી પડ્યો છું, હાલ મારી માનસિક સ્થિતિ સારી નથી. હું મારી પત્નીના રૂમ સામે જોવ છું તો પણ ચકકર આવે છે, હું તમારો સંપર્ક કરીશ કહીને ફોન કાપી નાખ્યો હતો.

કોન્સ્ટેબલની દારૂણ પરિસ્થિતિ
વુમન લોકરક્ષક એટલે કોન્સ્ટેબલ કોમલબેનની આર્થિક પરિસ્થિતિ અત્યંત કંગાળ છે. તેમના પતિ રોહિતભાઇ કારખાનામાં મજૂરી કામ કરે છે. જયારે બે વર્ષ પહેલા કોમલબેન પોલીસમાં ભર્તી થતાં તેમને ઉજ્વળ ભવિષ્યની આશા જાગી હતી. પરંતુ એક રૂમ રસોડાના પતરાવાળા મકાનમાં રહેતા કોમલબેનનું ભવિષ્ય ઘડાય તે પૂર્વે જ તેણીનું તબીબની બેદરકારીથી મૃત્યું થયુ છે.