રાગ બિન્દાસ / ખાલીપીલી ખબરઅંતર કેમ છો? કેમ નહીં? શું ચાલે છે?

Why do you want to know? Why not? What's going on?

સંજય છેલ

Apr 28, 2019, 03:45 PM IST

ટાઇટલ્સ
કોઈ સાથે હાથ મિલાવ્યા બાદ આંગળીઓ ગણવા માટે વેઢાનો ઉપયોગ ન કરવો. (છેલવાણી)
ગોસ્વામી તુલસીદાસજી 500 વરસ અગાઉ ઓલરેડી કહી ગયા છે: ‘તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ, સબસે હિલ મિલ બોલિએ નદી-નાવ સંજોગ’ પણ આ સાલા સંજોગોને જીવનમાં કેવી રીતે હેન્ડલ કરવા એના કોઈ કોચિંગ ક્લાસીસ અવેલેબલ નથી. અચાનક મિત્રો કે પરિચિતો જ્યારે ક્યાંક ભટકાઈ જાય છે ત્યારે ફોર્મલ-ઇન્ફોર્મલ વાતો કઈ રીતે કરવી એ એક મહાકસોટી છે. સી.એ ફાઇનલની કે આઇઆઇટી એન્ટ્રન્સ એક્ઝામ જેટલી જ આ પણ એક ટફ પરીક્ષા છે. એમાંયે ઘણા લોકો તો હાલતાચાલતા પરીક્ષાપત્રો જેવા હોય છે. જેવા સામે મળે કે તરત પૂછવા માંડે, ‘હેલો, હાઉ આર યુ? ઓલ વેલ? સૌ મજામાં છે? તું મજામાં છે? ફેમિલી મજામાં છે?’ ત્યારે આપણને થાય કે આ પાંચ સવાલમાંથી કોઈ પણ ત્રણના જવાબ ફરજિયાત આપવાના કે બધા કમ્પલ્સરી છે?
ગુજરાતીમાં સરસ શબ્દ છે: ‘ખબરઅંતર’. એમાં ખબર પણ છે અને અંતર પણ. એમાં ખબર પૂછવાની વાત તો છે, પણ જરા અંતર રાખીને કે પછી બે જણા વચ્ચેનું અંતર દૂર કરીને? ઘણીવાર આપણે સામેના માણસના ‘મજામાં છો?’વાળા સવાલ સાંભળીને આપણે સિરિયસલી વિચારવા માંડીએ છીએ કે, ‘સાલું, શું હું ખરેખર મજામાં છું? શું ખરેખર લાઇફમાં બધું બરાબર છે?’ પણ જોકે પૂછનાર માણસને આપણા જવાબ સાંભળવાની જરા કરતાં જરાયે પડી પણ નથી હોતી. એ માણસ તો માત્ર એટલું જ કન્ફર્મ કરવા માગતો હતો કે, ‘તું જીવે છે? આપણાંમાંથી કોઈ ઉકલી તો ગયું નથી ને? ગુડ! ચાલો ત્યારે બધા મરી જશે ત્યારે એ વિશે વાત કરીશું!’
હવે કદાચ આવનારો સમય એવો પણ આવશે કે જ્યારે આપણને ખબરઅંતર પૂછશે ત્યારે આપણે મોબાઇલ ફોન પર અગાઉથી રેકોર્ડ કરેલ જવાબ જ સંભળાવી દેશું: ‘હું મજામાં છું. ઘરે સૌ મજામાં છે. બીજું કાંઈ?’ અને સામેવાળો એના ફોન પર સંભળાવશે. ‘સરસ. આવજો.’
ઇન્ટરવલ :
તંદુરસ્તી કા ગિલા ક્યોં હૈ, શિકાયત ક્યા હૈ?
મેરી બીમાર, બતા તો, તેરી હાલત ક્યા હૈ? (અખ્તર શિરાની)
આપણને ફોર્મલ સવાલોના ફોર્મલ જવાબોનો કંટાળો આવે છે, પણ સામેની વ્યક્તિ કેમ છે? કેમ નહીં? સવાલને ગંભીરતાથી લઈ બેસે તો? આપણે કોઈકને અમસ્તું જ પૂછીએ કે, ‘તમે મજામાં છો?’ તો એના જવાબમાં ધારો કે જો એ પોતાની દુ:ખભરી કથા વિસ્તારથી કહે કે, ‘એક્ચ્યુઅલી મજામાં નથી. એવું છે ને મને આંતરડાંમાં વાઇરસને કારણે પેટમાં બળતરા થવાથી આંખે અંધારાં આવે છે તો...’ તો ત્યારે આપણને પણ એને સામે કહેવાનું મન થઈ શકે કે, ‘મજામાં તો હું પણ નથી, પણ અત્યારે મોડું થાય છે નહીં તો હું પણ કહેત કે મને ફ્લૂ થયેલો ત્યારે સતત ત્રણ દિવસ તાવને કારણે આંચકી આવતી અને હાથમાં દહીં હોય તો ધ્રૂજી ધ્રૂજીને લસ્સી બની જતી. બાય, ટેક કેર!’
સાવ એવું નથી કે આપણને ‘હેલો, હાઉ આર યુ?’ કહેનારની પડી નથી હોતી. લાગણી હોય છે, પણ સૂઝ નથી પડતી કે શું કહેવું? અણધાર્યા સવાલોના એટેક, એકે-47 જેવા હોય છે. સમજાતું નથી કે એક્ઝેક્ટલી જવાબ શું આપીએ? વળી, તમે કોઈને પૂછો તો ઊલટા ફસાઈ શકો છો. જેમ કે, ‘હાય, શું ચાલે છે?
‘નોકરી હતી, પણ છૂટી ગઈ છ મહિનાથી.’
‘ઓહ!’ કહીને તમે ચૂપ થઈ જાવ છો. એની સદ્્ગત નોકરી પર બે મિનિટ મૌન પરાણે પાળવું પડે છે, કારણ કે કોઈ જવાબ નથી. પછી ફરી હિંમત કરીને નવેસરથી શરૂ કરો છો, ‘ચલો, બાકી બધું તો ઠીક છેને? ફેમિલી મજામાં છેને?
‘ના રે ના, ઘરના બધા હોસ્પિટલમાં છે. જવા દોને અમારે તો...’ પછી તમે સમજી જાવ છો કે કમ સે કમ અડધો કલાક નહીં છુટાય. કારણ? કારણ એટલું જ કે તમે, ‘હાય, કેમ છે?ે’ પૂછ્યું!
ઘણા લોકો આવતાં-જતાં હાલચાલ એ રીતે પૂછતા હોય છે કે જેમ ટ્રેનમાં ફેરિયાઓ ‘સીંગ-ચણા... સીંગ-ચણા’ બોલીને પસાર થઈ જાય છે. એમના ‘હાઉ આર યુ?’માં માત્ર સાઉન્ડ હોય છે, પણ સંવેદના નહીં અને બીજી બાજુ ઘણા લોકો આંખોમાં આંખો પરોવીને પૂછે, ‘એય !તું’ કેમ છે? મજામાંને?’ ફરક એટલો જ કે દિલથી પૂછનાર ‘તું કેમ છે?માં ‘તું’ પર વિશેષ ભાર આપે છે. એને મન આ અખિલ બ્રહ્માંડમાં બીજા બધા તેલ લેવા જાય, પણ એને માત્ર ‘તું’માં, ‘તમારા’માં રસ છે અને એ ‘મજામાં છેને?માં એ જે રીતે ‘ને’ ઉમેરે છે, એ ‘ને’માં એને ખરેખર ચિંતા છે કે તું ખરેખર મજામાં છેને? હોટેલના વોશબેસીનમાં લટકાવેલ નેપ્કિનને લૂછી નાખવા જેમ પૂછવાની રૂટિન વાત નથી એમાં. જ્યારે બીજા બધા ફોર્મલ લોકો, ‘તું કેમ છે?માં ‘કેમ’ પર ભાર આપતા હોય છે. એને નવાઈ છે કે હજી તું મજામાં ‘કેમ’ એટલે કે ‘કઈ રીતે’ રહી શકે છે?
ખરેખર તો આપણને કોઈ કારણ વિના, કુશળમંગલ પૂછે એ પણ આનંદની વાત છે. જો કોઈ પૂછવાનું બંધ કરશે ત્યારે દુનિયા કેટલી એકલી અટૂલી લાગશે!
એંડ ટાઇટલ્સ:
ઈવ: તું કેમ છે? આદમ: થાય છે કેમ છું?

[email protected]

X
Why do you want to know? Why not? What's going on?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી