રાગ બિન્દાસ- સંજય છેલ / દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ!

Friendship is taking the test!

Divyabhaskar.com

Aug 05, 2019, 06:06 PM IST

રાગ બિન્દાસ- સંજય છેલ
​​​​​​​ટાઇટલ્સ
દોસ્તીના ઘા શરીરમાં નહીં, મન પર લાગે છે, ક્યારેક બેઉનાં મન પર.(છેલવાણી)
મિત્રો, યારો, આજે ફ્રેન્ડશિપ દિવસ છે. આ દોરંગી દુનિયામાં લોહીના સંબંધો કરતાં યે મૈત્રીના સંબંધ વધુ શુદ્ધ હોય છે. અમારી ફિલ્મલાઇનમાં કલાકારોની દુશ્મની અને હરીફાઇ વિશે ઘણું બધું લખાય, ચર્ચાય છે, પણ કલાકારોની દુશ્મની પણ રંગીન અને દોસ્તી પણ નિરાળી. અહીં શાહરુખ–સલમાન પાંચ વરસ અબોલા કરીને એક રાતે અચાનક ભેટી પડે છે. અહીં દિલીપકુમાર અને નિર્દેશક કે. આસિફ ‘મુઘલે આઝમ’ જેવી અમર ફિલ્મ આપ્યા પછી પણ જીવનભર એકમેકનું મોં નથી જોતા! અહીં સંગીતકાર લક્ષ્મી-પ્યારેના ગીતના રેકોર્ડિંગમાં એમના કટ્ટર હરીફ આર.ડી. બર્મન જઇને ખેલદિલીથી માઉથ ઓર્ગન વગાડી આવે છે! તો પેશ છે આવા અમુક ઓછા જાણીતા કિસ્સાઓ:
રાજકપૂર-દેવ આનંદ અને દિલીપકુમાર ત્રણ મોટા સ્ટાર, પણ સારા મિત્રો. રાજકપૂરના સૌથી નાના દીકરા ચિમ્પુ ઉર્ફ રાજીવનાં લગ્ન હતાં. રણધીર, રિશિ વગેરેએ નક્કી કર્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિનિયર લોકોને કંકોતરી આપવા જાતે જવું. એક સવારે દિલીપકુમારના ઘરે પહોંચ્યા. દિલીપકુમારે પોતાના અંદાજમાં સૂરાવલિમાં મિત્ર રાજ કપૂરની જૂની વાતો છેડી અને પછી કહ્યું: ‘મૈં સિર્ફ રાજ કા હી નહીં, ઉનકે અબ્બુ પૃથ્વીરાજસા’બ કા પેશાવર કે ઝમાને સે દોસ્ત હૂં’ વગેરે. દેશના ભાગલાથી માંડીને શેક્સપિયર ને ગાલિબ સુધીની ગોઠડી ત્રણ કલાક ચાલેલી. ત્યાંથી સીધા જૂહુ પર દેવ આનંદને ત્યાં કપૂરબંધુઓ ગયા. એમને જોઇ દેવ આનંદે ટાઈ પહેરતાં-પહેરતાં કહ્યું, ‘બ્રધર્સ યુ આર લેઇટ, ક્યા બાત હૈ? ‘ રણધીરે રાજીવ(ચિમ્પુ)ના મેરેજનું કાર્ડ આપ્યું. દેવઆનંદે તરત કહ્યું, ‘ઓફકોર્સ આઈ વિલ કમ, રાજીવ ઈઝ માય કલીગ, દોસ્ત હૈ, હમ સાથ સાથ કામ કરતે હૈં ઈન્ડસ્ટ્રી મેં...’ પોતાના પૌત્રની ઉંમરના રાજીવને દેવ આનંદે દોસ્ત કહ્યો, બોલો! પછી દેવે કહ્યું, ‘આપ લોગોં કો ઔર જગહ ભી કાર્ડ દેને જાના હોગા, બાય!’ એ મિટિંગમાં દેવ આનંદે, મિત્ર રાજ કપૂર વિશે એક શબ્દ પણ ન કહ્યો! તો રણધીરને ઘડીભર થયું: ‘શું રાજ કપૂર-દેવ આનંદ વચ્ચે ખરેખર કોઇ દોસ્તી હતી ખરી?’ એ સત્ય હવે પછીના કિસ્સામાં ખબર પડશે!
વર્ષો પછી રણધીર કપૂરે દેવ આનંદને ફોન પર કહ્યું કે પિતા રાજ કપૂરે બનાવેલો ચેમ્બુરનો આર.કે. સ્ટુડિયો બહુ ચાલતો નથી, સખત ખોટમાં છે, કારણ કે ઠેઠ ચેમ્બુર સુધી દૂર ટ્રાફિક પાર કરીને શૂટિંગ કરવામાં સૌને કંટાળો આવે છે. દેવ આનંદે તરત જ કહ્યું, ‘ઓકે, અબ સે મેરી સારી અગલી ફિલ્મોં કી શૂટિંગ આર.કે. સ્ટુડિયો મેં હી હોગી. ઔર ક્યૂં નહીં? આખિરકાર મેરે દોસ્ત કા સ્ટુડિયો હૈ. ઉસ સ્ટુડિયો કો ચલાના મેરા ફર્ઝ હૈ.’ ને વર્ષો સુધી દેવ સાહેબ 80 પ્લસની ઉંમરે પણ જૂહુથી છેક ચેમ્બુર બે કલાક ટ્રાફિકમાં પોતે જાતે ગાડી ચલાવીને ત્યાં શૂટિંગમાં જતાં! આને કહેવાય ખાનદાની દોસ્તી!
ઇન્ટરવલ :
વાતાવરણ બનાવે છે વાતાવરણના દોસ્ત(મરીઝ)
મશહૂર ગીતકાર શૈલેન્દ્ર બહુ ઇમોશનલ, વારેવારે રિસાઈ જતા. એક વાર સંગીતકાર શંકર-જયકિશનને એમણે કહ્યું, ‘તમારું નામ છે ઇન્ડસ્ટ્રીમાં છે. બીજા સંગીતકારોને મારી ભલામણ કરો.’ પણ પછી એ વાત વધી નહીં. એટલે શૈલેન્દ્રને ખોટું લાગ્યું અને શંકરને મળવાનું બંધ કર્યું. એક વાર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બેઉ સામસામે થયા ત્યારે શૈલેન્દ્રે કહ્યું, ‘છોટી સી યે દુનિયા પહચાને રાસ્તે હૈં, કભી તો મિલોગે, કહીં તો મિલોગે તો પૂછેંગે હાલ...’ પછી એ ગીત શંકરે, કિશોર પાસે ‘રંગોલી’ ફિલ્મમાં ગવડાવ્યું! શૈલેન્દ્ર મિત્રો સાથે ઝઘડતા તો પ્રેમ પણ એટલો જ કરતા. ગીતકાર મજરુહે લખેલું, ‘સુજાતા’ ફિલ્મનું ગીત ‘જલતે હૈ જિસ કે લિયે, તેરી આંખોં કે લિયે...’ જ્યારે શૈલેન્દ્રએ સાંભળ્યું ત્યારે હરીફ મજરુહને ફોન કરીને ત્રણ કલાક સુધી વખાણ કરેલાં!
આવા ભાવુક કવિ શૈલેન્દ્રએ હિન્દીના વાર્તાકાર રેણુની ‘ઠૂમરી’ નામની ટૂંકી વાર્તા પરથી રાજકપૂર સાથે ‘તીસરી કસમ’ ફિલ્મ બનાવવાનું વિચાર્યું. એ ફિલ્મમાં એક ગીત છે: ‘દુનિયા બનાનેવાલે કાહે કો દુનિયા બનાઈ...’ જે ખરેખર મજરુહનું હતું! રાજ કપૂર અને શૈલેન્દ્રએ મજરુહ પાસે જઇને એ ગીત માંગ્યું! દિલદાર રાજ કપૂર અને હરીફ પણ મિત્ર એવા શૈલેન્દ્રને માન આપીને કવિ મજરુહે પેલું ગીત ‘દુનિયા બનાને વાલે’ તરત જ આપી દીધું, પણ મજરુહે એક શરત મૂકી કે એ ગીત માટે શૈલેન્દ્રનું જ નામ આવે. મજરુહનું એમ માનવું હતું કે શૈલેન્દ્ર નિર્માતા તરીકે પોતાના હરીફ મજરુહનું ગીત લે તો ફિલ્મ લાઇનમાં શૈલેન્દ્રની બદનામી થાય, એમની કરિયર પર અવળી અસર પડે. આ બાજુ શૈલેન્દ્ર પણ સિદ્ધાંતવાદી! એમણે જીદ મૂકી કે ગીતમાં નામ તો મજરુહનું જ હોય! છેવટે રાજ કપૂરે વચ્ચેનો માર્ગ કાઢ્યો કે ન તો શૈલેન્દ્રનું નામ કે ન મજરુહનું, હસરત જયપુરીનું નામ આપવામાં આવશે અને સૌ માની ગયાં!
હવે વાત અહીં પતતી નથી…‘તીસરી કસમ’ ફિલ્મ ફ્લોપ જતાં શૈલેન્દ્રને દેવું થઇ ગયું, એ ડિપ્રેશનમાં પડીને - આલ્કોહોલના શરણે જઇ મરવાની હાલતમાં આવી ગયેલા. એ જ સમયગાળામાં દેવ આનંદ-વિજય આનંદ, ‘જ્વેલ થીફ’ માટે ગીતો લખવા શૈલેન્દ્રના બંગલે જઇને ખૂબ સમજાવે છે, પણ ગીતકાર શૈલેન્દ્ર ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે એટલે ગીત લખવાની ઘસીને ના પાડી દીધી. ઊલટાનું પોતાના હરીફ એવા મજરુહ સુલતાનપુરીને ફોન કરીને કહ્યું,‘યાર મજરુહ, દેવ-વિજય આનંદની ફિલ્મમાં તું ગીતો લખી આપ, જેથી એ લોકો મારો પીછો છોડે!’ સામેથી મજરુહ એમને સમજાવે છે, ‘દોસ્ત, માત્ર પહેલા તું ગીત લખી લે, પછી જો તારું મન નહીં માને તો જોઇશું! પણ હતાશામાંથી બહાર આવ!’’
શૈલેન્દ્ર કમને માની જાય છે. ગીતની સિચ્યુએશન એ છે કે એક તળાવમાં ઉદાસ સ્ત્રી હોડી ચલાવી રહી છે, જેને જીવનમાં રસ નથી. મૃત્યુના વિચારો આવી રહ્યા છે. શૈલેન્દ્ર કહે છે આ તો મારી જ હાલતની વાત છે અને ગીત લખ્યું:‘રુલા કે ગયા સપના મેરા...’ એ ગીત રેકોર્ડ થતાંવેંત જ શૈલેન્દ્ર ગુજરી ગયા. પછી ફિલ્મનાં બાકીનાં ગીતો મજરુહે લખ્યાં, પણ એના પૈસા શેલેન્દ્રના પરિવારને આપેલા!
પાર્ટીઓ અને મજામસ્તી સિવાય પણ દોસ્તીની એક ખાનગી દુનિયા છે, જે પળ પળ પરીક્ષા માગે! દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ!
એંડ ટાઇટલ્સ:
આદમ: દોસ્તી ચઢે કે પ્રેમ?
ઇવ: દોસ્તી! દોસ્તોને ડિવોર્સ નથી અપાતા!
[email protected]

X
Friendship is taking the test!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી