સાયબર સફર / પાસવર્ડને ગાઇડ બનાવો

Create a Password Guide

હિમાંશુ કીકાણી

May 16, 2019, 05:34 PM IST

એકાદ મહિના પહેલાં, ઇન્ટરનેટની એક અત્યંત જાણીતી કંપનીએ પત્રકારો માટે યોજેલા સેમિનારમાં એક નવાઈની વાત જાણવા મળી. એ સેમિનારમાં પત્રકારોને, તેમણે પોતાના ઓનલાઇન એકાઉન્ટ્સને કેવી રીતે સલામત રાખવા જોઈએ તેની સમજ આપવા માટે એક પ્રેઝન્ટેશન અપાયું!
મોટા ભાગના લોકો એકનો એક પાસવર્ડ બધી જ જગ્યાએ હાંકે રાખે છે. લગભગ બધી જાણીતી ઓનલાઇન સર્વિસીઝ એકાઉન્ટ સલામત રાખવા ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા આપે છે, છતાં મોટાભાગના તેનો ઉપયોગ કરતા નથી.
આ બધી નવાઈની વાત નથી. નવાઈની વાત તો એ હતી કે પત્રકારોને આ બધું શીખવવું પડે? સેમિનારના સંચાલકો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે એમના અનુભવ પ્રમાણે આખા દેશમાં – પત્રકારો સહિત – લોકો પોતાના પાસવર્ડની સલામતી પ્રત્યે હોવા જોઈએ એટલા સભાન નથી! સેમિનારમાં એક એવો વિડિયો પણ બતાવવામાં આવ્યો, જેમાં કોઈ અમેરિકન ન્યૂઝ ચેનલે લોકો પાસવર્ડની સલામતી માટે કેટલાક સજાગ છે એ જાણવા કરેલો પ્રયાસ દર્શાવવામાં આવ્યો હતો. તેમાં રસ્તે જતાં જુદા જુદા લોકોને તેમના જુદા જુદા એકાઉન્ટના પાસવર્ડ પૂછવામાં આવ્યા અને લોકોએ હસતા મોંએ ટીવી ચેનલને પાસવર્ડ કહી પણ દીધા, કેટલાકે ફક્ત કહેવું ઓછું હોય એમ પાસવર્ડના સ્પેલિંગ પણ કહી બતાવ્યા! મતલબ કે, પેલી કંપનીએ સેમિનારમાં પાસવર્ડની સલામતી અંગે જેટલો સમય ફાળવ્યો એ યોગ્ય તો હતો!
તમને જાણીને કદાચ નવાઈ લાગશે દર વર્ષે મે મહિનાનો પહેલો ગુરુવાર વર્લ્ડ પાસવર્ડ ડે તરીકે ઉજવાય છે (એ દૃષ્ટિએ આપણો આ લેખ મોડો છે, પણ પાસવર્ડની જેમ ‘વિશ્વ દિન’ પણ કેટલાક યાદ રાખવા?!). વર્ષ 2005માં કોઈ સિક્યોરિટી રિસર્ચરે તેની શરૂઆત કરી અને પછી ઇન્ટેલ સિક્યોરિટી કંપનીએ એ વિચારને આગળ ધપાવ્યો.
એ નિમિત્તે, તમને તમારા પાસવર્ડની સલામતી વિશે ચિંતા કરવાની ખાસ ભલામણ! આવો કોઈ વિશ્વ દિન ઊજવાય કે નહીં, આપણા પાસવર્ડ આજની ડિજિટલ દુનિયામાં આપણી મહામૂલી જણસ છે, એને એ જ રીતે સાચવવા જરૂરી છે. એટલે જો તમે એકનો એક પાસવર્ડ ઘણી જગ્યાએ વાપરતા હો તો ચેતી જાવ.
એ સંદર્ભમાં, ગૂગલે થોડા સમય પહેલાં ’પાસવર્ડ ચેકઅપ ટૂલ’ નામની એક સગવડ આપી છે. પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં તેનું એક્સટેન્શન શોધીને ફક્ત ક્રોમમાં ઉમેરી દો. તમારે બીજું કશું કરવાનું નથી. હવે પછી તમે કોઈ સર્વિસમાં એવો પાસવર્ડ આપશો, જે તમે અગાઉ કોઈ સર્વિસમાં વાપરેલો હશે અને હેક થયેલી એ સર્વિસમાંથી તે પાસવર્ડ ચોરાયો પણ હશે, તો આ ચેકઅપ ટૂલ તમને તરત ચેતવશે કે તમે આ નવી સર્વિસમાં વાપરેલો પાસવર્ડ અગાઉ ચોરાયેલો છે અને હેકર્સ તમને નુક્સાન કરી શકે છે, વહેલી તકે પાસવર્ડ બદલી નાખો. આ ટૂલ પેલા ફાયર એક્સ્ટિંગ્વિશર જેવું છે. બિલ્ડિંગના દરેક માળે એ પડ્યું પડ્યું ધૂળ ખાતું હોય, પણ અણીના વખતે જીવ બચાવે.
જો તમે ‘સાયબરસફર’ વર્ષોથી વાંચતા હશો તો આ બધું તો તમે જાણતા હશો, પણ હમણાં વોટ્સએપમાં વાંચેલી, પાસવર્ડ સંબંધિત એક મજાની વાતથી સમાપન કરીએ (કદાચ તમે પણ વાંચી હશે!). એક ભાઈએ પોતાનો અનુભવ લખ્યો છે કે તેમણે છૂટાછેડા પછીની મનોયાતનામાંથી છૂટવા પોતાના કમ્પ્યૂટરનો પાસવર્ડ [email protected] રાખ્યો અને ધીમે ધીમે તેમનો સંતાપ ઘટતો ગયો. આ જ કીમિયો એમણે જરા વહેલો કામે લગાડીને, [email protected] જેવો પાસવર્ડ રાખ્યો હોત, તો કદાચ છૂટાછેડા જ ન થયા હોત! પણ જાગ્યા ત્યારથી સવાર. હવે એ વ્યક્તિ થોડા થોડા સમયે, પોતે જે કંઈક
નવું ધ્યેય નક્કી કરે એને પોતાનો પાસવર્ડ બનાવે છે અને એમના માનવા પ્રમાણે, આ કીમિયાએ એમનું જીવન બદલી નાખ્યું છે.
તમે પણ પાસવર્ડથી કંટાળો નહીં, એને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનાવી જુઓ! ⬛www.cybersafar.com

X
Create a Password Guide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી