Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 53)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

નરેન્દ્ર મોદીને શા માટે મીડિયા સલાહકારની જરૂર નથી?

  • પ્રકાશન તારીખ06 Jan 2020
  •  
ઈધર-ઉધર- વિક્રમ વકીલ
અગાઉના વડાપ્રધાનોની માફક નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન ઓફિસમાં મીડિયા સલાહકારની નિમણૂક કરી નથી. અત્યાર સુધીના વડાપ્રધાનોમાંથી, અપવાદ સિવાય, દરેક વડાપ્રધાને મીડિયા એડવાઇઝર રાખ્યા હતા. કદાચ સૌથી જાણીતા મીડિયા સલાહકાર સંજય બારૂ હતા. મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારૂએ ‘ધ એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નામનું વિવાદાસ્પદ પુસ્તક લખ્યું હતું, જેના પરથી ફિલ્મ પણ બની હતી. યોગી આદિત્યનાથ જેવા હાર્ડ હિન્દુત્વવાદીએ પણ પોતાના મીડિયા સલાહકાર તરીકે મૃત્યુંજયકુમાર નામના પત્રકારની નિમણૂક કરી છે. મોદીને કદાચ મીડિયા સલાહકારની જરૂર એટલા માટે નથી લાગતી કે મોટાભાગના મીડિયા કર્મીઓને તેઓ ‘સારી રીતે’ ઓળખે છે અને એમની સાથે કઈ રીતે ડીલ કરવું એમની પણ એમને સુપેરે ખબર છે!
ટીડીપી ફરીથી રંગ બદલે છે
છેલ્લી લોકસભાની ચૂંટણી પહેલાં ટીડીપીનાં ચન્દ્રાબાબુ નાયડુએ ખૂબ જ આક્રમક રીતે મોદી-શાહનો વિરોધ કર્યો હતો. એક વખત એનડીએના સાથી રહેલા ચન્દ્રાબાબુએ જ તમામ વિરોધપક્ષોની આગેવાની લઈ નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હવે છેલ્લા કેટલાક સમયથી ચન્દ્રાબાબુ અને એમના પક્ષે એકાએક યુટર્ન લીધો છે. ચૂંટણીમાં મળેલી પછડાટ પછી હવે ચન્દ્રાબાબુ નરેન્દ્ર મોદીનાં વખાણ વારેતહેવારે કરી રહ્યા છે. સંસદમાં પણ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો મુદ્દો હોય કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની બાબત હોય, જ્યારે ભાજપના બધા વિરોધીઓ તૂટી પડ્યા હોય ત્યારે ટીડીપીના સાંસદો એકદમ ચૂપ રહે છે. અમિત શાહે ચોખ્ખું કહી દીધું છે કે, ટીડીપી માટે એનડીએમાં દરેક દરવાજા બંધ થઈ ગયા છે. આમ છતાં જોકે ચન્દ્રાબાબુએ આશા છોડી નથી.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા કઈ રીતે શક્તિશાળી બની?
આઇએસઆઇ (ISI) આખરે શું? પાકિસ્તાન વતી નાપાક કારસ્તાનો તે કરે છે કેવી રીતે? 1948માં બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ આર. કોથોમે પાકિસ્તાની સૈન્યના ડેપ્યૂટી ચીફ ઓફ સ્ટાફ તરીકે ISIની સ્થાપના કરી હતી. એ વખતે તેમને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેમણે શરૂ કરેલી આ ગુપ્તચર સંસ્થા આગળ જતાં અત્યંત પ્રભાવશાળી અને જુલમી સંસ્થા બની રહેશે. ‘50ના દાયકામાં પાકિસ્તાનના પ્રમુખ ફિલ્ડમાર્શલ અયુબ ખાને ISIનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું. પાકિસ્તાનમાં લશ્કરી શાસન ચાલુ રહે તે જોવાનું કામ પ્રમુખે ISIને સોંપ્યું. આ કામ કરવા માટે ISIને ઘણી સત્તા પણ આપવામાં આવી હતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનમાં ISI એક એવી સત્તા બની ગઈ છે જેના ઉપર બીજી કોઈ સત્તા નથી રહી.
પ્રાચીનકાળમાં કાશ્મીરવાસીઓ નાગને પૂજતા હતા
સંસ્કૃત ગ્રંથોના કહેવા પ્રમાણે પ્રાચીનકાળમાં કાશ્મીરના રહેવાસીઓ નાગની પૂજા કરતા હતા. આજેય પર્વતોમાંથી નીકળતાં વાંકાંચૂંકાં ઝરણાંઓને કાશ્મીરમાં નાગ કહેવામાં આવે છે. કાશ્મીર આવાં અસંખ્ય ઝરણાંઓનો પ્રદેશ છે અને દંતકથા પ્રમાણે તેઓનાં નામ પણ નાગ પ્રત્યય સાથે પડેલાં છે. જેમ કે, નીલનાગ, વેરીનાગ, અનંતનાગ (કાશ્મીરમાં આ એક મોટું નગર છે), સુખનાગ, કોકરનાગ અને વૈશાખનાગ, વૈશાખ એ વાસુકી નાગનું અપભ્રંશ છે. ત્યાં સુધી કે કાશ્મીરમાં આવેલું એશિયાનું સૌથી મોટું તાજા મીઠા પાણીનું સરોવર વુલર મહાપદ્મ નાગદેવતાની ગાદી ગણાય છે.
લેનિનની મૂર્તિનો મૃત્યુઘંટ
લાટવિયાના લિયેપેજા ગામમાં વ્લાદિમીર લેનિનની એક મોટી પ્રતિમા હજુ હમણાં સુધી ગામમાં જોવા મળતી હતી. સ્થાનિક સત્તાવાળાઓને લાગ્યું કે હવે સોવિયેટ સંઘ તો રહ્યો નથી અને આખી દુનિયામાં માર્ક્સવાદ, લેનિનવાદ અને સામ્યવાદનો કોઈ ભાવ નથી પૂછતું ત્યારે લેનિનની આવી મોટી મૂર્તિ સાચવી રાખવાનો કોઈ મતલબ નથી અને આમેય કેટલાંક સેવાકાર્યો માટે પૈસાની તાતી જરૂર હતી. એટલે તેમણે આ મૂર્તિને ભઠ્ઠીમાં ઓગાળી નાખી અને તેમાંથી જે કાંસુ મળ્યું તેમાંની નાની-નાની 1,000 ઘંટડીઓ બનાવી. બીજી રીતે કહીએ તો મૂર્તિનો મૃત્યુઘંટ વગાડીને એમાંથી ઘંટડીઓ બનાવવામાં આવી.
[email protected]
x
રદ કરો

કલમ

TOP