તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ડેમ 138 મીટરે પહોંચી ગુજરાતને પાણીદાર બનાવશે : રૂપાણી

અમદાવાદ: બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે બે આંકડાઓની ચર્ચા પુરા દેશમાં છે. એક તો કાશ્મીરમાંથી નાબૂદ કરેલી 370ની કલમ અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની 138 મીટરની ઐતિહાસિક સપાટીની. 70 વર્ષ સુધી પાણી માટે ગુજરાતે અનહદ સંઘર્ષ કર્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન  નર્મદા નદી આજે ઐતિહાસિક સપાટીએ છે, થોડા દિવસોમાં 138 મીટરની સપાટી પર પહોંચી સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવશે. 
સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના લગભગ 115 જેટલા ડેમ નર્મદાના નીરથી છલકાવવામા આવ્યા છે. જેના થકી સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાઇ છે. તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, પહેલા કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોને બે બેડા પાણી માટે વલખા મારવા પડતા હતા. પરંતુ આજે રાજ્ય સરકારની પાણીદાર યોજનાઓના પરિણામે પાણી ગામે-ગામ પહોંચ્યું છે. તાજેતરમાં જ નર્મદાના પાણી થકી કચ્છ જિલ્લાના ટપ્પર ડેમને ઓવરફ્લો કરવામાં આવ્યો છે. આમ નર્મદાનું પાણી 600 કિલોમીટર દૂર કચ્છ જેવા સૂકા પ્રદેશોમાં પહોંચાડી રાજ્ય સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. આ જ રીતે આપણા શેત્રુજી અને ભાદર ડેમોને છલોછલ ભરી દેવામાં આવશે. આવા ભગીરથ કાર્ય થકી સમગ્ર પંથકનો ખેડૂત વધુ મજબૂત બન્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે જો સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી નિયમિત મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે.
ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સૌથી વધુ ટપક સિંચાઇ પદ્ધતિનો લાભ લઇ ઉગામેડી ગામના ખેડૂતોએ પ્રગતિશીલ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ છે  વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે સૌની યોજના અંતર્ગત લિંક ૨ અને લિંક 4નો સૌથી વધુ લાભ બોટાદ જિલ્લાને મળ્યો છે. જિલ્લાના કાનીયાડ ડેમ અને  કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના નિરના આગમનથી પાણીની કોઈ સમસ્યા નહી રહે તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ઉગામેડી ખાતે 66 કેવી સબસ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આમ જો પાણી અને વીજળીનો નિયમિત પુરવઠો ખેડૂત મિત્રોને મળશે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થશે. મંત્રીએ આ તકે ગ્રામજનોની એકતા, શ્રમદાન અને અથાગ પરિશ્રમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. 
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેટલાક સમય પૂર્વે વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા ઉગામેડી ગામને મોડલ જળ સંચય ગામ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ગામના સિમાડામાંથી નિકળતી સોનલ નદીને 4 કિ.મી.ના એરિયામાં ફેરવવામાં આવી અને 30 ફુટ ઉંડી ઉતારવામાં આવી. પુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ દેશની નદીઓને જોડવાની કલ્પના વ્યક્ત કરી અને આ કલ્પના મુજબનું મોડલ ‘કેરી’ અને ‘સોનલ’ નદીનું જોડાણ કરીને ઉગામેડી ગામની ધરતી પર 1.25 કરોડ લીટર પાણી સ્ટોરેઝ શક્તિ ઊભી કરવામાં આવી છે. જેથી ઉગામેડી તથા આજુબાજુના તમામ ગામના પાણીના સ્તર ઉંચા આવ્યા છે અને કાયમી પાણીની સમસ્યાનો ખુબજ મોટો પ્રશ્ન ઉકેલાયો છે.