ગુજરાત / ઘોઘા-દહેજ રો રો ફેરીમાં જંગી ખોટ, જહાજ વેચવા કઢાયું

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ડ્રેજિંગની અનિશ્ચિતતા વચ્ચે બીજા જહાજ ‘વોયેજ સિમ્ફની’નું ભાવિ પણ ધૂંધળું
  • ઘોઘા-દહેજ વચ્ચે વર્ષ 2018માં રો-પેક્સ શિપ ‘વોયેજ સિમ્ફની’ શરૂ કરવામાં આવ્યું હતું
  • ડ્રેજિંગ પ્રત્યે જીએમબી દ્વારા સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી હતી

Divyabhaskar.com

Dec 04, 2019, 01:11 AM IST
ભાવનગર: ખંભાતના અખાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2017માં લોકાર્પિત કરવામાં આવેલી અને ઘોઘાથી દહેજની જે પેસેન્જરશિપમાં મુસાફરી ખેડી હતી તે ‘આઇલેન્ડ જેડ’ ડ્રેજિંગમાં ભારે નુકસાની થતાં તેના માલિકોએ વેચવા કાઢ્યું છે. આ ઉપરાંત જો પરિસ્થિતિ નહીં સુધરે તો રો-પેક્સ શિપ ‘વોયેજ સિમ્ફની’ પણ વેચીને આ પ્રોજેક્ટને તાળાં મારવા પડશે તેવી ચેતવણી પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરે ઉચ્ચારી છે.
લોનના હપતા ભરી શકાય તેટલી પણ આવક થઇ રહી નથી
ઇન્ડિગો સી-વેઝના ચેરમેન ચેતન કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે, અમે લોકોએ બેંક લોન પર બે શિપ લીધા હતાં. છેલ્લાં એક વર્ષથી ઘરમાંથી નાણાં કાઢીએ છીએ, ક્યાં સુધી સહન કરી શકાય લોનના હપતા ભરી શકાય તેટલી પણ આવક થઇ રહી નથી. આથી પેસેન્જર શિપ ‘આઇલેન્ડ જેડ’ વેચવા કાઢ્યું છે. ઘોઘા-દહેજ વચ્ચે વર્ષ 2018માં રો-પેક્સ શિપ ‘વોયેજ સિમ્ફની’ શરૂ કરવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટ નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને 180 દિવસમાં ડ્રેજિંગ કરી આપીશું તેવી હૈયાધારણા જીએમબીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ રો-પેક્સ સેવા શરૂ કરાયાના 1 વર્ષ બાદ પણ 5 મીટરનો ડ્રાફ્ટ મળી શક્યો નથી અને તેના કારણે જહાજને ચલાવવું અશક્ય બન્યું હતું.
મહત્ત્વના પ્રોજેક્ટની હાલત કફોડી બની
22મી ઓક્ટોબર, 2017ના રોજ ઘોઘા ખાતે ઘોઘા-દહેજ પેસેન્જર ફેરી સર્વિસના શિપ ‘આઇલેન્ડ જેડ’ને શરૂ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને દક્ષિણ એશિયામાં સૌથી મોટા પ્રોજેકટ તરીકે ગણાવ્યો હતો. બાદમાં આ શિપમાં તેઓએ ઘોઘાથી દહેજની જળ મુસાફરી પણ ખેડી હતી, પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને નધણિયાત હાલતમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ડ્રેજિંગ પ્રત્યે જીએમબી દ્વારા સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી હતી. આમ રાજ્ય સરકાર માટે આ મહત્ત્વનો પ્રોજેક્ટ હોવા છતાં જીએમબી દ્વારા તેની અવગણના કરવામાં આવતા રો રો ફેરી સર્વિસની હાલત કફોડી બની ગઈ છે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી