અમરેલી / રખડતા ઢોર પકડાવી દીધાના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે ધીંગાણું: કાકા-ભત્રીજાની ક્રૂર હત્યા

પહેલી તસવીર ગોવિંદભાઇ અને બીજી તસવીર કિરણભાઇની ફાઇલ તસવીર (બંને મૃતક)

  • કાકાનું અમરેલી હોસ્પિટલમાં મોત, ભત્રીજાનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું
  • મૃતક બંને પશુપાલનનો વ્યવસાય ધરાવતા હતા, ભરવાડ સમાજમાં શોકની લાગણી
  • સોશિયલ મીડિયામાં ગાળો ભાંડતા બોલાવાઇ હતી બેઠક, ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી
  • અમરેલીમાં રવિવારની રાત્રે 13 શખ્સનું ટોળું છરી, પાઇપ, લાકડી જેવા હથિયારથી તૂટી પડ્યું

Divyabhaskar.com

Nov 12, 2019, 01:44 AM IST

અમરેલી: અમરેલીમાં રવિવારની મોડીરાત્રે કુંકાવાવ રોડના નાકે મચ્છુમાની વાડી પાસે ગોવિંદ રામભાઇ ત્રાડ (મકવાણા) (ઉ.વ. 35) તથા તેમના ભત્રિજા કરશન નનુભાઇ ત્રાડ (ઉ.વ. 20)ની 13 શખ્સોના ટોળાએ ઘાતકી હત્યા કરી નાખી હતી. અમરેલી નગરપાલીકા તથા જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા ગત સપ્તાહે રસ્તે રઝળતા ઢોર સામે ઝુંબેશ ચલાવી હતી. જેમાં ગોવિંદભાઇ અને કરશનભાઇ વિગેરેએ તંત્રને સહકાર આપ્યો હતો. જેથી પાંચા ભીખુ રાતડીયા વિગેરેને તેમની સાથે મનદુ:ખ થયુ હતું.
આથી ગઇકાલે ભરવાડ સમાજના માલ-ઢોર રખડતા નહી મુકવા અને સમાજના લોકો આ અંગે જાગૃતિ લાવે અને રખડતા માલ-ઢોરને પાંજરાપોળમાં મુકવા સહકાર આપે તેવા ઉદેશથી જીવાપરામાં મચ્છુમાની વાડીએ મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં બન્ને પક્ષના લોકો ભેગા થયા હતાં અને બોલાચાલી થતા સુરા વાઘા રાતડીયા, રામકુ વાઘા, કરશન વાઘા સહિત 13 શખ્સોના ટોળાએ છરી, પાઇપ, લાકડી જેવા હથીયારથી હુમલો કરી દીધો હતો. ગોવિંદભાઇને છાતીમાં છરીનો ઘા ઝીંકાતા ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે કરશનભાઇને પણ પડખામાં છરી મરાતા ગંભીર ઇજા થવાથી રાજકોટ દવાખાને સારવારમાં તેમનું મોત થયુ હતું. આ ઉપરાંત ભાવેશ વશરામભાઇ ત્રાડ સહિત અન્ય ત્રણ વ્યક્તિને પણ ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે હાજા વાઘાને પણ ઇજા થઈ હતી.

15 જેટલા શખ્સોએ ઢીકાપાટુ અને છરીથી હુમલો કર્યો

અમરેલીના જીવાપરામાં સોમનાથ મંદિર પાસે રહેતાં કિરણભાઇ ઉર્ફે કરસનભાઇ નનુભાઇ મકવાણા પર રાત્રીના સાડા નવેક વાગ્યે તેના ઘર પાસે હતો ત્યારે ગામના જ રામકુ રાતડીયા, ગુલા ભરવાડ, સગરામ ભરવાડ, ગોપાલ ભરવાડ તથા બીજા અજાણ્યા 15 શખ્સોના ટોળાએ અચાનક આવી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી છરી ઝીંકી દેતાં છાતીમાં જમણી બાજુએ ગંભીર ઇજા થઇ હતી. આ વખતે કિરણભાઇને બચાવવા તેના કૌટુંબીક કાકા ગોવિંદભાઇ રામભાઇ મકવાણા દોડી આવતાં તેને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. અચાનક હુમલાને પગલે દેકારો મચી જતાં મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કાકા-ભત્રીજાને લોહીલુહાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ કાકા ગોવિંદભાઇએ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજા કિરણભાઇને મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં તેણે પણ દમ તોડી દેતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.

કિરણભાઇના મોતથી બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

હત્યાનો ભોગ બનેલો કિરણભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો. તેના બહેનનું નામ ગીતાબેન અને નાના ભાઇનું નામ અમરૂભાઇ છે. માતાનું નામ બાઘુબેન તથા પિતાનું નામ નનુભાઇ નારણભાઇ મકવાણા છે. નનુભાઇ હાઇસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. કિરણભાઇના લગ્ન થઇ ગયા હતાં. તેના પત્નીનું નામ સંગીતાબેન છે. સંતાનમાં બે પુત્ર રોમિલ (ઉ.3) અને ભવ્ય (ઉ.2) છે. જે બંનેએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. કિરણભાઇ પશુપાલન-દૂધનો ધંધો કરતો હતો. જ્યારે હત્યાનો ભોગ બનેલા કિરણભાઇના કૌટુંબીક કાકા ગોપાલભાઇ માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે, જેમાં એક 8 વર્ષનો અને બીજો 10 વર્ષનો છે.
7 શખ્સ સામે વળતી ફરિયાદ
હાજાભાઇ વાઘાભાઇ રાતડીયાએ સુરા કાળા મકવાણા, રમેશ સુરા મકવાણા, અમરૂ નનકુ સહિત સાત શખ્સો સામે આ જ મુદે પોતાના પર પાઇપ વડે હુમલો કરી માથામાં એક ઘા મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે.
લાશ સ્વીકારવાનો ઇનકાર
બેવડી હત્યાને પગલે તેના કુટુંબી અને જ્ઞાતિજનો સીવીલ હોસ્પિટલે એકઠા થયા હતાં અને જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. પાંચ આરોપી ઝડપાયા બાદ તેમણે લાશ સ્વીકારી અંતિમવિધી કરી હતી.
આઠ આરોપી ઝડપાઇ ગયા
પોલીસે બેવડી હત્યામાં સંડોવાયેલા સુરા વાઘા, રામકુ વાઘા, કરશન વાઘા, જાગા ભગુ, ધર્મેન્દ્ર જાગા, હાજા વાઘા રાતડીયા તેમજ સામા પક્ષે સુરા કાળા મકવાણા અને આંકડીયા ગામના મેપા રામ જોગસવાની પોલીસે ધરપકડ કરી હતી.

(જયદેવ વરૂ, અમરેલી)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી