અંદાઝે બયાં / ઉતાવળની ભૂતાવળ: ના સોચા તો મારા લોચા

Hurry up: Do not be so hot

‘ઉતાવળ’ આપણો રાષ્ટ્રીય સ્વભાવ થઈ ગયો છે! આપણે એકસો ત્રીસ કરોડ ઉતાવળિયા લોકોનો દેશ બની રહ્યા છીએ

સંજય છેલ

May 09, 2019, 03:38 PM IST

ટાઇટલ્સ
ઉતાવળમાં આપણે જેનો પીછો કરતા હોઇએ એનાથી આગળ નીકળી જવું - છેલવાણી

સંતાસિંહ ખીચોખીચ ભરેલી બસમાં સંતા આમતેમ દોડાદોડી કરી રહ્યો હતો. આસપાસના લોકોને ખૂબ તકલીફ થતી હતી. લોકોએ એને રોક્યો પણ સંતા તો દોડમદોડ કર્યા જ કરે. બસના કંડક્ટરે ધમકાવ્યો,‘આ શું માંડ્યું છે? ચાલુ બસમાં દોડે છે કેમ?’
સંતાએ કહ્યું,‘કારણ કે હું ઉતાવળમાં છું! મિટિંગ માટે લેટ છુંને!’
બોલો! બસ એના સ્ટોપ પર પહોંચે અને પછી સંતા ઊતરીને દોડે એ સમજી શકાય, પણ એ તો બસ રોકાય એના પહેલાં ચાલુ બસમાં જ દોડવા માંડેલો! માણસ ઉતાવળમાં ન કરવાનું કરી બેસે. ઉતાવળમાં કેટકેટલી ભૂલો થઈ જતી હોય છે એનો આપણને ખ્યાલ જ નથી આવતો.સંસ્કૃતિ નાટ્યશાસ્ત્રમાં નાયક એટલે કે હીરોના અમુક પ્રકાર કહ્યા છે. એમાંનો એક પ્રકાર છે ‘ધીરોદત્ત’. ધીરજવાળો, સંસ્કારી, સભ્ય, ગંભીર એવો હીરો. સભ્ય, ભણેલ માણસ અવિચારી વાત ન કરે, ઉતાવળમાં બડબડાટ ન કરી મૂકે.
આજકાલ લોકસભા ઇલેક્શનના પ્રચારમાં બધાં નેતાઓ જલ્દબાઝીમાં બેમતલબ બયાનબાઝી કરીને ફસાયે રાખે છે. આઝમ ખાન જેવા નેતાઓ તો વિચાર્યા વિના બોલવામાં એક્સપર્ટ છે. યોગી અને દિગ્વિજય જેવા નેતાઓ બફાટ કરવામાં પીએચડી છે. રાહુલ ગાંધીએ પોતાની ચોકીદારવાળી કોમેન્ટમાં સુપ્રીમ કોર્ટને ટાંકીને લોચો માર્યો છે. ગત લોકસભાના ચુનાવ પ્રચાર દરમિયાન જ્યારે પટનામાં રેલીમાં મોદીસાહેબે ઉતાવળમાં પાકિસ્તાનમાં આવેલી તક્ષશિલા યુનિવર્સિટીને એમણે બિહારમાં ખપાવી દીધી! ચંદ્રગુપ્ત મૌર્યના મૌર્યવંશ અને ગુપ્તવંશ વિશે લોચો મારેલો! સત્તાની મહત્ત્વાકાંક્ષા ખોટી વાત નથી, પણ ઉતાવળ ઘણી વાર નામ ડુબાડે! નાયક કે લીડરમાં ધૈર્ય બહુ જરૂરી છે.
એકવાર ભયંકર યુદ્ધમાં ચાણક્ય હારી રહ્યા હતા.સેના હણાઈ રહી હતી. ત્યારે ચાણક્યના શિષ્યે આવીને સમાચાર આપ્યા કે ફલાણો સેનાપતિ ભાગી ગયો, ઢીંકણો ફૂટી ગયો, પેલી ટુકડીએ પીછેહઠ કરી, ત્યાંથી હાથીઓ નાસી ગયા વગેરે વગેરે. ત્યારે ચાણક્યે માત્ર એટલું જ કહ્યું, ‘ભલે બધા મને છોડીને જતાં રહે. જ્યાં સુધી મારી બુદ્ધિ મને છોડીને નહીં જાય ત્યાં સુધી મને કોઇ ચિંતા નથી!’ આને કહેવાય ધૈર્ય! ગંગાસતી લખે છે:‘મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે...’ પર્વત ડગે પણ સજ્જનોનાં મન ના ડગે, પણ પોલિટિક્સમાં અને ખાસ કરીને સત્તાની દોટમાં માણસ કંઈ પણ કરી દે, કંઈ પણ કહી બેસે.
મુશાયરામાં કવિઓ હજુ શેર બોલવાનો શરૂ કરે કે ‘જિંદગીનો રંગ જોઈ...’ એવામાં સાથી કવિઓ ‘ક્યા બાત હૈ, ક્યા બાત હૈ’ શરૂ કરી દે છે! પૂરો શેર સાંભળ્યા પહેલાં વધાવવા માંડે છે. અમુક પત્રકાર મિત્રો હજુ તો ફિલ્મની દસ મિનિટ ના થઈ હોય અને સેલફોનથી રિવ્યૂ દુનિયાભરને મોકલવા માંડે છે. કોઈની ત્રણ વર્ષની મહેનતને વખોડતા પહેલાં ત્રણ કલાકની રાહ પણ નથી જોતા. તો વળી ફિલ્મવાળાઓ પણ ઓછા નથી. શુક્રવારે ફિલ્મ લાગે અને શનિવારે ‘સુપરહિટ’ અને ‘સો કરોડ’નાં પોસ્ટરો લગાવી દે છે. ટીવીની ન્યૂઝ ચેનલો કોઈ ઘટના થાય એને તપાસવામાં આવે એ પહેલાં સનસનીખેજ ‘બ્રકિંગ ન્યૂઝ’ બનાવીને આપણા માથે ઠપકારે છે. આજે બધાને ઉતાવળ છે, કશુંક કહેવાની કે બીજાને ઉતારી પાડવાની!
ગીતકાર મજરૂહ સુલતાનપુરી શુદ્ધ અને કક્ષાપૂર્ણ ગીતો લખવા માટે જાણીતા હતા. 80ના દાયકામાં જ્યારે ડિસ્કો ગીતોનો દોર આવ્યો ત્યારે કોઈએ પૂછ્યું કે તમે ડિસ્કો સોંગ કેમ નથી લખતાં? તો મજરૂહે કહ્યું, ‘ડિસ્કો કા સંગીત ભાગતા હુઆ સંગીત હૈ. દો આદમી દૌડ રહે હૈં ઉસમેં શાયરી પીછે રહ
જાતી હૈ!’
ઇન્ટરવલ
સમય તૂ ધીરે ધીરે ચલ,
સારી દુનિયા છોડ કે પીછે આગે જાઉં નિકલ.
- રાજકવિ તુલસી
આજના દોરમાં સારા સારા રાજકારણીઓ પોતાનો ક્લાસ ઘણીવાર ખોઈ દેતા હોય છે, અદ્ભૂત વક્તા મોદીજી પણ વિરોધીઓ માટે ‘50 કરોડની ગર્લફ્રેન્ડ’ કે કોઇ મહિલા માટે ‘જર્સી ગાય’ જેવું ના જચતું કહી બેસે છે. એ જ રીતે સોનિયાએ મોદીજીને ‘મોત કા સૌદાગર’ કહેવાની ઉતાવળ કરીને લોકોની ગાળો ખાધેલી. ઉતાવળ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે. ભારત જ નહીં, આઝાદીના સમયમાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલને કોઈ ઈન્ડિયાથી ફોન કરતું ત્યારે એ પણ ઉતાવળે એક જ સવાલ પૂછતા: ‘ઈઝ ધેર અ ગૂડ ન્યૂઝ? ધેટ ઓલ્ડમેન ગાંધી ડાઈડ?’ અર્થાત્ સારા સમાચાર છે? પેલો બુઢ્ઢો ગાંધી મરી ગયો કે શું? વિજ્ઞાન કહે છે, hurry worry & curry – એ 3 તબિયતના દુશ્મનો છે. બધા જાણે છે કે ઉતાવળે ચાવ્યા વિના ખાવાથી અપચો થાય છે. પચાવ્યા વિનાનું અન્ન અને પચ્યા વિનાનું જ્ઞાન બહુ તકલીફ આપે છે. ભીડનો પ્રેમ પચાવવો પણ એટલો જ અઘરો છે. ભીડ જોઈને માણસ ઉતાવળે લોચા મારી શકે. એક જ્ઞાતિના એક મેળાવડામાં ન્યાતના ભાઈ-બહેનોએ મળીને એક નાટક ભજવેલું. એમાં એક નાટ્યાત્મક દૃશ્યમાં એક પાત્ર બીજા પાત્રને ગુસ્સામાં ‘બદમાશ’ એવી ગાળ આપતો ડાયલોગ હતો. તો પહેલીવાર આટલું મોટું ઓડિયન્સ જોઈને એક ભાઈ અભિનયમાં ઉશ્કેરાઈ બેઠા. વળી, એમના અભિનય માટે લોકો તાળી પણ પાડી રહ્યા હતા તો પેલાએ ‘બદમાશ’ એમ બોલવાને બદલે મોટી ભૂંડી ગાળ દઈ દીધી. પ્રેક્ષકો હેબતાઈ ગયા. પરાણે પડદો પાડવો પડ્યો. ઓવર એક્ટિંગ કરવામાં આવું થતું હોય છે! નેતાઓ આવી જ ઓવર એક્ટિંગ કરી બેસે છે. કદાચ ‘ઉતાવળ’ આપણો રાષ્ટ્રીય સ્વભાવ થઈ ગયો છે! આપણે એકસો ત્રીસ કરોડ ઉતાવળિયા લોકોનો દેશ બની રહ્યા છીએ.
અહીં સંતાસિંહ ફરી યાદ આવે છે. તેઓ એક સેક્સી ફિલ્મ જોવા ગયા. પડદા પર એક છોકરી નદીકિનારે ટૂંકા કપડામાં નહાવા જતી હતી. એક પછી એક વસ્ત્રો ઉતારવા માંડી. સંતા ધ્યાનથી આ રંગીન દૃશ્યો માણી રહ્યો હતો, એવામાં એક ટ્રેન સામેથી આવી અને છોકરી ઢંકાઈ ગઈ. સંતાનો મૂડ ખરાબ થઈ ગયો. સંતા હાર માને એમ નહોતો. એ તો એની એ જ ફિલ્મ રોજ સતત આઠ દિવસ સુધી જોવા આવે અને પેલું દૃશ્ય આવે ત્યારે ધ્યાનથી જુએ. આ જોઈને થિયેટરના ડોરકીપરને બહુ નવાઈ લાગી. એણે સંતાને પૂછ્યું, ‘તું રોજ આ ફિલ્મમાં આ જ દૃશ્ય જોવા કેમ આવે છે?’ સંતાએ કહ્યું, ‘ક્યારેક તો ટ્રેન મોડી પડશેને? આપણને ઉતાવળ નથી!’ આપણને પણ ઉતાવળ નથી, ક્યારેક તો વિચારીને બોલનારા નેતાઓ આ દેશને મળશે? ત્યાં સુધી આ બધાઓના લોચામાં જે નિર્મળ ટાઈમપાસ થાય એ માણીએ.
એન્ડ ટાઇટલ્સ
ઇવ: તું મળતાંવેંત જ કિસ કરવામાં આટલી ઉતાવળ કેમ કરે છે?
આદમ: તને બોલતી બંધ કરવા માટે એ જ ઉપાય છે.

[email protected]

X
Hurry up: Do not be so hot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી