ખાંભા: ખાંભા તાલુકાના જૂનીકાતર ગામે વડીલોનો સામાન બીમાર અને દરિદ્રતાનું કારણ બનતા ઘરના સભ્યો તેને અવાવરૂ જગ્યાએ મુકી આવ્યા હતા. બાદમાં કોઇએ ખાંભા પોલીસને શંકાસ્પદ ચીજવસ્તુ પડી હોવાની બાતમી આપતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન આ સામાન પાછળ એવું ખુલ્યું કે, ઘરમાં આ સામાન રહેતા ઘરના સભ્યો બીમાર રહેતા હતા. આવા વહેમને કારણે સામાન અવાવરૂ જગ્યાએ મુકી આવ્યા હતા.
ગોરાણા ગામે ધમાણિયા નદીના પુલ નીચે સામાન મુકી આવ્યા હતા
ખાંભા પોલીસને ગતરાત્રે એક ફોન દ્વારા જાણકારી મળી હતી કે ગોરણા ગામે ધમાણિયા નદીના પુલ નીચે શંકાસ્પદ ચીજવસ્તુ પડી છે. આથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવતા સ્થળ ઉપર એક લાકડાનો પટારો, અનાજ ભરવાનું બેરલ, ગોડદા, વાસણ, વગેરે સામાન પડ્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લાગવવામાં આવ્યું હતું. બાદમાં તપાસ હાથ ધરતા વાસણ ઉપર દલડીના મુકેશભાઈ નામના વ્યક્તિનો સામાન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આ સામાન જૂની કાતર ગામના નંદુબેન સોડાભાઈ મકવાણા જે તેમના ફઈને ભેટમાં આપી દીધો હતો. બાદમાં ખાંભા પોલીસ જૂની કાતર સોડાભાઈ મકવાણાના ઘરે ગયા અને પૂછપરછ કરવામાં આવતા તેના પુત્ર કમલેશભાઈ મકવાણાએ પોલીસ જણાવ્યું હતું કે આ સમાન મારા માતા નંદુબેન ખાંભા તાલુકાના દલડીથી આવેલ છે.
પરિવારે અમારે આ વસ્તુ નથી જોઇતી તેવું પોલીસને જણાવ્યું
6 મહિના પહેલા મારા મામાના દીકરા મુકેશભાઈ દ્વારા મારી માતા નંદુબેનને ભેટમાં એક લાકડાનો આડો પટારો ગોડદા ભરવા માટે, અનાજ ભરવા એક બેરલ, ગોડદા, તપેલા, વગેરે વાસણનો સામાન આપ્યો હતો. જ્યારે આ સામાન ઘરમાં આવતા જ ઘરના સભ્યો બીમાર રહેવા લાગ્યા હતા અને આ બાબતે અમોને વહેમ પડતા આ સામાન એક રીક્ષામાં ભરી ગોરણા ગામે આવેલી ધમાણિયા નદીના પુલ નીચે મૂકી આવ્યા હતા. બાદમાં ખાંભા પોલીસ દ્વારા આ પરિવારના કમલેશભાઈ મકવાણાનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તેઓને આ કોઈ પણ ચીજવસ્તુ નથી જોઈતી તેવું ખાંભા પોલીસને જણાવ્યું હતું..
(રિપોર્ટ અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.