ભાગ્યના ભેદ / કુંડળીના સુયોગ ક્યારેક વિયોગ પણ બની શકે

article by pankaj nagar

ગુરુ અને ચંદ્રની યુતિ સર્જાવાથી ગજકેસરી યોગ સર્જાતો નથી, ચંદ્ર-ગુરુ કુંડળીમાં સારા શુભ સ્થાનના અધિપતિ બની શુભ યુતિ સર્જતા હોય ત્યારે જ સાચો ગજકેસરી યોગ ગણાય

Divyabhaskar.com

Jun 06, 2019, 06:12 PM IST

ગ્રહો મનુષ્યના જીવન પર ચોક્કસપણે અસર કરે છે એ બાબત નિર્વિવાદ છે. ચંદ્ર મનુષ્યના મનની સ્થિતિ પર અસર કરે છે તે બાબતનો વૈજ્ઞાનિક રીતે સ્વીકાર થયેલો છે. ‘ચંદ્રમા મનસો’ એ વેદ વાક્યમાં માનસિક પ્રક્રિયા પર ચંદ્રના આધિપત્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યોતિષની દૃષ્ટિએ પણ ચંદ્રની શુભાશુભ અને બળાબળ સ્થિતિને આધારે માનવીના મનના ભેદ અને ઊંડાણ જાણી શકાય છે. ચંદ્ર શુભ ગ્રહના સંપર્કમાં હોય કે યુતિ દૃષ્ટિમાં હોય ત્યારે મન પ્રસન્નતા અનુભવે છે. જ્યારે ચંદ્ર દૂષિત હોય તો માનવી અપમાન, નિરાશા અને અશાંતિનો અનુભવ કરે છે.
માનવજીવનની સાહસિકતા, નીડરતા પર મંગળનો કાબૂ છે. મંગળ જો ઘાટડિયે કે પાઘડિયે હોય કે મેષ-વૃશ્ચિક રાશિનો હોય અગર કુંડળીમાં 3, 6, 10 કે 11મા સ્થાનમાં હોય (ઉપચય સ્થાન) તો તેવા માનવીના જીવનમાં સાહસનો તરવરાટ હોય છે. આવા માનવી સમાજમાં સેનાપતિ જેવા હોય છે. નેતૃત્વ લે છે અને નિભાવે છે.
નીડરતા સાહસનો વિકલ્પ એટલે જ મંગળપ્રધાન માનવી. નિર્બળ મંગળવાળી વ્યક્તિઓ નિર્માલ્ય, ડરપોક અને આત્મવિશ્વાસ વિહોણી હોય છે. આમ, ચંદ્ર અને મંગળ વ્યક્તિનાં મન અને કાર્યશક્તિ સાથે સંકળાયેલા ગ્રહો છે.
આ બે ગ્રહો કુંડળીમાં કાર્યદક્ષ (એક્ટિવ) હોય. શુભ હોય. બળવાન હોય તો માનવીના જીવનમાં નવચેતના, સંચાર, શક્તિ અને ઉત્સાહ લાવે છે.
આપણાં શાસ્ત્રના મત પ્રમાણે ચંદ્રની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઇ છે જ્યારે મંગળ ભૂમિપુત્ર છે. બળવાન મંગળ સાહસિકતા, ભૂમિલાભ, બંધુપ્રેમ, વિજય, સન્માન અને લોકપ્રિયતા આપે છે. ચંદ્ર જળતત્ત્વ સાથે સંકળાયેલો છે. માતાનો કારક ગ્રહ છે. લક્ષ્મીની ઉત્પત્તિ પણ ચંદ્રની માફક સમુદ્રમાં જ થઇ છે. ટૂંકમાં, ચંદ્ર અને લક્ષ્મી એક માતાનાં સંતાન છે. બંનેનું એક જ ઉદ્્ગમસ્થાન હોય બળવાન ચંદ્રવાળા જાતક લક્ષ્મીની કૃપા પણ મેળવે છે. ચંદ્રનું મંગળ પર આધિપત્ય હોય અર્થાત્ ચંદ્ર મંગળ કરતાં અંશમાં વધુ હોય તો જાતક પૈસાની દૃષ્ટિએ સુખી બને છે, પણ જો ચંદ્ર કરતાં મંગળના અંશ વધુ હોય તો તેવો જાતક દુ:ખી અને અપકીર્તિવાળો બને છે.
ટૂંકમાં, કુંડળીમાં ચંદ્ર અને મંગળની યુતિ જોઇ એમ સમજવાની જરૂર નથી કે તે મનુષ્ય ધનવાન હોઇ જ શકે. કુંડળીમાં લક્ષ્મીયોગ છે કે નહીં તે અને ઉપરોક્ત જણાવેલ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરશો તો ફળકથન સાથે ન્યાય કરી શકશો ને ચંદ્ર-મંગળની યુતિ જોઇ લક્ષ્મી મેળવવાનાં ફાંફાં મારતા હશો તો તે દુ:સ્વપ્નમાંથી બહાર આવી શકશો.
આપણે ઉપર નિરીક્ષણ કર્યું તે પ્રમાણે ચંદ્ર-મંગળની યુતિ દરેક કિસ્સાઓમાં લક્ષ્મીયોગ નથી. ઉપરાંત કુંડળીમાં જ્યારે જ્યારે ચંદ્ર-મંગળનું મિલન સર્જાય ત્યારે અમારાં અવલોકન નીચે પ્રમાણે છે.
