Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

માર્ક ઝકરબર્ગ - મહિલા સશક્તિકરણમાં યોગદાન

  • પ્રકાશન તારીખ14 May 2019
  •  

ઝકરભાઈ, તમારા હેપ્પી બર્થડે પર અમારે તમને થેંક-યુ કહેવું છે અને એ સાથે થોડા સૂચનો પણ આપવા છે. અમે એટલે આમ તો વિશ્વની દરેક સ્ત્રી, પણ અહીં જરાક વધુ સ્પષ્ટતાથી કહું તો અમે ગુજરાતી મહિલાઓ. સોશિયલ મીડિયા - ખાસ કરીને ફેસબુક અને અમારા સંબંધ વિશે રમૂજ અને ટુચકા વધુ વાઈરલ થયા છે. જોકે, એ તો આ સમાજની આદત છે. અમને જે મળ્યું છે એની સામે આવા હજારો ટુચકાઓ તો પાણી ભરે. પાંત્રીસ વર્ષના લગ્નજીવનમાં જે સખીઓને માત્ર સપનાંમાં જોઇને રાજી થતી, આજે એમના એન્ટિ-રિન્કલ ક્રીમ લગાડેલા ફોટા જોઇને, એમની સાથે અલક-મલકની વાતો કરીને રાજી થઈએ છીએ. અહીં અમને ઓછામાં ઓછો ઊંચ-નીચનો ભેદ જોવા મળે છે, ઊંચ-નીચ એટલે જાત-પાત નહીં, સફળ-અસફળ, દેખાવડી અને સામાન્ય, વર્કિંગ વુમન અને હોમમેકર, ઓપન માઈન્ડેડ અને જૂનવાણી, ગોરી અને શામળી એવું બધું. અહીં દરેકને અનુકૂળ દોસ્તો-દિલદારો મળી જાય છે. અમારે ત્યાં સામાન્ય રીતે લગ્ન બાદ પતિના મિત્રો જ પત્નીનું વર્તુળ બનતા. તમારે લીધે હવે દરેક સ્ત્રી પોતાના પરિકરથી પોતાનું વર્તુળ રચી શકે છે. સ્ત્રીને બીજા પુરુષ સાથે મિત્રતા હોઈ શકે એ વાતનું અનુમોદન અમને સોશિયલ મીડિયાથી મળ્યું. અમે પણ હવે ડંકાની ચોટ પર કહીએ છીએ કે, ‘એ મારો મિત્ર છે.’
મિત્રતા ઉપરાંત સૌથી મહત્વની વાત છે - ધરબાઈ ગયેલી ઈચ્છા અને ક્ષમતાને બહાર આવવાની તક મળી. અહીં સોશિયલ મીડિયામાં સારું લખતાં આવડે એને ત્યાં તો કાયમ દિવાળી છે જ, પણ રાંધણકળાથી માંડીને ચિત્રકલા, જેનામાં જે આવડત હોય તે અભિવ્યક્ત કરે ત્યારે પૂરતું પ્રોત્સાહન મળી રહે છે. ઈચ્છા અને અભિવ્યક્તિની રોશની થાય છે. અમે વર્ષોથી સાચવી રાખેલી લઘુતાગ્રંથિમાંથી બહાર આવી શક્યાં છીએ. અમને અલગ-અલગ પ્રકારની આઝાદીનો અનુભવ થયો. એમાં સૌથી પહેલી તો અમે અમારી કેદમાંથી મુક્તિ મેળવી છે, અમે શરમ-સંકોચમાંથી બહાર નીકળીને અમારાં જેવાં સુખી અને અમારાં જેવાં જ દુ:ખી લોકોને મળી શક્યાં. અમે સંધ્યા સમય પહેલાં ઘર ભેગાં થવાની લ્હાયવાળાં હવે ઊગતી રાત્રે દેશ-વિદેશની વાતો થકી પણ પહોંચી શકીએ છીએ. અમે શોષણનો વળતો જવાબ ‘મીટુ ચળવળ’ જેવા માધ્યમથી આપી શક્યાં. આ નામ સાથે જોડાયેલ આઈડી ખરા અર્થમાં અમારો ઓલ્ટર ઈગો છે. ‘કંઈ નહીં’ના અંગત અનુભવમાંથી ‘કૈંક વિશેષ’ના જાહેર અનુભવ સુધીની અમારી મુસાફરી ખાસ્સી રસપ્રદ છે. અમારા જન્મ સાથે જોડાયેલ સલામતીની જરૂરિયાત સંતોષવા તમે ‘બ્લોક’, ‘રીપોર્ટ’ અને અન્ય સાઇબર ક્રાઈમને લગતી સલામતી પણ આપો છો, એની પણ અમે નોંધ લઈએ છીએ. તમારા અલગોરિધમ પર પણ અમને માન છે, જે પ્રકારની સાડી કે ચંપલ પર અમારી નજર ઠરે, એ જ તમે બતાવો છો. હવે એક-બે વિનંતી : સ્ત્રીનું નામ પહેરીને સંબંધ બાંધતા ‘પુરુષ’, સ્ત્રીના ચરિત્ર માટે વપરાતી બીભત્સ ભાષા, બદનામીના શસ્ત્રથી આંગળી ચીંધતી મર્દાનગી, અમે નહીં તો અમારા ફોટા સાથે છેડતી કરીને એ વાઈરલ કરતા મનોરોગીઓ અને સરેઆમ અમારી વોલ પર ધમકી આપીને પોતાના વર્તુળમાં મશ્કરી કરતા શૂરવીરોને અટકાવવા તમે કંઈ કરી શકો? ન થાય તો કંઈ વાંધો નહીં, અમે હવે એક નહીં, અનેક છીએ. પહોંચી વળીશું.
જન્મદિવસની શુભેચ્છા સહ
- ગુર્જર નારી

x
રદ કરો

કલમ

TOP