Back કથા સરિતા
ભાવના સોમૈયા

ભાવના સોમૈયા

સિનેમા (પ્રકરણ - 34)
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

ટાઈગરે જેકી શ્રોફની જેમ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે

  • પ્રકાશન તારીખ10 May 2019
  •  

જોઈને લાગતું નથી કે તમારી ફિલ્મ રિલિઝ થઈ રહી હોય?
મારા મન અને મગજમાં શું ચાલી રહ્યું છે તેનો તમને અંદાજો નથી. ગઈ આખી રાત હું સૂતો નથી. મારા પેટમાં પતંગિયા નહીં પણ હાથી દોડી રહ્યા છે. એક ફિલ્મ બનાવવી એ બહુ તણાવદાયક અનુભવ છે. એટલે ફિલ્મ સાથે જે લોકો સંકળાયેલા છે તેઓને દાદ આપવી જોઈએ.
આ સાંભળીને થોડું અજુગતુ લાગે કારણ કે તમે છેલ્લા નવ વર્ષથી ફિલ્મો બનાવી રહ્યા છો.
એટલે જ તો કહી રહ્યો છું. જ્યારે પહેલી ફિલ્મ બનાવીએ ત્યારે વિચારતા હોઈએ કે ફિલ્મ હીટ જશે અને પછીનો માર્ગ સરળ થઈ જશે. પરંતુ તેને બદલે રસ્તો વિકટ થતો જતો હોય છે. ‘આઈ હેટ લવ સ્ટોરી’ અને ‘લવ કા ધી એન્ડ’ જેવી રોમેન્ટિક ફિલ્મો બનાવ્યા બાદ મેં પ્રયોગ કરવાનું નક્કી કર્યું. અને મેં ‘વૈસી વાલી ખુશી’ અને ‘ગોરી તેરે પ્યાર મેં’ જેવી ફિલ્મો બનાવી. પણ તેમાં મને નિષ્ફળતા મળી. મને લાગ્યું કે હવે કામ તમામ થઈ ગયું. ત્યાં વળી કરણ જોહરે મને આ ફિલ્મ બનાવવાની તક આપી.
‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જેવી સફળ ફિલ્મની સિક્વલ બનાવતી વખતે મોટી જવાબદારી આવી પડી હોય તેવું લાગ્યું?
ચોક્કસ. તેમાં પણ એ ફિલ્મ પાછી આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે ડિરેક્ટ કરી હોય ત્યારે તો ખાસ! કરણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ દ્વારા ત્રણ નવોદિતોનું નસીબ ચમકાવી દીધું હતું. હવે બધાની નજર મારા પર છે કે આ ફિલ્મ દ્વારા જે બે નવોદિત હિરોઈનો અનન્યા પાંડે અને તારા સુતરીયા આવી રહી છે તેમનું શું થાય છે!
ટાઈગર શ્રોફ જેવો સક્સેસફુલ સ્ટાર ફિલ્મમાં હીરો છે એટલે તેનો લાભ મળશે?
આ એક વધારાની જવાબદારી છે મારા પક્ષે કે એક સફળ સ્ટારને મારી ફિલ્મ ફળવી જોઈએ. ટાઈગરની કારકિર્દી ટૂંકી છે પણ તેમાં તેણે માત્ર સફળ ફિલ્મો જ આપી છે. જેમાંથી મોટાભાગની એક્શનપેક ફિલ્મો હતી. આ વખતે તે અલગ જોનરની ફિલ્મ કરી રહ્યો છે. એટલે તેને અલગ ઈમેજ પ્રસ્થાપિત થશે તેવી આશા છે.
ફિલ્મમાં સ્ટાર કિડ કામ કરી રહ્યા છે ત્યારે તેમના માતાપિતાનો ચંચુપાત રહે છે?
જેકી શ્રોફ અને આયેશા શ્રોફ ક્યારેય દખલ કરતા નથી. ઈવન ચંકી પાંડે અને ભાવનાને પણ એવી કોઈ ટેવ નથી. તેમની દિકરી અનન્યાએ અન્ય કલાકારોની જેમ જ ઓડિશન આપ્યું હતું અને તેણે જે અભિનય કર્યો તેને આધારે તેની પસંદગી કરવામાં આવી છે.
નવોદિતો સાથે કામ પાર પાડવું અઘરું છે?
ના. તેઓ પણ મારા જેટલી જ આકરી મહેનત કરી રહ્યા છે. કેટલાક સીન ટફ હતા પણ અમે સાથે મળીને સફળતાપૂર્વક કામ પાર પાડ્યું.
તમારી ફિલ્મના વિદ્યાર્થીઓ જેટલા ગ્લેમરસ દેખાય છે અને જે પ્રકારની કોલેજ દર્શાવી છે તે વાસ્તવિકતાથી દૂર હોય તેવું નથી લાગતું?
આ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ છે અેટલે પ્રોડક્શન વેલ્યુ ઉંચી જ હોવાની! ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં પણ સેટ અને કોશ્ચ્યૂમ ભવ્ય જ હતા ને! મારી ફિલ્મના વિદ્યાર્થીઓ ગ્લેમરસ લાગે છે કારણ કે અમારા પ્રોડ્યુસર ફેશનના મામલે સજાગ છે. આ તો રમૂજ હતી પણ ગંભીરતાથી કહુ તો તમે કહ્યું એપ્રકારના પ્રતિભાવો અમને મળી જ રહ્યા છે. જો કે તેનું એક કારણ એ પણ છે કે અમે હજુ બીજા ગીતો રિલીઝ કર્યા નથી. જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે ખ્યાલ આ‌વશે કે તેમાં એક ગજબ વળાંક છે.
ટાઈગર શ્રોફ વિશેની કોઈ અજાણી બાબત ખરી?
એક એક્ટર તરીકે ટાઈગર કેટલો મહેનતુ અને સમર્પિત છે તે કહેવાની જરૂર નથી. પણ એક વ્યક્તિ તરીકે કેવો છે તે કહું તો એ ખરા અર્થમાં જગ્ગુદાદાનો દિકરો છે. કારણ કે જેકી શ્રોફની જેમ તેણે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ વિશે શું લાગે છે?
મને લાગે છે કે ફિલ્મ ચોક્કસ સફળ થશે. કારણ કે કરણ જોહર જેવા નિર્માતા કામ પર નજર રાખી રહ્યા હોય અને જ્યારે દિગ્દર્શક તરીકે હું થોથવાઈ જાઉં તેમ લાગે ત્યારે તેઓ ઉભા હોય પછી શું વાંધો આવ્યો હોય! ફિલ્મ તો ચાલશે જ!
[email protected]

x
રદ કરો

કલમ

TOP