ઇટિયામાં દીપડાએ ફળિયામાં સુતી બાળકીનો શિકાર કર્યો, જંગલમાં જઈ અનેક અંગો ખાધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 11 વર્ષીય શોભના ઘરના ફળિયામાં પરિવાર સાથે રાત્રે સુતી હતી
  • એકાએક આવેલા દિપડાએ બાળકીને મોંમા લઈ જંગલ ભાગ્યો
  • બાળકીની મરણિયાત ચિંસો વચ્ચે પણ પિતા દીકરીને ન બચાવી શક્યા  

ભાવનગર: પાલિતાણા અને જેસરનાં જંગલમાં રહેઠાણ બનાવનાર દીપડાઓ અનેકવાર રહેણાંકીય વિસ્તારમાં આવી ચડે છે. તેવામાં ગઈ કાલે મધરાતે પણ આવી જ એક ઘટના જેસરનાં ઇટીયા ગામે બની છે. જેમાં પોતાનાં પરિવાર સાથે ઘરનાં ફરિયામાં સુતેલી બાળકીને દીપડાએ અડધો કીમી દુર ઉપાડી જઇ મૃત્યું નિપજાવી શરીરનાં કેટલાક અંગો ખાઇ ગયો હતો. 

ઇટીયા ગામે કાચા મકાનમાં શ્રમીક પરિવાર નિંદ્રામાં હતો ત્યારે દીપડાએ ઘરમાં ઘુસી એક બાળાને પોતાનું નિશાન બનાવી હતી. ભોગ બનનાર બાળકીની મરણચીસો સાંભળી તેનાં પિતા તથા અન્ય પરિવારજનો જાગી ગયા હતા અને દીપડા પાછળ દોડા હતા પરંતુ ઘરની પાસે જ ગોરડનું ગીચ જંગલ હોય જેમાં દીપડો અદ્રશ્ય થઇ ગયો હતો.

ભાવનગર વન વિભાગનાં એસીએફ રાઠોડએ આ ઘટનાને સમર્થન આપ્યું છે. સત્તાવાર મળતી માહિતી મુજબ જેસર બીટનાં ઇટીયા ગામનાં પ્લોટ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત રાત્રિનાં ભોગ બનનાર બાળકી શોભનાબેન અશોકભાઇ પરમાર (ઉ.વ.૧૧) પોતાનાં પરિવારજનો સાથે ઘરનાં ફળિયામાં સુતી હતી. ત્યારે રાત્રે દીપડાએ ઘરનાં  ફળિયામાં ઘુસી ચુપકીદીથી ૧૧ વર્ષીય બાળકી શોભનાને મોંમાં જાલી ભાગ્યો હતો.

બાળકીની મરણચીસો સાંભળી પરિવારજનો બેબાકળા થઇ જાગી ગયા હતા અને દીપડાનો પીછો કર્યો હતો. ત્યારે પાડોશીઓને જાણ થતાં તેઓ પણ એકઠા થઇ ગયા હતાં. પરંતુ દીપડો અડધો કીમી દુર આવેલી ગોરસની ગાઢ ઝાડીમાં બાળકીને લઇને અદ્રશ્ય થઇ ગયો હતો. બાદમાં બાળાનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. ઘટના સંદર્ભે દોડી આવેલા વન વિભાગનાં સ્ટાફે બાળકીનાં મૃતદેહને શોધી પીએમ અર્થે રવાનાં કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...