Back કથા સરિતા
ભાવના સોમૈયા

ભાવના સોમૈયા

સિનેમા (પ્રકરણ - 34)
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

જય આજે ટાઈગર તરીકે જાણીતો છે

  • પ્રકાશન તારીખ17 May 2019
  •  

આમ તો જન્મ સમયે તેનું નામ જય શ્રોફ રાખવામાં આવ્યું હતું પણ તેના પપ્પા જેકી શ્રોફ હંમેશા તેને ટાઈગર કહીને જ બોલાવતા. પત્ની આયેશા તરફથી પોતાને મળેલી મૂલ્યવાન અને વહાલી ભેટ એટલે ટાઈગર એવું જેકી શ્રોફ માને છે. ક્યારે શૂટિંગ પતે અને ક્યારે પોતે ઘરે જઈને દિકરા સાથે સમય વીતાવે તેની તાલાવેલી તેને હંમેશા રહેતી. એટલે પહેલેથી જ બાપ-દિકરા વચ્ચેનો સંબંધ બહુ ખાસ રહ્યો છે. જ્યાં પણ જવાનું થતું જેકી દિકરાને સાથે લઈને જ ફરતો.
મને યાદ છે એક દિવસ જેકી શ્રોફ અને કરીશ્મા કપૂરનું અમારે ફોટોશૂટ કરવાનું હતું. જે જેકીના ઘરે હતું. જ્યાં ડુપ્લેક્સ મકાનની સીડીઓ પર ત્રણ વર્ષનો ટાઈગર બેઠો હતો. તેને લાગ્યું કે કોઈ પોતાના પર ધ્યાન આપતું નથી ત્યારે અચાનક મોટા અવાજે તેણે રડવાનું શરૂ કરી દીધુ હતું. આયેશા તેને છાનો રાખવાના બનતા પ્રયત્નો કરી છૂટી પણ ટાઈગરને પપ્પા પાસે જવું હતું. એટલે અમુક જ ફોટા પડાવ્યા બાદ જેકીએ ફોટોશૂટ બંદ કર્યું અને ટાઈગરને ફેન્સીકારમાં લઈને લોન્ગડ્રાઈવ પર નીકળી પડ્યો.
આયેશા શ્રોફે મને કહ્યું કે,‘આ બંને બાપ-દિકરાનું રુટીન છે.’ જ્યારે પણ ટાઈગર રડતો કે જેકી તેને લઈને લોન્ગડ્રાઈવ પર નીકળી પડતો અને એ સૂઈ જાય ત્યારે પાછો ફરતો. પાડોશીઓ પણ બંને બાપ દિકરાને પાલી હિલમાં અડધી રાતે કારમાં ફરતા જોવા ટેવાઈ ગયા હતા.
વર્ષ 1990માં ટાઈગર માંડ થોડા મહિનાનો હશે ત્યારે જેકી શ્રોફ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં હાજરી આપવા ગયો હતો. એ વર્ષે ‘પરિન્દા’ માટે જેકી શ્રોફને નોમિનેશન મળ્યું હતું. તેમાં પણ જેકી નાનકડા દિકરાને લઈને આવ્યો હતો. જેકી શ્રોફ નહોતો જાણતો કે તેને એવોર્ડ મળશે કે કેમ. પણ જેવી જેકીના નામની જાહેરાત થઈ કે તરત ટાઈગરે રડવાનું શરૂ કરી દીધું. એટલે જેકી તરત પોતાના વહાલસોયાને લઈને સ્ટેજ પર એવોર્ડ સ્વીકારવા પહોંચી ગયો હતો. જેકી એવોર્ડ સ્વીકારે છે અને જીત્યાનો આનંદ વ્યક્ત કરતી સ્પીચ આપે છે. હવે જોવા જેવી વાત એ છે કે જે ટાઈગરે રડવાનું શરૂ કરી દીધું હતું તેને લઈને જેકી ડાયસ પર પહોંચે છે ત્યારે અચાનક તે રડવાનું બંદ કરી દે છે. જાણે તે જાણતો હોય કે કંઈક રસપ્રદ બની રહ્યું છે એટલે મારે રડવું ન જોઈએ. તે દિવસે જેકી બહુ ખુશ હતો. તે તેના જીવનનો પહેલો એવોર્ડ હતો અને એ ક્ષણ તેનો દિકરો તેની સાથે હતો એટલે ક્ષણો વધુ ખાસ હતી.
સમય વીતતો જાય છે અને જેકી શ્રોફ હીરોમાંથી ચરિત્રભૂમિકાઓ ભજવતો થાય છે. દિકરો હવે યુવાન થઈ ગયો છે અને તે ફિલ્મમાં આવવા માંગે છે. જેકી દિકરા ટાઈગરને બેસાડીને સમજાવે છે કે ફિલ્મોમાં કારકિર્દી બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પણ ટાઈગર નક્કી કરી ચૂક્યો હોય છે. ટાઈગર જ્યારે ફિલ્મમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જેકી પિતા તરીકે પુત્રના ભવિષ્ય અંગે ચિંતિત હતો. તે કહેતો કે, મને મારી કરિઅરથી ક્યારેય આટલી ચિંતા થઈ નથી જેટલી મારા દિકરાની કરિઅરની થાય છે. જેકીને થતું કે ટાઈગરે જે કરિઅર પસંદ કર્યું છે તેમાં તે સફળ જશે કે કેમ. અને સફળતા માટે પહેલી ફિલ્મની પસંદગી બહુ અગત્યની હોય છે. આ બધી શંકાઓ વચ્ચે જેકી એક મામલે આશ્વસ્ત હતો કે પોતાનો દિકરો કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ ધરાવે છે. જેકીએ મને કહ્યું કે,‘મારા દિકરા જેટલો મહેનત કરતો કોઈ હિરો મેં આજસુધી જોયો નથી. મારો દિકરો સિન્સીઅર અને સેન્સિટિવ છે. હું પ્રાર્થના કરું છું કે નિયતિ તેને પોતાની જાતને સાબિત કરવાની તક આપે.’ અને નિયતિ ધાર્યા કરતા ટાઈગર શ્રોફ પર વધુ મહેરબાન રહી છે. ‘હિરોપંતી’થી શરૂ કરીને ‘બાગી’,‘ફ્લાઈંગ જટ્ટ’,‘મુન્ના માઈકલ’,‘બાગી 2’ અને હવે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ સુધી તેની સફળતાની યાત્રા ચાલતી આવી છે. તાજેતરની ટાઈગરની ફિલ્મની રીલીઝ બાદ તેને હું મળી ત્યારે તેણે કહ્યું કે,‘હું ઈચ્છું છું કે મારા કામથી મારા મમ્મી-પપ્પાને ગૌરવ અનુભવ કરાવી શકું. હું બેસ્ટ એક્ટર, ડાન્સર, એક્શન હીરો તરીકે ઓળખાવા ઈચ્છું છું. અને હું મારા શ્વોચ્છ્વાસની પ્રત્યેક ક્ષણ એ માટે આપવા તૈયાર છું.’ તો હવે કહો ટાઈગર શ્રોફને જે સફળતા મળી છે તે જોઈને તમને નવાઈ લાગે છે?
[email protected]

x
રદ કરો

કલમ

TOP