સોનગઢ / રત્ન કલાકારની જૂની અદાવતમાં કરપીણ હત્યા, પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો

  • અજાણ્યા શખ્સોએ ધારીયા અને તલવારના ઘા મારી કરપીણ હત્યા કરી

Divyabhaskar.com

Jul 12, 2019, 03:52 PM IST

ભાવનગર: સિહોર તાલુકાના સોનગઢ ગામે રહેતા અને સિહોરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર ગઇકાલે ગુરૂવારે કામ પરથી મોટર સાયકલ પર ઘરે જતા હતા. આ વખતે સિહોર-સોનગઢ રોડ પર આવેલા પાણીના પરબ પાસે કોઇ અજાણ્યા શખ્સોએ ધારીયા અને તલવાર વડે હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો અને પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ વધી છે.

કામને છૂટી રત્ન કલાકાર ઘરે જઇ રહ્યો હતો

સોનગઢમાં નવાપરા વિસ્તારમાં રહેતા અને સિહોરમાં દાદાની વાવ પાસે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર રામજીભાઇ છનાભાઇ કંટારીયા(ઉ.વ.25) ગુરૂવારે કામેથી છૂટી પોતાની મોટર સાયકલ નંબર જી.જે.04.બી.ડી.9048 પર પોતાના ઘરે સોનગઢ જતા હતા. તે વખતે પાણીના પરબ નજીક પાછળથી આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ધારીયા અને તલવારના ઘા મારી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની સિહોર પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ.માટે ખસેડી હત્યા અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં કોળી યુવાનની હત્યાનું કારણ જૂની અદાવત કારણભૂત હોવાનું પોલીસમાં જાણવા મળેલ છે.

(નારણ બારૈયા, ભાવનગર)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી