અંદાઝે બયાં / 110 % માર્કસ નહીં આવે તો ઘરમાંથી કાઢી મૂકીશું!

If 110% marks are not available then we will be removed from home!

હું કહીશ કે કોઈને 99.99% માર્કસ આપવામાં આવે એ વાત પણ ખોટી છે, ઘોર અન્યાય છે નોર્મલ વિદ્યાર્થીઓ સાથે!

સંજય છેલ

May 16, 2019, 05:52 PM IST

ટાઈટલ્સ
કશું જ અશક્ય નથી એ જ શક્ય છે
- છેલવાણી

મારા એક કઝીનને HSCની પરીક્ષામાં 97% આવ્યાં તો પણ એ દુ:ખી હતો કારણકે એની ગર્લફ્રેંડને 97.5% આવ્યાં અને અડધો ટકો વધું મળવાને લીધે એ છોકરી એને છોડીને 97.6%વાળા બીજી છોકરાની ગર્લફ્રેંડ બની ગઈ!
મેં કઝીનને સમજાવ્યું, ‘ચિંતા ના કર, તને બીજી મળી જાશે!’
એણે કહયું,‘બીજી તો છે જ પણ એની પાસે માત્ર 96.5% છે, મારા કરતાં પણ અડધો ટકો ઓછો! આવી ગર્લફ્રેંડ હોય તો આપણી શું ઈજ્જત રહે?’
બોલો હવે આ જનરેશનને શું કહેવું એને ? જોકે આજકાલ SSC, ICSC, CBSC વગેરે વિવિધ બોર્ડના રિઝલ્ટો જોઇને થાય છે કે આ પરીક્ષાના રિઝલ્ટ છે કે વોટર ફિલ્ટરમાંના પ્યોર પાણીનો દાવો છે? બધા ટોપના વિદ્યાર્થીઓ લગભગ 99.99% ટકા લઇ આવે છે! અને એની સામે માત્ર 99 લાવનાર આત્મહત્યાનો વિચાર કરવા માંડે છે! હવે પછી તો મા-બાપો એમ કહેવા માંડશે કે જો 100માંથી 110 % નહી આવે તો ઘરમાંથી કાઢી મૂકશું!
નોર્મલી, લોકો નિષ્ફળ પ્રેમના જૂના પ્રેમપત્રો બાળી નાખતાં હોય છે પણ 99.99% જેવા આજકાલના રિઝેલ્ટો જોઈને થાય છે કે આપણે આપણાં 70-80%વાળા જૂના રિઝેલ્ટોને ચૂપચાપ બાળી નાખવા જોઈએ. ખરેખર તો હવે તો ડર લાગે છે કે પોલીસવાળાં આપણને પકડીને ફરીથી એસ.એસ.સી.ની પરિક્ષામાં બેસાડી ના દે! આમેય નોટબંધી અને એસ.એસ.સી.ની પરીક્ષાનાં ભયાનક સપનાં હજીયે અચૂક આવતા જ હોય છે.
વળી 99% માર્કસવાળા સ્ટુડંટ્સના ફોટાઓને છાપામાં જોઈને અકારણ ગુસ્સો આવે છે. કોલેજમાં સુંદર છોકરીને કદરુપો પૈસાવાળો પરણીને લઈ જતો ત્યારે જે ગુસ્સો આવતો એવી જ લાગણી થાય છે. તમે કહેશો કે સરખામણી ખોટી છે તો હું કહીશ કે કોઈને 99.99% માર્કસ આપવામાં આવે એ વાત પણ ખોટી છે, ઘોર અન્યાય છે નોર્મલ વિદ્યાર્થીઓ સાથે! નબળાં વિદ્યાર્થીઓ પર આ પણ એકજાતની હિંસા છે, અત્યાચાર જ છે. જે બાળકને 70 કે 80% આવ્યાં હોય એ લોકો પોતાના મા-બાપને શું મોં દેખાડે? કોઈ સારા માર્કસમાં પાસ થાય ત્યાં સુધી બરાબર છે પણ સાવ 99% તે લવાતા હશે? અરે બીજાનો તો વિચાર કરવાનો કે નહીં? આ તો એવું જ છે કે કોઈ પૈસાવાળી પાર્ટી 200 કરોડના ખર્ચે રાજસ્થાનના મહેલમાં જઇને લગન કરે અને ગરીબો એ જોઈને જીવ બાળ્યાં કરે. નબળા વિદ્યાર્થીઓ પર આ 99%ને લીધે કેટલી માનસિક યાતના થતી હશે?
હું તો કહું છું કે જેને 95%થી ઉપર માર્કસ આવે તો એના રિઝલ્ટમાંથી ટી.ડી.એસ.ની જેમ 10% તો બોર્ડવાળાંઓએ જ આપોઆપ કાપી લેવા જોઈએ અને એ 10 ટકા નબળાં સ્ટુડન્ટના રિઝલ્ટમાં સરખે ભાગે વહેંચીને ઉમેરી દેવા જોઇએ!
વળી જેમ ટીવી પર ધૂમ્રમાન દારૂની જાહેરાતો પર પ્રતિબંધ છે એમ ટીવી. કે અખબારમાં પણ 99%વાળાં સ્ટુડંટ્સના ફોટા કે ક્લીપીંગ્ઝ દેખાડવા પર પણ સરકારી પ્રતિબંધ હોવો જોઈએ.સફળ સ્ટુડંટ્સના ખુશખુશાલ ફોટાથી ઓછા માર્કસવાળાંઓની લાગણી ખૂબ દુભાય છે.વળી કોઈપણ બોર્ડમાં ઓછા માર્કસવાળાં વિદ્યાર્થીઓ જ વધારે હોય છે એટલે એ લોકો ખરેખર તો બહુમતિમાં કહેવાય અને લોકશાહીમાં બહુમતિ જેમ કહે એમ જ થવું જોઇએને?
ઇંટરવલ
હંસોગે ખેલોગે બનોગે નવાબ
પઢોગે લિખોગે બનોગે ખરાબ
તમે માર્ક કર્યું હશે કે 99.99% માર્કસ મેળવનારા સ્ટુડંટ્સમાંથી 70% દેખાવમાં અતિ-બોરિંગ હોય છે: ચશ્મા પહેરેલ,ગંભીર હાવભાવવાળાં, સતત ચિંતિત ચહેરાં. તો એમને નિહાળીને થાય કે આવા ચંબુ લોકોને 99.99% આવે તોયે ચેહરા પર ખુશી થતી હશે ખરી?અને થાય તોયે માંડ 50% આવતી હશે! જોકે ઘણીવાર એ મેધાવી છાત્રોમાં 100% લાવનાર ઘણી ટીનએજર છોકરીઓ સુંદર પણ હોય છે અને એટલું જ નહીં એને પેંડો ખવડાવતી એની મમ્મી પણ 99% સુંદર જ હોય છે.પણ એક જ છોકરીમાં ઉપરવાળાએ બુદ્ધિ પણ આપી છે અને ઉપરથી રૂપ પણ આપીને બડી નાઈન્સાફી કરી કહેવાય. એટલે કે ઇશ્વરે જેને 99% આપ્યા એ છોકરી સ્હેજ ઓછી સુંદર હોય તો ઓછા માર્કસવાળી પણ સુંદર છોકરીઓને થોડી રાહત તો રહે કે,‘એમા શું? એ ચાંપલીને ભણવામાં ભલે સારા માર્કસ મળ્યાં પણ લૂક્સમાં તો હું જ 100% બધાનું ધ્યાન ખેંચું છુંને ?’
તમે ક્યારેય ભૂલથીયે 99.99% માર્કસ લેનારા વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યુ જોયા કે વાંચ્યાં છે? એકથી એક 100% મહાબોર!તમને એમ થાય કે આને આટલાં બધાં માર્કસ મળ્યાં? ‘મેં સવારે વહેલાં ઉઠીને અભ્યાસ કર્યો, મા-બાપના આશીર્વાદ છ’ જેવા ટીપીકલ જવાબોને વાંચીને એમ થાય કે આજે આને ભલે 99% આવ્યાં પણ આનું આગળ કાંઇ નહીં થાય?(જોકે સત્ય એ પણ છે કે રાજકારણમાં બોલબચનની જરૂરત પડે છે, દસમાં બારમાંની પરીક્ષામાં નહીં!) સાથોસાથ અમને હંમેશા સવાલ થાય છે કે 10-12ના બોર્ડમાં નં.1 આવતાં વિદ્યાર્થીઓ આગળ જઇને અબ્દુલ કલામ આઝાદ,સચીન તેંદુલકર,અંબાણી કે કમસેકમ ઇમરાન હાશ્મીની જેમ સફળ કેમ નથી થતાં? આ રિસર્ચનો વિષય છે કે 10-12માં 99% માર્કસ સાથે સફળ સ્ટુડંટ્સ આગળ જઈને 100% ગુમનામીમાં કેમ જીવે છે?
જોકે અમે વાઈડાઈ કરીને 60 થી 90% ટકા લાવનારાં નબળા વિદ્યાર્થીઓને એમ નહીં કહીએ કે,‘ઈટ્સ ઓકે, માર્કસ જ સર્વસ્વ નથી. જીવનમાં નિરાશ ના થવું’ વગેરે વગેરે. કારણ કે એવું બધું ડાહયું ડાહયું સી. એમ. કે પી. એમ. જેવા મોટા લોકો બોલે ત્યાં સુધી ઠીક છે કારણકે રાજકારણીઓને સારી રીતે ખબર હોય છે કે બારમું ફેઈલ વ્યક્તિ પણ દેશમાં શિક્ષણમંત્રી બની શકે છે. જેને પોતાના ડીગ્રીના સર્ટીફીકેટ સાચવવાની પડી નથી એ લોકોને આખો દેશ સાચવવાની ખુરશી મળી શકે છે! પણ સામાન્ય વિદ્યાર્થી માટે 10-12માંનાં રિઝલ્ટ તો ‘ડુ ઓર ડાય’ જેવી સિચ્યુએશન હોય છે અને પરીક્ષામાં નિષ્ફળ બાળકોના આત્મહત્યાના સમાચારો જોઇને હલી જવાય છે.
વળી જે દેશમાં 35% ભૂખ્યા સૂતા હોય, જ્યાં 31% વોટ મેળવવાવાળાં 100% લોકો પર રાજ કરતાં હોય, જ્યાં માત્ર 5% ઈન્કમટેક્સ ભરતાં હોય ત્યાં 99% મેળવનારા 1% સ્ટુડંટ્સ અને એનો મહિમા મને 100% સમજાતો નથી. મારી તો 99%વાળા બ્રાઇટ સ્ટુડંટો સામે એક જ ફરિયાદ છે કે તમે જરા માટે આળસ કરી? 100માંથી 100% લાવતાં શું જોર પડે છે? સરકારી તપાસ કરવી જોઇએ કે કોઇને 110% માર્કસ કેમ ના મળ્યા? એમાંયે ઇવીએમનો તો વાંક નથી ને?
કદાચ આ 99%વાળા રિઝલ્ટો જોઇ જોઇને મારૂં 100% છટકી ગયું છે!
એન્ડ ટાઇટલ્સ
આદમ: આંકડાં અગત્યનાં નથી, લાગણી અગત્યની છે
ઇવ: ભલે તો કોરો ચેક આપ શોપિંગ માટે! {
[email protected]

X
If 110% marks are not available then we will be removed from home!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી