ઈધર-ઉધર- વિક્રમ વકીલ / રાજ્યસભામાં બહુમતી મેળવવા અમિત શાહનો ભેદી પ્લાન

article by vikramvakil

Divyabhaskar.com

Jul 29, 2019, 05:01 PM IST

ઈધર-ઉધર- વિક્રમ વકીલ
ભાજપ અને તેના સાથી પક્ષોની લોકસભામાં તો સંપૂર્ણ બહુમતી છે જ, પરંતુ રાજ્યસભામાં હજુ એમનો પનો ટૂંકો પડે છે. રાજ્યસભામાં સંપૂર્ણ બહુમતી નહીં હોવાને કારણે ટ્રિપલ તલાક જેવા કેટલાક બિલ પાસ કરવા અઘરા છે. સામાન્ય રીતે જોઈએ તો હજી એકાદ વર્ષ પછી જ રાજ્યસભામાં પણ ભાજપ અને તેના સાથી પક્ષો સંપૂર્ણ બહુમતી મેળવી શકશે. આવા સંજોગોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નક્કી કર્યું છે કે રાજ્યસભામાં પણ ભાજપને તકલીફ નહીં પડે એ માટે હમણાં વિરોધ પક્ષના સંસદસભ્યો છે એમાંથી કેટલાકને તોડી પાડવા. જો હમણાંના સંસદસભ્યોમાંથી કેટલાક રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી થાય તો વિધાનસભામાંની બહુમતીના આધારે ભાજપ એમને પોતાના તરફથી લડાવી ફરીથી જિતાડી શકે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યારે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે ત્યારે ત્યાંના કેટલાક સંસદસભ્યોને રાજીનામાં અપાવી ફરીથી ચૂંટણી થાય ત્યારે ભાજપ તરફથી ઊભા રાખવા. એ જ રીતે ટીડીપીના ચાર સંસદસભ્યોને રાજીનામું અપાવી ભાજપમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પીડીપીના સાંસદ નાઝીર અહમદ અને મીર મોહમ્મદને પણ ભાજપ પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે છે. બીએસપીના બે અને એસપીના બે સંસદસભ્યોને પણ ટાર્ગેટ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે, અમિત શાહના પ્લાન સફળ થાય છે કે નહીં એ તો સમય જ કહેશે!
નોર્થ બ્લોક અને પત્રકારો
નોર્થ બ્લોકમાં આવેલી નાણામંત્રાલયની ઓફિસમાં આજકાલ પત્રકારોને જવું ખૂબ અઘરું થઈ ગયું છે. એક્રિડેટેડ કાર્ડ ધરાવતા પત્રકારો પણ નોર્થ બ્લોકમાં વગર એપોઇન્ટમેન્ટે જઈ શકતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નવા નિયમને કારણે દિલ્હીના કેટલાક પત્રકારો ખૂબ નારાજ છે. જોકે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું જુદું જ માનવું છે. નિર્મલા સીતારામનની ઓફિસને અડીને જ આવેલી અમિત શાહની ઓફિસમાં પત્રકારોને જવાની છૂટ છે અને પત્રકારોનો સત્કાર પણ ત્યાં કરવામાં આવે છે.
શા માટે અફઘાનની સંસ્કૃતિ સમાન નથી?
અફઘાનિસ્તાન ભલે કટ્ટર ઇસ્લામિક દેશ છે, પણ ત્યાં જુદા જુદા પ્રદેશો અને વંશની પ્રજા અને આદિવાસીઓએ આવીને આ ધરતી પર વસવાટ કર્યો છે. માટે જ અહીંની સંસ્કૃતિ પણ સમાન નથી રહી. નવાઈની વાત એ છે કે તેના અમુક વંશીય જૂથો જ મૂળ પ્રજા છે. દાખલા તરીકે, બધા પખ્તુન લોકો અફઘાન નાગરિકો નથી. અહીં પારસીવાન અને બલચ લોકો રહે છે. અફઘાનિસ્તાનમાં ઇરાન, રશિયા, મધ્ય એશિયા, ચીન, સાઇબેરિયા, યુરોપ, ભારત (મોટે ભાગે શીખ લોકો), તુર્કી, આરબ અને મોંગોલ વંશના લોકો પણ રહે છે.
કૂતરાં પણ ફિલ્મ બનાવી શકે?
કેનેડામાં મોન્ટ્રિયલ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ નામનું આર્ટ એક્ઝિબિશન યોજાયું. કળાનાં લગભગ તમામ સ્વરૂપોને આવરી લેતા આ પ્રદર્શનમાં એક વિડિયો ફિલ્મ પ્રદર્શિત થઈ, જે એક કૂતરાએ બનાવી હતી. જેના સ્ટરબેક નામની એક ઊંધી ખોપડીની માનુનીએ સ્ટેન્લી નામના પોતાના ડોગીના ગળે ટચૂકડો, વજનમાં હળવો હોય એવો વાયરલેસ વિડિયો કેમેરા બાંધી દીધો. ત્યાર બાદ તેને બરફાચ્છાદિત ખુલ્લાં મેદાનોમાં છુટ્ટો મૂકી દીધો. કૂતરો આમતેમ ફરતો રહ્યો અને એણે જે કંઈ ‘જોયું’ તે બધું પેલા કેમેરામાં કેદ થતું ગયું. બસ, આ જ ફિલ્મની થીમ છે: ‘કેનેડાની પૃષ્ઠભૂમિ-કૂતરાની દૃષ્ટિએ’!અમેરિકામાં પતિ તાડનનાકિસ્સાઓ પણ ઓછા નથી?
એક તારણ એવું છે કે માત્ર પુરુષ જ સ્ત્રીને મારે છે એવું નથી, સ્ત્રી પણ પુરુષને ધીબેડતી રહે છે. પત્ની પતિને નિયમિતપણે મેથીપાક ચખાડતી હોય એવા કિસ્સા સામાન્ય અંદાજ કરતાં મોટી સંખ્યામાં બને છે. 28 ટકા અમેરિકન પુરુષોને એમની પત્ની યા તો ગર્લફ્રેન્ડ મારી ચૂકી છે. મારામારીનું મુખ્ય કારણ મહદંશે ઘરેલુ હોય છે. 17થી 27 વર્ષના અમેરિકન પુરુષોમાં થયેલા બીજા એક સર્વેક્ષણ પરથી ફલિત થયું છે કે યુવાન છોકરા કરતાં યુવાન છોકરી વધારે મારકણી હોય છે! બીજા એક અભ્યાસ હેઠળ 172 નવપરિણીત યુગલોને પસંદ કરવામાં આવ્યાં. ચાર વર્ષ સુધી દર છ મહિને તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. તારણ એવું નીકળ્યું કે આમાંના ત્રીજા ભાગનાં પતિ-પત્ની આક્રમક વર્તન (ધક્કો મારવો, તમાચો મારવો અથવા કોઈ વસ્તુથી પ્રહાર કરવો) કરી ચૂક્યાં હતાં.
[email protected]

X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી