ભાવનગર: સોમવારે મોડી રાત્રે બરવાળાથી બેલા તરફ એક રીક્ષા જઇ રહી હતી ત્યારે બોટાદથી બરવાળા આવી રહેલી પોલીસની પી.સી.આર વાન સાથે રીક્ષા ધડાકાભેર અથડાતા ફંગોળાઇ હતી. આથી રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે એકને બોટાદ અને બેને ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત ત્રણ મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા
આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગત મુજબ બરવાળા-બોટાદ હાઇવે પર સમઢીયાળા નજીક ગત મોડી રાત્રે બોટાદ પોલીસની પી.સી.આર. વાન અને રીક્ષા સામસામી ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરતાં વિનોદભાઇ હેમુભાઇ સાદરીયા, મહમદભાઇ અમહમદ શાહ અને મેંજીભાઇ ફલજીભાઇ વાઘેલાનાં કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજા થતાં 108 ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તોની ચીચીયારીથી રોડ ગુંજી ઉઠ્યો
અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરાની ટક્કર લાગતા રીક્ષા રોડની સાઇડમાં માટીનાં ઢગલા ઉપર ફંગોળાઇ જતાં તેનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત બાદ મુસાફરોની ચીચીયારીઓથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. આ અંગે બરવાળા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(નારણ બારૈયા, ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.