સાયબર સફર / સતોડિયાની જાહોજલાલી, સ્માર્ટફોને ખૂંચવી

Sawodiya's glamor, the smartphones are over

હિમાંશુ કીકાણી

May 08, 2019, 04:44 PM IST

આપણી દુનિયા કેવા બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગઈ છે! એક તરફ એક આખી પેઢી એવી છે, જે સ્માર્ટફોનનો ખપપૂરતો ઉપયોગ તો કરી લે છે, પણ અંદરખાને અફસોસ કરે છે કે પોતે આ જાદુઈ જિનનો પૂરો ઉપયોગ જાણતા નથી. તો બીજી બાજુ, એવી પણ એક પેઢી છે જે સ્માર્ટફોનનો ખરેખર રમતની જેમ ઉપયોગ કરે છે અને એમને એવો કોઈ અફસોસ પણ નથી કે તેઓ ભાઇબંધો સાથે ગિલ્લીદંડા, લખોટી કે સતોડિયું રમવાની કેવી જાહોજલાલી ગુમાવી બેઠા છે! નવી પેઢીને આવો અફસોસ ન હોય એ સમજી શકાય એમ છે, કેમ કે સ્કૂલ ચાલુ હોય ત્યારે તેમનો બધો સમય સ્કૂલ-ટ્યુશન, ટીવી અને સ્માર્ટફોનમાં જાય છે અને વેકેશનમાં બધો સમય માત્ર ટીવી અને સ્માર્ટફોનમાં જાય છે! હવે બધી રમત સ્ક્રીન ટાઇમની છે!
આ જ સ્ક્રીન ટાઇમ હવે મોટા વિવાદનું પણ કારણ બન્યો છે. થયું છે એવું કે હમણાં ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે એક ચોંકાવનારા હેડિંગ સાથે રિપોર્ટ પ્રકાશિત કર્યો કે, ‘એપલે આઇફોનના એડિક્શન સામે લડવામાં મદદ કરતી એપ્સ પર ધોંસ બોલાવી’. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ન્યૂ યોર્ક ટાઇમ્સ અને સેન્સર ટાવર નામની એક કંપનીએ કરેલા એનાલિસિસ મુજબ, પાછલા એક વર્ષમાં, એપલે તેના એપ સ્ટોરમાંથી સૌથી વધુ ડાઉનલોડ થયેલી અને સ્ક્રીન ટાઇમ (એટલે કે એપલના ઉપયોગ) પર અંકુશ મૂકતી તથા બાળકોના ઉપયોગ પર અંકુશ મૂકતી (પેરેન્ટલ કંટ્રોલ) 17 જેટલી એપ્સમાંથી 11 એપને કાં એપસ્ટોરમાંથી હટાવી દીધી છે અથવા તેના પર અંકુશો મૂક્યા છે.
અખબારના એનાલિસિસ અનુસાર, બાળકોના ડિવાઇસના ઉપયોગ પર અંકુશ મૂકતાં અથવા બાળકો અમુક ચોક્કસ એપ્સ કે એડલ્ટ કન્ટેન્ટ ન જોઈ શકે એવી અમુક એપનાં ફીચર્સ એપલે દૂર કરાવ્યાં અથવા આવી સગવડ આપતી આખી એપ્સને જ દૂર કરાવી. આમાંની ઘણી એપ તો પેઇડ હતી અને છતાં તેમને તાળાં લાગી ગયાં. દેખીતું છે કે જેમ બાળકના હાથમાંથી રમકડું છિનવાય ને એ રાડારોળ કરી મૂકે, એમ આ એપ્સની કંપનીએ તેમની એપ્સ છિનવાઈ જતાં કાગારોળ કરી મૂકી કે એપલે પોતે, પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ક્રીન-ટાઇમ અંકુશ કરવાની સગવડ ઉમેરી હોવાથી, તેની હરીફાઈ કરતી અન્ય લોકપ્રિય એપ્સ એપલે બંધ કરી દીધી છે. આમાંની કેટલીક એપ્સના ડેવલપર્સે યુરોપિયન યુનિયનની કોમ્પિટિશન ઓફિસમાં એપલ સામે ફરિયાદ નોંધાવી છે.
આ આખી વાતની એક બાજુ છે. બીજુ બાજુ એપલની છે. એપલના સીઇઓ કહે છે કે, ‘અમે એવું ઇચ્છતા નથી કે લોકો દિવસ-રાત તેમના ફોનમાં જ પરોવાયેલા રહે. એટલે જ કંપનીએ પોતે પણ સ્ક્રીન-ટાઇમ પર અંકુશ મૂકતું ફીચર ઉમેર્યું છે.’ એપલના કહેવા મુજબ, સંખ્યાબંધ પેરેન્ટલ કંટ્રોલ એપ્સ ‘મોબાઇલ ડિવાઇસ મેનેજમેન્ટ’ નામે ઓળખાતી એક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગી છે, જેને કારણે લગભગ આખા ફોન પર થર્ડ પાર્ટી એપનો અંકુશ આવી જાય છે અને યૂઝર લોકેશન, એપનો ઉપયોગ, ઈ-મેઇલ એકાઉન્ટ્સ, કેમેરા પરમિશન્સ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી જેવી સંવેદનશીલ માહિતી એ એપને મળી જાય છે. બિઝનેસીસ માટે આ ટેક્નોલોજી ઉપયોગી છે, કેમ કે તેનાથી તે પોતાના કર્મચારીઓના, કંપનીના ફોન પર અંકુશ રાખી શકે છે, પરંતુ અંગત વપરાશના ફોનમાં આ ટેક્નોલોજી, પેરેન્ટલ કંટ્રોલને બહાને, માહિતી ચોરવાનું સાધન બની જાય છે. એપલના મતે તેણે હરીફો સાથેની સ્પર્ધા જીતવા નહીં, પણ યૂઝર્સની સિક્યોરિટી માટે આ એપ્સ બંધ કરી છે.
આમાંથી સાચું કોણ? પેલી એપ્સ કે પછી એપલ?
આ સવાલ જ બાજુએ મૂકો અને જ્યારે સમય મળે ત્યારે તમારાં બાળકો સાથે એને મજા પડે એવી રમતો રમવાનું શરૂ કરો (તમને પણ મજા આવશે એ બોનસ!). તમારે પેરેન્ટલ કંટ્રોલ એપ્સની જરૂર જ નહીં રહે અને ઉપલો સવાલ તમને ક્યારેય સતાવશે નહીં! ⬛www.cybersafar.com

X
Sawodiya's glamor, the smartphones are over

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી