અંદાઝે બયાં / ‘જોક, જલેબી ને જલસા’ - જોલી ગુજ્જુઓનો જીવનમંત્ર!

'Jock, Jalebi and Jalsa' - Jolly Gujju's life-plan!

ગુજરાતીઓ લહેરી અને જલસા કરવાવાળા લોકો છે અને એટલે જ આપણા ખોરાકમાં ગળપણ અને જીવનમાં હાસ્યનું વળગણ છે

સંજય છેલ

May 02, 2019, 02:56 PM IST

ટાઇટલ્સ
જિંદગી એક જોક છે, પંચ લાઇન વિનાનો! -છેલવાણી

ગુજરાત સ્થાપના દિવસે મારે એક ધારણા સ્થાપવી છે કે, કોલંબસ જો ગુજરાતી હોત તો પોતાની સાથે 4 મહિના ચાલે એટલાં થેપલાં અને તેલમાં તરતા ગુંદાનું અથાણું બાંધીને અમેરિકા શોધવા ગયો હોત! અને જો અધવચ્ચે થેપલાં કે તેલવાળા ગુંદા ખતમ થઈ જાત તો ‘લ્યા, તેલ લેવા જાય અમેરિકા’ એમ કહીને ગુજરાત પાછો આવી ગયો હોત અને તમાકુની ફાકી ચાવતાં ચાવતાં ટેસથી જીવ્યો હોત! એકંદરે ગુજરાતીઓ લહેરી અને જલસા કરવાવાળા સ્વીટ લોકો છીએ અને એટલે જ આપણા ખોરાકમાં ગળપણ અને જીવનમાં હાસ્યનું વળગણ છે. બે સામાન્ય ગુજરાતીઓ મળશે ત્યારે ‘બકા, શું ચાલે છે? જલસા ને?’ વગેરે કારણ વિના હળવી હ્યુમર કરી જ લેશે. અરે! વર્ષો પહેલાં તાપીમાં પૂર આવેલાં ત્યારે પૂરની તારાજી જોવા ગયેલા સુરતીઓ ત્યાં બેસીને પછી પિકનિક મનાવવા લાગેલા એ વાતમાં જ ગુજરાતીઓની બેફિકરાઈ અને ડાર્ક સેન્સ ઓફ હ્યુમર છુપાયેલું છે.
દરેક પ્રજાના માનસની એક તાસીર હોય છે. તમે પંજાબ કે હરિયાણના ખેડૂતને જોક સંભળાવશો તો એ ત્રણ વાર હસશે. પહેલી વાર જ્યારે તમે સંભળાવો ત્યારે સમજ્યા વિના હસશે. પછી બીજીવાર તમે એને સમજાવો ત્યારે ફરીથી શરમાઈને હસશે, પછી ત્રીજી વાર જ્યારે એ ખરેખર જોક સમજશે ત્યારે હસશે. તમે કોઈ ગુજરાતી વેપારીને એ જ જોક સંભળાવશો તો એ બે વાર હસશે. પહેલાં જ્યારે એને સંભળાવશો ત્યારે ઉપર ઉપરથી સારું લગાડવા હસશે. શાણા ગુજરાતી માણસ માટે સામેનો દરેક માણસ એક ઘરાક છે અને એને નારાજ કરવા ન માગે.
એક વાર શાહરુખ ખાન પાસે એક ગુજ્જુ પ્રોડ્યુસરે વિનંતી કરી, ‘મને ખાલી 10 મિનિટ આપો, ફિલ્મની વાર્તા સંભળાવવી છે.’
શાહરુખે હસીને કહ્યું, ‘અરે! 10 શું કામ? 20 મિનિટ લો.’
તો પ્રોડ્યુસરે કહ્યું, ‘20? તો હું 2 વાર્તા સંભળાવીશ!’
શાહરુખે કહ્યું, ‘અરે! તમે આરામથી સંભળાવો.’
પ્રોડ્યુસરે કહ્યું, ‘વારતા બહુ સિમ્પલ છે. બે ભાઈઓ છે. એક ચોર છે, બીજો પોલીસ છે અને આગળની વાર્તા તો તમને ખબર છે.’
શાહરુખે પૂછ્યું, ‘ઓકે! પણ મારે કયો રોલ કરવાનો છે? ચોરનો કે પોલીસનો?’
ગુજ્જુ પ્રોડ્યુસરે તરત હસીને કહ્યું, ‘ચોરનો કરવો હોય તો ચોરનો કરો. પોલીસનો કરવો હોય તો પોલીસનો કરો. મને શું ફરક પડે છે? પૈસાનું બોલો.’
આમ, પ્રેક્ટિકલ ગુજ્જુઓની સેન્સ ઓફ હ્યુમર અલગ જ હોય છે. મારી સાથે એક છોકરો સ્કૂલમાં ભણતો એને સીએ થવાની ઘેલછા હતી. વર્ષો પછી મળ્યો ત્યારે મેં એને પૂછ્યું કે તું સીએ થયો કે નહીં? તો એણે કહ્યું: ‘ના, પણ હવે 4 સીએ રાખ્યા છે મારી કંપનીમાં!’
તો આવી પૈસાની થોડી તુમાખી પણ ગુજરાતીઓમાં દેખાય. રજનીશ જેવા રજનીશને વક્તામાંથી ઓલ ઇન્ડિયા લેવલ પર સ્ટાર બનાવવામાં સંગીતકાર કલ્યાણજી-આણંદજીનો મોટો ફાળો હતો. એમણે જ આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ સુધી પહોંચાડવામાં એમનું માર્કેટિંગ કરેલું! એ કલ્યાણજીભાઈને એક નિર્માતાએ પૂછ્યું, ‘ફિલ્મ માટે કોઈ ટાઇટલ સૂઝતું નથી!’
કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું, ‘તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’
‘નહીં!’ નિર્માતા બોલ્યા.
‘નગાડા હૈ?’
‘નહીં તો!’
‘બસ તો ટાઇટલ મિલ ગયા : ના ઢોલ, ના નગાડા!’ આ કલ્યાણજીભાઈએ જ રજનીશને સૂચવેલું: ‘આપકી વાણી મેં બહુત ગંભીરતા ઓર ગહરાઈ હૈ, પર ઇસમેં અગર ઝરા-સા હાસ્ય ડાલોગે તો લોગ ઝ્યાદા સુનેંગે.’ અને પછી રજનીશજીએ પ્રવચનમાં મુલ્લા નસીરુદ્દીનના પાત્ર વડે ટુચકા ઉમેરવા શરૂ કર્યા અને વધુ સફળ થયા.
ઇન્ટરવલ
આંધળો સસરો ને સરગટ વહુ
કથા સાંભળવા ચાલ્યા સહુ- અખો
ટુચકા પરથી યાદ આવે છે કે આજે તો ગુજરાતી નાટકો માત્ર વોટ્સએપના ટુચકાઓનાં મોહતાજ થઈ ગયાં છે, પણ ગુજરાતી રંગભૂમિએ અદ્્ભુત કોમેડી નાટકો આપ્યાં છે. છગન રોમિયોથી માંડીને અમૃત પટેલ, દીનુ ત્રિવેદી, કલ્પના દીવાન વગેરે કલાકારો માત્ર એન્ટ્રી મારીને બોલ્યા વિના હસાવી શકતાં. મુંબઈમાં મોડર્ન ગુજરાતી નાટકોમાં ટિકિટબારી પર હાઉસફુલ નાટકો થવાની શરૂઆત જ જયંતિ પટેલ અને મધુકર રાંદેરિયાના નાટક ‘રંગીલો રાજા’થી થઈ અને એને લીધે જ હાલની રંગભૂમિનું ઓડિયન્સ જન્મ્યું! છેક 1850થી શરૂ થયેલ પારસી રંગભૂમિમાં ‘મોંઘવારીનું ગાએણ’ વગેરે રમૂજી ગીતો બનતાં... કેખશરૂ કાબરાજીએ, શેક્સપિયરના ‘કોમેડી ઓફ એરર્સ’ પરથી ‘ભૂલચૂકની હસાહસ’ નામે સુપરહિટ નાટક રચેલું. ત્યારે ગંભીર નાટકોમાં પણ કર્ટન બહાર આવીને રંગલો-રંગલી કોમેડી કરતાં! મુંબઈમાં 1980ના ગાળામાં ડબલ મિનિંગના ‘નાગાલેન્ડની નારી’, ‘છાનામાના બિછાનામાં’, ‘જલદી કર કોઈ જોઈ જશે’, ‘મારો લાઇન તો તબિયત ફાઇન’ જેવાં કોમેડી નાટકો બનતાં અને સુગાળવા સંસ્કારી ગુજ્જુઓ હોંશે હોંશે જોતાં! હવે તો ગુજરાતી કોમેડી નાટકો-ફિલ્મોનું ઘોડાપૂર આવ્યું છે, કારણ કે મનોરંજન એટલે હસવું એવી એવરેજ ગુજરાતીની વ્યાખ્યા છે. અરે! આપણા ડાયરાઓમાં બેઠાં બેઠાં હસાવનારા લોકકલાકારો કે શાહબુદ્દીન રાઠોડ જેવા વક્તાઓ, હિન્દી-અંગ્રેજીના હજાર સ્ટેન્ડઅપ કોમેડિયનોને ભારે પડે એવા છે!
ગુજ્જુઓની સેન્સ ઓફ હ્યુમર જાહેરાતમાંયે છલકે છે. જેમ કે, ‘રોમમાં રસપૂરી અને પેરીસમાં પાત્રા!’ ‘ઔરંગઝેબનો ઉદય’ નામની 1909માં છપાયેલ નોવેલમાં છેલ્લા પાને અમુક રમૂજી જાહેરાતો હતી. જેમ કે,‘અરેરે! હું આંધળો થયો રે! કોઈ વખત પ્રવાસ દરમ્યાન તે આમ બોલવું ન પડે એ માટે વાપરો ‘નેત્રામૃત’! આને વાપરીને ઘણા લોકોએ ચશ્માંનો ચૂરો કર્યો છે અને દૂરબીનને દૂર ફેંકી દીધી છે!’
આપણા ગુજરાતી રાજકારણીઓમાંયે અગાઉ અને આજેય ગજબની સેન્સ ઓફ હ્યુમર છલકે છે. એકવાર ગાંધીજીને વિદેશી પત્રકારે પૂછ્યું, ‘પાશ્ચાત્ય સંસ્કૃતિ વિશે તમે શું ધારો છો?’ બાપુએ તરત જ કહ્યું: ‘આઇડિયા તો સારો છે, જો એવું કાંઈ હોય તો!’ અરે! આઝાદીની ચળવળની ગંભીર લડત દરમ્યાન પણ આશ્રમમાં ખૂબ રમૂજ થતી. એક સમયે ગાંધીજીએ આહારમાં ખાવાનો સોડા વાપરવાના અખતરા શરૂ કરેલા ને વારેવારે સોડા વિશે બોલતા. તો વલ્લભાઈ પટેલે જમતી વખતે દેશના ભાગલા જેવા કોઈ ગંભીર પ્રશ્ન વિશે ચર્ચામાં બાપુને સંભળાવ્યું, ‘તે બાપુ, આ સમસ્યામાં પણ થોડો ખાવાનો સોડા નાખી દોને!’ આજે પરુષોત્તમ રૂપાલા જેવા નેતા તો બોરિંગ ચૂંટણીપ્રચારમાં પણ દેશી હ્યુમર જન્માવી શકે છે!
પણ આપણે ગુજ્જુઓ આટલા જોલી લોકો, તો આપણું સાહિત્ય રોતલ કેમ? અખાના છપ્પા કે દલપતરામનાં અમુક કાવ્યોને બાદ કરતાં આપણા સાહિત્યમાં ઠેરઠેર કાળજા ચીરતી કરુણ કથાઓ, સ્ત્રી-પુરુષના રડમસ રિશ્તાઓ, સસ્પેન્સ-ડ્રામાની સેન્ડવિચ જોવા મળે છે. ધનસુખલાલ મહેતા-જ્યોતીન્દ્ર દવેની‘અમે બધાં’, ધીરુબહેનની, ‘ગગનના લગન’ કે ચુનીલાલ મડિયાની ‘સધરા જેસંગનો સાળો’ જેવી અમુક નામની નવલકથાઓ જોવા મળે છે. વિનોદ ભટ્ટ, તારક મેહતા, બકુલ ત્રિપાઠી, રતિલાલ બોરીસાગર કે અશોક દવે જેવા હાસ્યકારો પણ અખબારો-મેગેઝિનોને કારણે જ ગુજરાતીઓને હસાવતા રહ્યા. આમ તો આપણે રમૂજ-પસંદ લોકો છીએ, તો પછી સાહિત્યની ગલીમાં પ્રવેશતાંવેંત જ જાણે કોઈની સાદડીમાં આવ્યા હોઈએ એવા સિરિયસ કેમ?
કદાચ જે લાઇનમાં ઇન્કમ ન હોય ત્યાં આપણા શાણા ગુજ્જુઓ મહેનત શાના કરે? બાકી બકા, જલસાને? બોલ્યું ચાલ્યું માફ કરવું!
એન્ડ ટાઇટલ્સ
આદમ: તું જોક સાંભળીશ?
ઈવ: તને જોઈ તો રહી છું!

[email protected]

X
'Jock, Jalebi and Jalsa' - Jolly Gujju's life-plan!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી