ખાનગી શાળાઓનાં વળતા પાણી, હાલારમાં આ વર્ષે 2679 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાલીઓનો સરકારી શાળાના શિક્ષણકાર્ય પર વિશ્વાસ વધ્યો

જામનગર: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ખાનગી શાળા છોડી 2679 બાળકોએ સરકારી શાળામાં ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો છે. સરકારી શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો અને શિક્ષણકાર્ય પર વાલીઓનો વિશ્વાસ વધતા ખાનગી શાળામાંથી બાળકોને ઉઠાડી સરકારી શાળામાં મુક્યા છે. દેવભૂમિ દ્વારકામાં ધો. 1થી 8માં સરકારી શાળામાં 1514 તેમજ જામનગર જિલ્લામાં 1165 બાળકો ખાનગી શાળામાં અભ્યાસ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

વિવિધ પ્રકારના કાર્યક્રમોથી સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધર્યું
આધુનિક અને ટેકનોલોજીના યુગમાં માતા-પિતા હકિકત કરતા દેખાવડી દુનિયા તરફ આગળ વધી રહ્યાં છે.બાળપણથી જ બાળક પાછળ લાખો રૂપિયા ખર્ચી ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા પાછળ પ્રેરાય છે.પરંતુ નરી વાસ્તવિક્તા એ છે કે,ખાનગી શાળામાં બાળકને ખરી કેળવણી થતી નથી, બાળકને ભણતરની સાથે ગણતર એટલું જ મહત્વનું ભાગ ભજવે છે.પરંતુ વર્તમાનમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો શરૂ કરી સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. સરકારી શાળામાં ગુટલીબાજ શિક્ષકી અને ભૂતિયા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી કરવામાં આવી છે. જેથી સમયસર શાળામાં શિક્ષકો શિક્ષણકાર્ય પણ શરૂ કરી દે છે.

વાલીઓ ભાર વગરના ભણતરને આવકારી રહ્યાં છે
સરકારના શિક્ષણ પાછળના અથાગ પ્રયત્નો અને ભાર વગરનું ભણતરને વાલીઓ આવકારી રહ્યાં હોય તેમ ચાલું વર્ષે નવા સત્રના પ્રથમ સપ્તાહે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી શાળા છોડી 1514 જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.તો જામનગર જિલ્લામાં પણ 1165 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળમાં આવ્યા છે. નોંધનીય છે કે,સરકાર દ્વારા ધો.2માં નિદાન કસોટી કરીને જ બાળકોને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જે બાળક આગળના ધોરણ માટે લાયક ન હોય તેવા બાળકોને તમામ પ્રકારે તૈયાર કરીને જ આગળના ધોરણમાં અભ્યાસમાં મુકવામાં આવે છે.પહેલાની જેમ સરકારી શાળામાં બાળકને એક ધોરણમાંથી બીજા ધોરણમાં ધકેલી દેવામાં આવતું નથી.પરિણામે વાલીઓનો સરકારી શાળા પરનો વિશ્વસા દ્રઢ બન્યો છે.

ખાનગીમાંથી સરકારી શાળામાં (વિદ્યાર્થી)પ્રવેશની માહિતી

  • સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પાછળના કારણો
  • ખાનગી શાળામાં બાળકની મૌલીક શક્તિનો વિકાસ ન થવો
  • ખાનગી શાળામાં વધુ પડતો ખોટો દેખાવ અને ખર્ચ
  • સરકારી શાળા પર વાલીઓનો વિશ્વાસ વધ્યો
  • સરકારીમાં યોગ્ય લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકો
  • સરકારી શાળામાં શિક્ષણ અને સુવિધામાં ઉતરોતર વધારો