Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-57

પગલૂછણિયાને પગથિયું તો નથી માની બેઠા ને?

  • પ્રકાશન તારીખ20 May 2019
  •  

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે.

કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે,

એક પ્રણાલિકા નિભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે.

- સૈફ પાલનપુરી

ફૂલોની સુગંધને શ્વાસમાં ભરતાં ગૂંગળામણ થાય છે. ફૂલની સુગંધ સોળ પાડે છે હૃદયના ધબકારાઓ ઉપર. એને સ્પર્શવાથી મૂંઝારો થાય છે, કારણ કે સ્પર્શમાં જૂના રુઝાયેલા ઘાવોનાં નિશાન ખરબચડી રુકાવટ પેદા કરે છે. ફૂલને સ્પર્શ કરવો જ નથી એવું નથી, પણ સ્પર્શવાથી જિવાઈ ગયેલા સમયનું એક્શન રિપ્લે થાય છે. ફૂલ એ તો નિમિત્ત છે પેલા સમયનું, જેણે જખ્મોની સિલ્લકને ઉધાર બાજુએ જમા કરેલી હોય છે.
હજુ તો માત્ર આંખો જ મળી છે. કદાચ એકાદ વખત સામસામે હાસ્ય વેરાયું હશે. દૂરના સંબંધ એકદમ નજદીક આવીને ‘કેમ છો’ પૂછી જાય છે. અરીસામાં પોતાનો જ ચહેરો નથી દેખાતો અને પેલી વ્યક્તિના અરીસામાં આપણે કેવા દેખાતા હોઈશું?ની ચિંતામાં દિવસ આથમી જાય છે. સંબંધ પોતે જ હવે એના નામની શોધમાં છે.
શ્વાસનું અટકી જવું એ જ મૃત્યુ નથી. કેટલાક માણસો ધબકારાના જોરે જીવતા હોય છે. પછી તો આ વારે ઘડીએ મરવાનું કોઠે પડી જતું હોય છે. પાછળ રહી ગયેલાં પગલાંઓ હિસાબ માંગે છે. જેમને આપણે રસ્તો માનતા હોઈએ છીએ એ તો આપણને અવરોધવા મથતા પથ્થરો કે ખાડાટેકરા હોય છે. ત્યારે થાય છે કે આપણે ક્યાંક પગલૂછણિયાને પગથિયું તો નથી માની બેઠા ને?
એક દિવસનું આયુષ્ય લઈને ઊગતું તારીખિયાનું પાનું વિરહની રાત સામે બાથ ભીડે છે. વિરહની રાત જુદી જ રીતે ઊગે છે. આંખના પલકારા જેવા દિવસો અહીંયાં આંજણીની જેમ ખૂંચે છે. મિલનની સવાર સુધી પહોંચતામાં આખો યુગ બદલાઈ ગયો હોય એવું લાગે છે.
કવિતા લખવા ખાતર નથી લખાતી. ડૂમો બાઝેલી કલમને બે આંગળીઓ વચ્ચે પકડીને સમયની પ્રણાલિકા નિભાવવાની હોય છે. છતાંય કવિતા જીવનની વાસ્તવિકતાથી ક્યારેક ઉફરી ચાલતી હોય છે. કવિતા જીવનમાંથી આવે છે છતાંય એનાથી દાઝી જવાતું નથી. એ ચંદનનો લેપ કરી આપે છે. તમે એકાંતની પળોમાં આંખો બંધ કરીને બેઠા હોય અને અચાનક અવાજ થાય છે ત્યારે ઝબકીને જાગી જવાય છે. કવિતાના શબ્દમાં આ ધડાકા જેવી તાકાત હોય છે, પણ એ એકાંતને તોડવામાં સાથ આપનારા શબ્દ નથી. કવિતાનો શબ્દ તમને પ્રેમથી એની પાસે બેસાડે છે, પછી તમારી આંખો બંધ કરે છે, પછી તમને કાનમાં કહે છે, ‘અહીંયાંથી એકાંત તરફની ગતિ કરો.’
મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને,
બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા.
- સૈફ પાલનપુરી ⬛
[email protected]

x
રદ કરો

કલમ

TOP