1. કુંડળીમાં ચંદ્ર માતા તરીકે પણ ઓળખાય છે. જ્યારે મંગળ એટલે ક્રૂરતા, વાઢકાપ, શત્રુતા વગેરેનો કારક છે. આમ, ચંદ્ર-મંગળની યુતિ જાતકને માતા પ્રત્યે ક્રૂર પણ બનાવે છે. એમાંય જો ચંદ્ર-મંગળની યુતિ ચોથા સ્થાને હોય કે આ યુતિમાં એકાદ પાપગ્રહ હોય તો આવા જાતકો તરફથી માતાને તકલીફો અવશ્ય આવે છે. વૃશ્ચિક રાશિ કે મકર રાશિમાં આ પ્રમાણે ચંદ્ર-મંગળની યુતિ હોય તો આવા કિસ્સાઓમાં ચંદ્ર નિર્બળ બનતો હોઇ માતાએ વધુ શોષાવું પડે છે.
2. ચંદ્ર-મંગળની યુતિ એટલે ઓપરેશન યોગ, ચંદ્ર એટલે પ્રવાહી અને મંગળ એટલે હિમોગ્લોબીન ઉપરાંત મંગળ એટલે અસ્ત્ર-શસ્ત્ર પણ ગણાય. પ્રવાહી અને હિમોગ્લોબીનનું સંયોજન એટલે લોહીનું સ્વરૂપ બને. આ લોહીને શરીરમાંથી બહાર કાઢવા માટે મંગળ નામનું શસ્ત્ર કામ કરે છે. ચંદ્ર-મંગળની યુતિ હોય અને તેના પર રાહુ-શનિ જેવા ગ્રહોની દૃષ્ટિ હોય ત્યારે જીવનમાં એકાદ વખત ઓપરેશન કે ઇજાના યોગ અવશ્ય ઊભા થાય છે.
3. ચંદ્ર-મંગળની યુતિ જો આપણે લક્ષ્મી યોગ તરીકે ઓળખતા હોઇએ તો ઘરમાં લક્ષ્મીનું આગમન કંઇ પાછું થોડું ધકેલાય? અર્થાત્ લક્ષ્મી એટલે સ્ત્રી-સ્વરૂપ. આપ જે લોકોની કુંડળીમાં ચંદ્ર-મંગળની યુતિ હોય તે લોકોને અર્થાત્ તેવા જાતકોને સંતાનોમાં પુત્ર કરતાં પુત્રીઓ વધુ હોઇ શકે છે.
4. ચંદ્ર એટલે પ્રવાહી અને મંગળ એટલે ભૂમિ (જમીન). જ્યારે કુંડળીમાં ચંદ્ર-મંગળની યુતિ સર્જાય ત્યારે એવા જાતકોનો ભાગ્યોદય દરિયા કે નદીકિનારે આવેલાં શહેરોમાં થતો હોય છે.
5. ચંદ્ર એટલે મન અને મંગળ એટલે વ્યગ્રતા. ગુસ્સો ને ઉશ્કેરાટ. ચંદ્ર-મંગળની યુતિ જાતકને ગુસ્સા કે આવેગયુક્ત બનાવે છે. આવા જાતકો જલદીથી મગજ ગુમાવે એવા પણ હોઇ શકે છે.
ક્યારેક ચંદ્ર-મંગળની યુતિ જોઇ જ્યોતિષીઓ કહેતા હોય છે કે તમારે ગજકેસરી યોગ છે. ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ. અર્થાત્ હાથી જેવા વિશાળ, ધીરજવાન, શાંત અને સિંહ જેવા બહાદુર. વિશાળ દિલ ધરાવનાર. આવી વ્યક્તિને આપણે ગજકેસરી યોગમાં વિચારશું. અમારું મંતવ્ય એવું છે કે ગુરુ અને ચંદ્રની યુતિ સર્જાવાથી ગજકેસરી યોગ સર્જાઇ જતો નથી, કારણ કે કેટલીક કુંડળીમાં આવી યુતિ હોવા છતાં વ્યક્તિ નથી હોતી હાથી જેવી કે નથી હોતી સિંહ જેવી. ત્યારે આવા યોગને ગજકેસરી યોગની જગ્યાએ ગર્દભ-છછૂંદર યોગ કહેવામાં વાંધો નથી. અમારે ફક્ત આપને એટલું જ કહેવું છે કે ફક્ત ગુરુ-ચંદ્રની યુતિ જોઇ એવા નિષ્કર્ષ પર આવવાની જરૂર નથી કે તે ગજકેસરી યોગ છે. ધારો કે મકર રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ થતી હોય ત્યારે મકર રાશિમાં ગુરુ નીચત્વ પ્રાપ્ત કરે છે. જ્યારે ચંદ્ર અસ્તનો બને છે. પરિણામે ગજકેસરી યોગને બળ મળતું નથી. મકર લગ્નમાં જ ઉપરોક્ત યુતિ સર્જાય ત્યારે ગુરુ મકર લગ્નમાં વ્યયેશ અને તૃતિએશ બને છે. જ્યારે ચંદ્ર સાતમા સ્થાનનો અધિપતિ એટલે કે મારકેશ બને છે. આવા સમયે ગજકેસરી યોગનું ફળ મળતું નથી.
કુંભ લગ્નમાં ચંદ્ર ષષ્ઠેશ અને ગુરુ લાભેશ તેમજ બીજા સ્થાનનો (મારકેશ) બનતો હોઇ ગજકેસરી યોગનું ધાર્યું પરિણામ મળતું નથી. ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ચંદ્ર-ગુરુ કુંડળીમાં સારા શુભ સ્થાનના અધિપતિ બની શુભ યુતિ સર્જતા હોય ત્યારે જ સાચો ગજકેસરી યોગ ગણાય છે.
[email protected]

X
article by pankaj nagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી