સાયબર સફર / નવા સમયના રિઝ્યૂમ

New time resumes

હિમાંશુ કીકાણી

May 02, 2019, 02:39 PM IST

રિઝ્યૂમ કે બાયોડેટા એ ભલભલાને ડરાવનારા શબ્દો છે, કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રિઝ્યૂમમાં લખવા જેવું ખાસ કંઈ હોય નહીં અને જો ઠીક ઠીક અનુભવ મેળવી લીધો હોય, તો એ બધું રિઝ્યૂમમાં સારી રીતે જોનાર વાંચીને નહીં, ફક્ત જોઈને પણ પ્રભાવિત થાય એવી રીતે રજૂ કરતા ફાવતું ન હોય!
તમે કોઈ જગ્યાએ નોકરી માટે રિઝ્યૂમ મોકલો તો તેને જોનાર વ્યક્તિ દરેક રિઝ્યૂમ પાછળ ગણતરીની સેકન્ડ ફાળવીને એ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવો કે નહીં એ નક્કી કરી લે છે.
એક-એક નોકરી માટે અસંખ્ય દાવેદારો હોય, ત્યારે આપણો રિઝ્યૂમ એવો કેવી રીતે બનાવવો, જેથી એટલિસ્ટ ઇન્ટરવ્યૂ કોલ તો આવે જ?
રિઝ્યૂમમાં શું હોવું જોઈએ એ તો તમે જાણો, પણ એ કેવો હોઈ શકે એની વાત આપણે જરૂર કરી શકીએ.
થોડાં વર્ષ પહેલાં સુધી માઇક્રોસોફ્ટ વર્ડ જેવા પ્રોગ્રામમાં આપણી પર્સનલ ડિટેઇલ્સ, એડ્રેસ, એજ્યુકેશન અને ક્વોલિફિકેશન્સ બુલેટેડ પોઇન્ટ્સમાં લખી નાખીએ એટલે આપણો બાયોડેટા તૈયાર થઈ જતો, પણ આજના સમયમાં એવી સાદી રીત ચાલે નહીં. અલબત્ત, એ માટે તમારે પોતે ડિઝાઇનર બનવાની કે કોઈ ડિઝાઇનરની મદદ લેવાની જરૂર નથી. સંખ્યાબંધ ઓનલાઇન રિઝ્યૂમ બિલ્ડર સર્વિસીઝ તમારી મદદે આવી શકે છે.
ફક્ત એક ઉદાહરણ જોઈએ, તો કેનવા (www.canva.com) નામની એક વેબસર્વિસ તમને ઉપયોગી થઈ શકે. આમ તો આ કેનવા ગ્રાફિક ડિઝાઇન ટૂલ્સ આપતી વેબસાઇટ છે, જેની મદદથી આપણે પ્રિન્ટ કે વેબ માટેના કોઈ પણ પ્રોજેક્ટ માટે ફટાફટ ડિઝાઇન્સ ક્રિએટ કરી શકીએ છીએ. આ સાઇટ જુદાં જુદાં રેડી ટેમ્પ્લેટ્સ આપે છે અને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ પદ્ધતિથી તેમાં જરૂરી ફેરફાર કરી શકીએ છીએ. હવેની લગભગ બધી સર્વિસની જેમ, અહીં ફ્રી એકાઉન્ટ ખોલાવીને કેટલુંક કામ મફત કરી શકાય, જ્યારે હાઇ રેઝોલ્યુશન ફોટોઝ કે કોમ્પ્લેક્સ ગ્રાફિક્સનો લાભ લેવો હોય તો પેઇડ સર્વિસ લેવી પડે.
પણ તેમાં રિઝ્યૂમ મફતમાં ડેવલપ કરી શકાય છે (https://www.canva.com/en_in/create/resumes/).
આ માટે તમારે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફક્ત ઉપલબ્ધ અઢળક ટેમ્પ્લેટ્સમાંથી કોઈ પસંદ કરીને તમારી વિગતો તેમાં ઉમેરો, કલર્સ, ફોન્ટ્સ, લેઆઉટ્સ વગેરે જરૂરિયાત મુજબ બદલો અને તમારો આઇ-કેચી રિઝ્યૂમ તૈયાર! પછી તમે તેને ઇમેજ સ્વરૂપે શેર કરી શકો અથવા પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો.
આવી કોઈ સર્વિસનો લાભ લેવાનો ખાસ ફાયદો એ છે કે તમને તમારા ફિલ્ડમાં, અન્ય લોકો કેવા રિઝ્યૂમ તૈયાર કરે છે, કયા પ્રકારની સ્કિલ્સ કઈ રીતે દર્શાવે છે એ તમે જોઈ શકશો.
આજના સમયમાં વિવિધ સ્કિલ્સ હોય એ પૂરતું નથી. એ યોગ્ય રીતે, ખાસ તો બીજા કરતાં બહેતર રીતે દર્શાવવી અનિવાર્ય છે. એની શરૂઆત થાય છે ખરેખર સારી રીતે ડિઝાઇન કરેલા રિઝ્યૂમથી.
એક વાત ખાસ નોંધજો – ડિઝાઇનની વાત આવે ત્યારે સ્ટિવ જોબ્સને યાદ કરી લેવા જેવા છે. એ જિનિયસ માણસ કહેતો કે ડિઝાઇન એટલે ફક્ત એ નહીં જે આંખને દેખાય, સારી ડિઝાઇન એ છે જે અનુભવી શકાય, જે સીધી દિલ સુધી પહોંચે. એટલે રિઝ્યૂમ માત્ર કલરફુલ બનાવવાની વાત નથી. નોકરી આપનાર કંપનીએ જાણવા જેવી તમારી તમામ બાબતો, આવડતો એવી રીતે રજૂ કરવાની વાત છે, જેથી એ અર્જુનના તીરની જેમ સીધી નિશાન પર પહોંચે.
એટલે તમે કેન્વા જેવી સર્વિસનો લાભ લો કે ન લો, તેના જેવી સર્વિસમાં તૈયાર થયેલા રિઝ્યૂમનાં ઉદાહરણો સર્ચ કરી લેશો તો પણ ઘણો ફાયદો થશે. ⬛www.cybersafar.com

X
New time resumes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી