Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

દાસ્તાં ઇક બમ્બઈયા તવાયફ કી

  • પ્રકાશન તારીખ16 May 2019
  •  

ઇસ્ટરનો તહેવાર હતો અને તેજસ્વી બપોર હતી, પરંતુ શ્રીલંકાના આતંકી હુમલાના કારણે વાતાવરણમાં મનહૂસિયત હતી. બપોરના શોમાં સો સીટના થિયેટરમાં ફક્ત અમે ચાર અને બીજા ચારેક પ્રેક્ષકો હતા. નાટક હતું 70 મિનિટનું અંગ્રેજી Honour: Confessions of a Mumbai Courtesan. લેખક
અને અદાકાર અમદાવાદમાં જન્મેલાં ગુજરાતી અમેરિકન એક્ટ્રેસ દીપ્તિ મહેતા. એમણે અમેરિકન યુનિવર્સિટીમાંથી મોલેક્યુલર અને સેલ્યુલર બાયોલોજીમાં ડોક્ટરેટ કરેલું
છે, પરંતુ તે વિખ્યાત થયાં છે રોહિત ગુપ્તા દિગ્દર્શિત ‘લાઇફ! કેમેરા એક્શન’ ફિલ્મમાં એમના અભિનય
થકી.
દર વર્ષે વસંતે વસંતે ડાળે ડાળે પાંદડાં આવે તેમ ન્યૂ યોર્કમાં દર વસંતે જાણે ગલીએ ગલીએ નાટક થાય છે. તેવાં લાલ ને પીળાં ને ખાટાં ને તીખાં નાટકોનો એક ઉત્સવ થતો હોય
છે, નામે ‘ફ્રિન્જ ફેસ્ટિવલ.’ સન 2016ની સાલના ‘ફ્રિન્જ’માં દીપ્તિના આ એકનટી નાટકે પહેલું ઇનામ જીતેલું, તે
પછી ઠેર ઠેર તેમને યશના ગુદસ્તા મળેલા છે. હાલ કેનેડાની ટૂર કરીને દીપ્તિ મહેતાએ આખરે ફરી ત્રણ અઠવાડિયાં માટે ન્યૂ યોર્કના ઓફ ઓફ બ્રોડવેમાં પેશ કર્યું. સાધારણ રીતે કદાચ ચિક્કાર સભાગારમાં ભજવવા ટેવાયેલાં દીપ્તિ આજે સાત જણની સામે નાટક કરવા બાંવડાં ઊંચાં કરતાં હતાં: બ્રાવો, બ્રાવો!
બમ્બઈના ફોકલેનડ રોડ ઉપર રહે
છે સેક્સવર્કર ચમેલી. તે 13 વર્ષની હતી ત્યારથી તેને કોઈ આ વેશ્યાવાડામાં વેચી ગયેલું. તે હવે એવી રીઢી છે કે તેને કોઈ ‘દલાલ’ નથી. તે તેની છોકરી રાનીને રતિકર્મમાં પાવરધી કરવા મથે છે, જે 16 વર્ષની થાય ત્યારે તેના શિયળની બોલી બોલાવાની છે.
કમરેથી સહેજ વળેલી ચમેલી મટીને દીપ્તિ જ્યારે રાની આપણી સામે તરવરતી કન્યા બની જાય છે. તેવી કોડીલી ‘કન્યા’ના મોઢે આપણે મા-બહેનની હિન્દી ગાળો સાંભળીએ છીએ. રાનીના ભાઈ શ્યામ તરીકે અભિનેત્રી બીડી ફૂંકે છે, શ્યામ રાનીનો દલાલ થશે. રાનીને ખબર છે કે તેના શિયળનો સોદો થવાનો છે છતાં તેને એક ‘હોપ’ છે, કે કદાચ કોઈ જાદુથી તેને પણ કોઈ સાહેબજાદો બચાવી લેશે.
તે જ રીતે દરેક પાત્રને કાંડાની નાની લચકથી ગોર મહારાજ કે વ્યંઢળની મચ્છર તાળીઓ જેવું અમુક અમુક લક્ષણ આપીને દીપ્તિ રજૂ કરે છે સાત પાત્રો! નો, નો! ચમેલી ને રાનીની કહાની કહેવા જ સાત જણ ભેગાં થયાં છે એમ નથી; અહીં દરેકને પોતપોતાની એક ‘હોપ’ છે, જીવનમાં. ‘સ્ટોરી’ છે!
દીપ્તિ મહેતાની આ કૃતિમાં અલબત્ત દ્રૌપદીનો ઉલ્લેખ આવે છે અને વખતોવખત રંગીન ચાદરોમાં લપેટાઈને દીપ્તિ દ્રૌપદીનો પાઠ ધારણ કરે છે. દ્રૌપદી હવે આવી કથાઓમાં ફરજિયાત બની ગઈ છે. વધુમાં, આ દાસ્તાં આખી કહેવાય છે ‘તમને’ યાને મુંબઈનાં કૂટણખાનાં ઉપર રિસર્ચ કરવા અમેરિકાથી બમ્બઈ આવેલી એક ગોરી મહિલાને.
દીપ્તિની પ્રથમ રચના છે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ મુંબઈ, તેનો ફોકલેન્ડ રોડ, તેમાં ઉપસ્થિત તમામ જાણીતાં પાત્રો, એક ભારતીય છોકરીના મોઢામાં હિન્દી ગાળોની બૌછાર, સગીર છોકરીના શિયળના નીલામની હૃદયદ્રાવક વાત આ બધું પહેલાં કેટલા સહસ્ત્ર વાર વાંચેલું, જોયેલું છે આપણે! તેમાં વળી દ્રૌપદીની કથાનું અસ્તર અને તે બધાની ઉપર પાછી અમેરિકન રિસર્ચ કરનાર ગોરી બાઈની પછેડી? એકી શ્વાસે ‘ટૂ મચ’ કહી દેવાની અધીરાઈ જોનારને ઘડીભર મૂંઝવી નાખે છે.
દીપ્તિની અદાકારી ષોડશીની ખના સૂરમા જેવી નયનરંજક છે, પણ નાટક લખવાનું તેણે કોઈ બીજાને, (જેમ કે ન્યૂ જર્સીમા રહેતા કોઈ લલ્લુ ગુજરાતી નાટકરાઇટરને) સોંપ્યું હોત તો કદાચ ચીલાચાલુ વિષયવસ્તુના કુંડામાં કંઈ નવું ગુલ ખીલવી શકાયું હોત. નાટકના અંતે બોક્સઓફિસ પાસે નાયિકા એક ચોપડી ધરે છે પ્રેક્ષકો પાસે, કાંઈક લખશો? બાબા રે! જીવશાસ્ત્રમાં ડોક્ટરેટ કરેલી આ જૈન ગુજરાતીની દીકરી દાક્તરીના ફિલ્ડમાં કે ડાયમંડના બિઝનેસમાં જવાને બદલે રવિવારની બપોરે સાત જણની સામે આવું વિસ્ફોટક નાટક ભજવે છે! પ્રચંડ હિંમતનું આ કામ છે, બાબા! જય દ્રૌપદી! ⬛[email protected]

x
રદ કરો

કલમ

TOP