લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

અદનો માણસ શાંતિથી જીવવા માગે છે

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

વિકસિત સભ્ય સમાજ અને લોકશાહી દરેક નાગરિકને સમાન હક્ક આપે છે. આપણા દેશના બંધારણ પ્રમાણે દરેકને સામાજિક, આર્થિક, ધાર્મિક ભેદભાવ વિના જીવવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. એ સ્વતંત્રતા છિનવવાનો કોઈને હક્ક નથી. મૂળભૂત અધિકારોની સાથે દરેક નાગરિકે કેટલીક ફરજોનું પાલન કરવાનું હોય છે. રાજધર્મ અને નાગરિકધર્મ મજબૂત લોકશાહી અને તંદુરસ્ત સમાજના બે પાયા છે. ફરજનું પાલન કર્યા વિના માત્ર અધિકારોની જ બુમરાણ મચાવતા લોકો સાચા નાગરિક નથી. એ જ રીતે લોકોના અધિકારની ખેવના કરે નહીં તેવા નેતાઓ સાચા દેશસેવક નથી.
અઢાર વર્ષની ઉંમરથી મળતો મતાધિકાર લોકોને એમની પસંદગીની સરકાર ચૂંટવાનો હક્ક આપે છે. ચૂંટણી મહાસંગ્રામ કહેવાય છે. એમાં મળતી હાર-જીત સામાન્ય માણસ નક્કી કરે છે. યુદ્ધના કેટલાક નિયમોની જેમ ચૂંટણી લડવાના પણ નિયમો છે. દરેક ઉમેદવારે એનું પાલન કરવું ફરજિયાત છે. પક્ષના નેતાઓની ચતુરાઈથી એ નિયમોનું પાલન થતું ન હોય તો એની સામે પગલાં લઈ શકે એવી બંધારણીય સંસ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીપ્રક્રિયા દરમિયાન કશી ગેરરીતિ ન થાય તે જોવાની જવાબદારી નિષ્પક્ષ ચૂંટણીપંચની છે. એ નબળું પુરવાર થાય તો લોકશાહીના પાયા ડગમગે. નિષ્પક્ષતા સામાન્ય માણસને પણ દેખાવી જોઈએ. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ચૂંટણીપ્રક્રિયા બહુ મોટો પડકાર છે. આઝાદી પછીનાં વર્ષોમાં દરેક ચૂંટણીસંગ્રામને સફળતાપૂર્વક સંપન્ન કરીને આપણો દેશ તંદુરસ્ત લોકશાહી બની ચૂક્યો છે. એ માટે ચૂંટણીપંચ, ચૂંટણીપ્રક્રિયા સાથે જોડાયેલા અનેક કર્મચારીઓ અને પોલીસ ફોર્સ, રાજકીય પક્ષો અને દેશનો સામાન્ય માણસ સહભાગી છે.
ચૂંટણીના સમયે સામાન્ય માણસ કેન્દ્રમાં આવે છે. આવનારાં પાંચ વર્ષ માટે દેશનું સુકાન કોને સોંપવું તે નક્કી કરવાની ચાવી સામાન્ય માણસના હાથમાં છે. આ સામાન્ય માણસો જ કઠિન પરિશ્રમ કરે છે, ટેક્સ ભરે છે અને દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે તે વાત ભુલાવી જોઈએ નહીં. હવે મતદારોને ભોળા અને અબુધ માનવાનું કોઈ પણ રાજકીય પક્ષને પાલવે તેમ નથી. લોકશાહી મજબૂત થવાની સાથે લોકમાનસ વધારે મજબૂત થયું છે અથવા એમ કહી શકાય કે લોકમાનસ વધારે મજબૂત થવાથી લોકશાહી મજબૂત થઈ શકી છે.
લોકો કશુંય ભૂલતા નથી. એમને અબજો રૂપિયાનાં કૌભાંડ અને દિવસો સુધી બેન્કોની લાઇનમાં ઊભા રહેવાનો થાક અને માનસિક ત્રાસ યાદ છે. એમણે આંધળો વિશ્વાસ મૂકવાનું બંધ કર્યું છે. વ્યક્તિપૂજાના થોડા અંશો બાકી હશે, પરંતુ આંધળી ભક્તિનું પ્રમાણ ઘટ્યું છે. કોઈ પણ રાજકીય પક્ષ એક જ વ્યક્તિની પ્રતિભાના જોરે રાજ્ય ચલાવવા હક્કદાર બની જાય એવી માન્યતામાં પણ જોખમ રહેલું છે. દેશપ્રેમ આપણી પ્રજાના લોહીમાં છે. લોકશાહીમાં વિચારશીલ, નિષ્ણાત અને હાથના ચોખ્ખા નેતાઓની અપેક્ષા રહે છે. આપણો દેશ ‘હું’નો બનેલો નથી, ‘આપણે’ની ભાવના એના મૂળમાં છે. પરિવારવાદ વિશે ધ્યાનથી વિચારવાનો સમય પાકી ગયો છે. ગઠબંધનનાં કજોડાં મજબૂત સરકાર આપી શકે નહીં. સામાન્ય માણસ આ બધું જાણે છે.
સમય બદલાય, નેતાઓની વિચારધારા અને કાર્યપદ્ધતિ બદલાય, પરંતુ લોકશાહી દેશનાં મૂળભૂત મૂલ્યો કદી બદલી શકાય નહીં. સામાન્ય માણસ મૂળભૂત મૂલ્યોના દૃઢીકરણની આશા રાખે છે, ધોવાણની નહીં. આ વખતે લોકસભાની ચૂંટણી અખાડામાં ચાલતી મલ્લકુસ્તી જેવી લાગે છે. એથી સામાન્ય માણસને રમૂજની સાથે દુ:ખ પણ થાય છે.
ચૂંટણીનાં પરિણામ આવશે પછી થોડા મહિનાથી ઊઠેલી આંધી જમીન પર બેસવા લાગશે. કદાચ વાતાવરણ સાફ થશે અથવા ડહોળાયેલું રહેશે. જૂના મુદ્દાઓની જગ્યાએ નવા મુદ્દાઓની ચર્ચા શરૂ થશે. દેશનો અદનો માણસ ફરી જીવનની ભુલભુલામણીમાં ખોવાઈ જશે. એને શાંતિથી અને પ્રાથમિક સગવડ વચ્ચે જીવવું છે. એની એટલી અપેક્ષા સંતોષાય એ પણ એના મતની સાર્થકતા.⬛ vinesh_antani@hotmaill.com

x
રદ કરો

કલમ

TOP