દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / જેએનયુ ફરી વિવાદમાં : શિક્ષામંદિર કે રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો?  

article by vikramvakil

Divyabhaskar.com

Nov 28, 2019, 11:24 AM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
દિલ્હી ખાતે આવેલી ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ હંમેશાં વિવાદમાં રહે છે. થોડા વર્ષો પહેલાં ત્યાંના ડાબેરી છાત્રસંઘે આતંકવાદી અફઝલ ગુરુની તરફેણમાં દેખાવો કરી, ભારત વિરોધી સૂત્રો પોકાર્યાં હતાં. થોડા દિવસ પહેલાં આ જ છાત્રસંઘે હોસ્ટેલ ભાડામાં થયેલા નજીવા વધારાનું બહાનું આગળ ધરીને ફરીથી હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્રણ વર્ષ પછી ફરીથી જેએનયુના કેમ્પસમાં કાશ્મીર અને પંજાબને સ્વતંત્ર કરવાનાં સૂત્રો પોકારાઈ રહ્યાં છે. રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદીઓ પ્રત્યેનો ધિક્કાર અહીંના કેટલાક વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓમાં એટલો ઊંડો ઊતરી ગયો છે કે કડકમાં કડક શિક્ષા પણ એમને સુધારી શકે એમ નથી. અહીંના કેટલાક વિદ્યાર્થીઓના મગજમાં દેશ વિરોધી ઝેર રોપવાનું કામ ઘણાં વર્ષો પહેલાંથી ચાલી રહ્યું છે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે સ્થાપના કરનાર પ્રોફેસર મુનીશ રઝા અને યુનિવર્સિટીના સૌપ્રથમ વાઇસ ચાન્સેલર જી. પાર્થ શાસ્ત્રીએ ખૂબ ઊંચાં સપનાં જોયાં હતાં. મારા-તમારા જેવા કરદાતાને ખર્ચે આ યુનિવર્સિટી ચાલી રહી છે. મહેનત કરીને કમાનાર કરદાતાઓને કારણે યુનિવર્સિટીમાં રહીને ભણવાના નામે રાજકારણ રમનાર 30-35 વર્ષના કહેવાતા યુવાનો અહીં બેશરમીથી રહીને તમામ જલસા કરે છે. જેએનયુના ડાબેરી ઝોક ધરાવતા વિદ્યાર્થીઓ એમ માને છે કે સરકાર એમને જે ખેરાત આપી રહી છે એ બદલ કોઈ ઉપકાર કરતી નથી. એ ખેરાત તો એમના પૂ. પિતાશ્રીઓના પુણ્યને કારણે તેમના પર વરસી રહી છે. અહીંના કેટલાક ચરસબાજ, છોકરીબાજ, ગુંડાબાજ વિદ્યાર્થીઓનો જૂનો ઇતિહાસ જાણવા બહુ દૂર સુધી જવું પડે એમ નથી. 2016ના વર્ષમાં અહીંના કોમ્યુનિસ્ટ છાત્રસંઘના વિદ્યાર્થીઓએ કરેલી બદમાશી જો યાદ નહીં હોય તો ફરીથી યાદ કરી લઈએ.
2001ના વર્ષમાં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી. 2016માં 9મી ફેબ્રુઆરીએ જેએનયુના કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્ત્વો ભેગા થયા, જેમાં કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હતા. યુનિવર્સિટીના સંચાલકોએ દેખાવો કરવાની પરવાનગી ન આપી હોવા છતાં આ તોફાનીઓ ભેગા થયા. આ સભામાં ભારત વિરોધી નારાઓ ખુલ્લેઆમ પોકારવામાં આવ્યા. ‘ભારત તેરે ટુકડે હોંગે’, ‘ઇન્સા અલ્લાહ... ઇન્સા અલ્લાહ’, ‘હમેં ચાહિયે આઝાદી... ભારત સે આઝાદી...’ જેવાં સૂત્રો ભારે ખુન્નસથી બોલાયાં, જેનું કવરેજ લગભગ તમામ રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોએ કર્યું પણ ખરું. આ સમગ્ર ષડ્યંત્ર પાછળ કન્હૈયાકુમાર અને ઉમર ખાલીદ નામનાં તત્ત્વો હતાં. આ બંનેની વિચારસરણી અત્યંત જોખમી અને કટ્ટર ડાબેરી છે. દિલ્હી પોલીસે ગંભીર નોંધ લઈને એમની ધરપકડ કરી. જોકે, પાછળથી તેઓ જામીન પર છૂટી ગયા અને કન્હૈયાકુમારે તો બિહારથી લોકસભાની ચૂંટણી પણ સામ્યવાદી પક્ષ તરફથી લડી. જોકે, તમામ હવાતિયાં છતાં કન્હૈયાકુમાર એ ચૂંટણી ખરાબ રીતે હાર્યો હતો. સરકારની ઢીલી નીતિને કારણે કન્હૈયાકુમાર તેમજ ખાલિદ મોહંમદ જેવાં તોફાની તત્ત્વો ફરીથી એમના મૂળ ધંધે લાગી ગયાં છે.
1950 અને 1960ના દાયકામાં સરકારની સમાજવાદી નીતિને કારણે યોગ્ય રીતે જ ગરીબ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી શિક્ષણ શક્ય બને એ માટે કેટલીક યુનિવર્સિટીઓ મોટા પાયે ગ્રાન્ટ મેળવતી હતી. આ યુનિવર્સિટીઓ મસમોટી ખોટ કરતી હોવા છતાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની તેમજ રહેવાની સગવડ નજીવા ભાવે મળી રહે એ માટે પ્રયત્નો થતા હતા. જેએનયુમાં સરકારી પૈસે તાગડધિન્ના કરનારાઓમાંથી મોટા ભાગના બ્રાન્ડેડ કપડાં સાથે નાઇકીના સૂઝ અને હાથમાં આઇફોન રાખીને ફરતા હોય છે. દેશની બીજી યુનિવર્સિટી કરતાં જેએનયુમાં સબસિડીનું પ્રમાણ સૌથી વધારે છે મતલબ કે મારા તમારા ગજવાના બોજે અહીંના વિદ્યાર્થીઓ જલસા કરી રહ્યા છે. જેએનયુમાં માસ્ટર કે બેચલર ડિગ્રીના અભ્યાસ માટે દર વર્ષે ફક્ત 450 રૂપિયા આપવા પડે છે. એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થીઓનો કુલ વાર્ષિક ખર્ચ ફક્ત રૂા. 1 લાખ થાય છે. જ્યારે પિલાણીની ‘વિચ યુનિવર્સિટી’માં ભણતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ દર સેમેસ્ટર દીઠ 2 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. સરકારે નક્કી કર્યું કે ભારેખમ ખોટ કરતી જેએનયુ યુનિવર્સિટીમાં મામૂલી એટલે કે રૂપિયા 30 જેટલો ફીનો વધારો કરવો જોઇએ. જેએનયુના ડાબેરી છાત્રસંઘને જ્યારે આ મામૂલી ફી વધારાની ખબર પડી એટલે જાણે એમના પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. જેએનયુની હોસ્ટેલના પાછળના ભાગમાંથી જથ્થાબંધ કોન્ડમ મળતા રહેવાના સમાચાર પણ અગાઉ આવ્યા હતા. યુનિવર્સિટીએ કરેલો ફી વધારો એક કોન્ડમના પેકેટ જેટલો પણ નહોતો, પરંતુ અહીંના વિદ્યાર્થી સંઘને પેટમાં બીજું દુખતું હતું.
વર્ષો સુધી જેએનયુમાં એકચક્રીય દાદાગીરી કરનાર ડાબેરી છાત્રસંઘની સામે છેલ્લા કેટલાક સમયથી ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ જેવા જમણેરી છાત્રસંઘે પણ પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું છે. પેલા રાષ્ટ્ર વિરોધી તત્ત્વોને તો કોઈપણ હિસાબે તોફાનો કરીને પોતાની લોકપ્રિયતા વધારવી હતી. સરકારે ફી વધારો પાછો ખેંચ્યો તો પણ આવાં તત્ત્વોએ આંદોલન ચાલુ રાખી સંસદ ભવન સુધી કૂચ કાઢવાનો પ્રયત્ન કર્યો. પોલીસે ખૂબ જ સહિષ્ણુતા રાખી. કેટલીક મહિલા પોલીસને પણ ધક્કા મારી પાડી નાખવામાં આવી. આમ છતાં એમણે વળતો હુમલો કર્યો નહીં. બીજા કોઈ પણ દેશમાં કહેવાતા વિદ્યાર્થીઓની આવી ગુંડાગીરી સરકાર ચલાવી લે નહીં. જોકે, આ તો ભારત છે એટલે આ રાષ્ટ્ર વિરોધીઓને લવિંગની લાકડીએથી હળવી રીતે ટપારીને છોડી દેવામાં આવ્યા. આ ડાબેરી વિદ્યાર્થી સંઘના નેતાઓને ખબર નથી કે સામ્યવાદી દેશ ચીનમાં જ્યારે વિદ્યાર્થીઓ દેખાવ કરે છે ત્યારે એમને ગોળી વડે ભૂંજી નાખવામાં આવે છે.
જેએનયુ દેશની એક સૌથી વધુ લાડકી યુનિવર્સિટી છે. સરકાર કોઇની પણ હોય, દાદાગીરી જેએનયુના છાત્રસંઘની જ ચાલે છે. દિલ્હીના મુખ્ય રસ્તાઓ ઉપર આંદોલન કરવા માટે જ્યારે હજારો તોફાનીઓ ઊતરી પડે છે ત્યારે બીમાર વ્યક્તિ એમ્બ્યુલન્સમાં ફસાઇ જાય છે. કામધંધે નીકળતા લોકો પોતાના સ્થાને પહોંચી શકતા નથી. સરકાર અને પોલીસ મોઢા પર પટ્ટી બાંધીને ફક્ત તમાશો જોતી રહે છે. કહેવાતા મજબૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જેએનયુનાં બદમાશ તત્ત્વોને નાથી શક્યા નથી. જેએનયુના છાત્રસંઘના વારંવારના તમાશાથી ત્રાસેલી દિલ્હીની પ્રજા કદાચ એવી સરકારની રાહ જોઇને બેઠી છે કે પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરવા કરતાં પહેલાં જેએનયુના બદમાશો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવે.
[email protected]
X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી