તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં હતાશા-બેરોજગારીને કારણે ઠેર ઠેર કિસાન આંદોલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: મહુવા-તળાજા ગ્રામ્ય પંથકમાં મુખ્યત્વે ડુંગળીનુ અને કપાસનું ઉત્પાદન થઇ રહ્યુ છે. ફળદ્રુપ જમીન બચાવવા માટે ખેડૂતો ‘જાન દેંગે પર જમીન નહિ દેંગે’ના નારા સાથે કંપનીઓ સામે જંગે ચડયા છે. ખેડૂતોની લાગણી સમજી શકાય તેવી છે. પરંતુ તેઓની લાગણી સમજી શકે કે તેમની લાગણી અને પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક નેતાઓ મધ્યસ્થી બને તો ખેડૂતોના પ્રશ્નોનુ નિરાકરણ આવે. પરંતુ  ખેડૂતોના દુ:ખમાં સહભાગી બને અથવા તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શક્યા હોય તેવા કોઇ નેતાઓ નથી. ખેડૂતો હતાશા અને બેકારીના કારણે આંદોલનના માર્ગે વળે છે.

દાઠા તાબેના તલ્લી, નીચાકોટડા, બાંભોર ગામની સીમમાં અલટ્રાટેક સિમેન્ટ કંપનીનું માઈનિંગ કામ શરૂ હતુ તે જગ્યાએ કંપનીએ ઓન પેમેન્ટ માગેલ પોલીસ બંદોબસ્ત હતો. તે વખતે માઈનિંગ કામનો વિરોધ કરવા તલ્લી, નીચાકોટડા,બાંભોર સહિતના ગામોના 1500 જેટલા ખેડૂતો ઘસી આવેલ અને "જાન દેંગે પર જમીન નહીં'ના સૂત્રોચાર કર્યા હતા.

મહુવાના રાણીવાડા ગામે સરકારી જમીન ઉપર વીન્ડ ફામ બનાવવા મંત્રાહ એનર્જી લી.કે અન્ય કંપની દ્વારા ઔધોગિક હેતુ માટે જમીન ફાળવવા સામે ઉગ્ર વિરોધ થયો હતો. રાણીવાડા ગામની આસપાસ મોટી સંખ્યામા રાષ્ટ્રીય પક્ષી મોર અને અન્ય પક્ષીઓ પવનચકીના પાંખડા સાથે ભટકાય તેમજ પવનચકીથી અવાજના પ્રદૂષણથી નુકશાન થાય છે.

મહુવા તાલુકાના કતપર બંદર લાઇટ હાઉસ વિસ્તારમાં કે.પી.એનર્જી કંપની દ્વારા પવનચક્કીનું કામ હાથ ધરાતા આ વિસ્તારના લોકોએ ભારે વિરોધ વ્યકત કર્યો છે. અને આ મામલે છેલ્લા છ મહિનાથી આંદોલન શરૂ છે. તાજેતરમા કંપની દ્વારા કામ શરૂ કરાતા ગ્રામજનોએ તેનો વિરોધ કરી કામ બંધ કરાવવા પ્રયત્નો કર્યા હતા.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે લિગ્નાઇટ પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદનની કાર્યવાહી સામે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. બેડી ગામ નજીક પાવર પ્લાન્ટ સ્થાપવા નિર્ણય લેવાયો હતો. તે હેઠળ 1993-94માં બેડી અને આજુબાજુના ગામોની મળીને 1355 હેકટર જેટલી જમીન સંપાદીત કરવામા આવી હતી.

ઘોઘા તાલુકાના છાયા ગામે હાલ બ્લેક ટ્રેપ પથ્થરની ખાણના માઈનિંગ માટે ટેન્ડર બહાર પડાયા છે. તેનો ગામમા સરપંચ તથા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. આ અંગે ભાલ પંથક હિતરક્ષક સમિતિએ માઈનિંગ કામથી થોડે દુર 500થી 800 મીટરના અંતરે આવેલા ગામ છે અને ત્યા રહેણાંકી મકાનો અને તેમા લોકો વસવાટ કરી રહ્યાં છે.

‘આ વિસ્તારોનાં ઉધોગો વિકાસ માટે અગાઉથી ખરીદાયેલી જમીન ઉપર માઈનિંગ થઇ રહ્યું છે. કેટલીક જમીન બીન ઉપજાવ છે. આ કાંઠાળ વિસ્તારનાં પર્યાવરણને જાળવીને ઉધોગોનો વિકાસ થાય તો આવકારદાયક છે. જો કે ખેડૂતો અને પોલીસો વચ્ચે થયેલ ઘર્ષણ ગેરવ્યાજબી છે. જેમાં ન્યાયિક કાર્યવાહી થવી જોઇએ’- વિક્રમસિંહ વજુભા, ખેડૂત અગ્રણી,માંડવા, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ

‘જળ,જમીન,પર્યાવરણ માટે ભારે નુકશાન કરતાં મોટાપાયે માઈનિંગનો શાંત માર્ગે વિરોધ કરતા ખેડૂતો સામે થયેલા પોલીસ દમનથી ખેડૂતોને દબાવવાનાં પગલાને યોગ્ય ઠેરવી ન શકાય. ન્યાયિક તપાસ કરી પગલા લેવા જોઇએ’- દિગ્વિજયસીંહ ગોહિલ, ખેડૂત અગ્રણી,ત્રાપજ, તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ 

‘અગાઉ વર્ષો પહેલા અન્ય સિમેંટ કંપનીઓએ વેચાતી રાખેલી 1200 વિઘા જેટલી જમીન અલ્ટ્રાટેક કંપનીએ ખરીદેલી છે. આ જમીનો ઉપર ખેડૂતોનો કબ્જો છે. તેની ઉપર તેનું રહેઠાણ છે. અને 7/12 માં ખેડૂતોના નામો બોલે છે’- અશોકભારથી ગોસ્વામી, ખેડૂત તથા સરપંચ, કળસાર ગ્રામ પંચાયત

‘ખેડૂતો ગેરમાર્ગે દોરાયા છે. બંજર જમીનમાં ઉધોગો થતા હોય તો વાંધો ન લેવાય કારણકે આપણું યુવાધન રોજગારી માટે સ્થળાંતર કરી રહ્યું છે. તેમજ ખેતી થાય તેવી જમીન ઉપર ખેડૂત ખેતી કરી શકે તે માટે સિંચાઈ સહિતની સુવિધાઓ આપવી જરૂરી છે’- બાબુભાઇ જોળીયા, ખેડૂત-ડાયરેકટર, મહુવા APMC

અન્ય સમાચારો પણ છે...