ટિકિટના દરમાં ગોટાળા ધ્યાને આવતા રો-ફેરી બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડકમાર્ગનું ભારણ ઓછું કરનાર ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ વધુ એક વખત ઠપ્પ થઇ ગઇ છે. ગત બુધવારથી શિપના કોઇ તકનીકી કારણોસર નહીં, પરંતુ ટિકિટ બૂકિંગના મુખ્ય એજન્ટ દ્વારા સોફ્ટવેરમાં ગોટાળા કરી અને ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણા ખંખેરવામાં આવી રહ્યા હોવાની બાબત પ્રકાશમાં આવતા કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ઓપરેટર દ્વારા 8 એપ્રિલથી રો-પેક્સ ફેરી સર્વિસ પુન: કાર્યાન્વિત કરાવવાનું આશ્વાસન
ફેરી ઓપરેટર ડી.જી.સી કનેક્ટના ચેતનભાઇ કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે પેસેન્જરોની સુવિધા માટે ભાવનગરમાં તન્ના ટ્રાવેલ્સને બૂકિંગ માટે મેઇન એજન્સી આપવામાં આવી હતી અને તેઓએ થોડા પેટા એજન્ટોની નિમણૂંક કરી હતી. કોમ્પ્યુટર સોફ્ટરવેરમાં ફેરફાર કરી અમારી જેવી ટિકિટ છપાવી અમારા નિયત દરથી વધુ નાણા તેઓ પેસેન્જરો પાસેથી વસુલી રહ્યા હતા અને તે સમગ્ર બાબત પ્રકાશમાં આવતા અમે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યુ છે. 
ફેરી સર્વિસ બંધ કરી અને રૂટિન મેનટેનન્સનું કામ પણ કરાવી લીધુ
દરમિયાન અમારા હિત શત્રુઓએ ફેરી સર્વિસ બંધ થઇ ગઇ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને ડાયરેક્ટ બૂકિંગ માંડ 2થી 4 ટકા આવી રહ્યું હતુ, તેથી હંગામી ધોરણે ફેરી સર્વિસ બંધ કરી અને રૂટિન મેનટેનન્સનું કામ પણ કરાવી લીધુ છે. 8મી એપ્રિલથી ફેરી સેવા પુન: કાર્યાન્વિત કરવામાં આવશે. ફેરી ઓપરેટરો દ્વારા ભાવનગર, સુરત, રાજુલા, અમરેલીમાં નવા એજન્ટો નીમવા માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે, અને ટુંક સમયમાં ગ્રાહકોને માન્ય એજન્ટો, ટિકિટના દર સહિતની તમામ બાબતો અંગે અખબારી માધ્યમથી માહિતગાર કરાશે.
ગામડાઓમાં જવા માટે બસ સેવા પણ શરૂ કરાઈ હતી
રાજુલા, મહુવા, તળાજા, ગારિયાધાર, અમરેલી, પાલિતાણા,  ભાવનગરથી સુરત વાયા ફેરી સર્વિસ જવા-આવવા માટે બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો. પરંતુ ટિકિટમાં કરાઇ રહેલા દર અંગેના ચેડાને કારણે સેવા થોડા સમય માટે સ્થગિત કરવાની ઓપરેટરોને ફરજ પડી છે અને આ દરમિયાન જહાજનું સર્વિસિંગ, ઓઇલિંગ અને રૂટિન મરામત કામ પણ આટોપી લેવામાં આવ્યુ છે.
કેસ કરવા કાનૂની અભિપ્રાય લેવાઇ રહ્યો છે
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસના ટિકિટ બૂકિંગ માજ્ઞે તન્ના ટ્રાવેલ્સને મેઇન એજન્સી આપવામાં આવી હતી અને તેઓએ સબ એજન્ટોની નીમણૂંક કરી હતી. સોફ્ટવેર બનાવી અને ફેરીના નિયત દરથી વધુ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા હતા. તેઓની સામે કેસ દાખલ કરવા માટે કાનૂની અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે. નવા એજન્ટો નીમવાની પ્રક્રિયા ગતિમાં છે. - ચેતનભાઇ કોન્ટ્રાક્ટર, ચેરમેન, ડી.જી.સી કનેક્ટ (ફેરી સર્વિસ ઓપરેટર)

અન્ય સમાચારો પણ છે...