દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ / કહેવાતા પર્યાવરણવાદીઓની પોકળતા

article by vikramvakil

Divyabhaskar.com

Oct 16, 2019, 03:41 PM IST
દીવાન-એ-ખાસ- વિક્રમ વકીલ
મેટ્રો ટ્રેન સ્ટેશન માટે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષછેદન હોય કે પ્લાસ્ટિકના વપરાશ પરનો પ્રતિબંધ. નર્મદા બંધનો આક્રમક વિરોધ હોય કે ગ્લોબલ વોર્મિંગનો કકળાટ. વિશ્વભરના કહેવાતા પર્યાવરણવાદીઓ ધીમે ધીમે ઉઘાડા પડી રહ્યા છે. એમની ચાલ, એમની પોકળતા અને એમનો દંભ જાગૃત નાગરિકો સમજી રહ્યા છે. ગ્રીન પીસના નામે વિશ્વનું ડેવલપમેન્ટ રોકવા માટે ગ્રીન ટેરરિસ્ટોના ઉધામા સામે આવી રહ્યા છે. કહેવાતા પર્યાવરણવાદીઓ કયાં તો હકીકતથી વાકેફ નથી ક્યાં તો જાણી જોઈને વાસ્તવિકતાને ચાતરી રહ્યા છે.
મુંબઈને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, સામાન્ય મુંબઈગરાની દરરોજની યાતનામાં ભારે ઘટાડો કરી શકે એમ છે. મુંબઈના આરે કોલોની વિસ્તારમાંથી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પસાર થતો હોવાથી કેટલાંક વૃક્ષોને કાપવાં પડે એમ જ હતાં. કહેવાતા પર્યાવરણવાદીઓએ ભારે ઊહાપોહ કરી હવનમાં હાડકાં નાખવા માંડ્યા. સરકાર છેવટ સુધી નહીં ઝૂકી. છેવટે હાઇકોર્ટમાંથી ગ્રીન સિગ્નલ મળતાં જ રાતોરાત સ્ટેશન માટે જોઈતાં વૃક્ષો કાપવામાં આવ્યાં. દિલ્હી મેટ્રો પ્રોજેક્ટ પછી થયેલા અભ્યાસમાં ખબર પડી હતી કે મેટ્રો ટ્રેનના આગમન પછી દિલ્હીના પર્યાવરણમાં ઘણો મોટો સુધારો નોંધાયો હતો. આ જ બાબત મુંબઈને પણ લાગુ પડે એમ છે, પરંતુ ક્યાં તો દેખાદેખીથી ક્યાં તો પ્રસિદ્ધિ માટે ક્યાં તો અંગત સ્વાર્થ માટે જે સેલિબ્રિટીઓ વૃક્ષછેદનનો વિરોધ કરી રહી હતી એમને યોગ્ય રીતે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા. ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે લખ્યું કે, શું આપણે આપણા પોતાના દુશ્મન છીએ? આ તો ભારે કત્લેઆમ છે. કરણ જોહરની આ ટ્વીટની સામે કોઈકે લખ્યું કે, ભાઈ તું જ્યારે ફિલ્મના શૂટિંગ વખતે 24 લાખ લિટર પાણીનો બગાડ કરે છે એનું શું? અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે હું વૃક્ષછેદન વખતે મારા સાથીઓ સાથે ઊભી રહી છું. આપણે વૃક્ષ બચાવવાં જોઇએ. ટ્વિંકલને જવાબ આપતા સાહિલ નામના એક યુવકે કહ્યું કે, હે ટ્વિંકલ! તારી મોંઘીદાટ એસવીયુ વાપરવાનું બંધ કરીને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કર, પછી પર્યાવરણવાદ પર ભાષણ ઠોક. અભિનેત્રી દીયા મિર્ઝાએ લખ્યું કે, રાતોરાત 400 જેટલાં વૃક્ષનું છેદન કરાયું, આંદોલનકારીઓ એકબીજાના હાથ પકડીને વિરોધ કરતા રહ્યા, હું પ્રકૃતિને પ્રેમ કરું છું. એના જવાબમાં એક યુવતીએ લખ્યું હવે નાટક કરવાનું બંધ કર, તેં કોઈ દિવસ મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી છે? ફરહાન અખ્તરે લખ્યું, રાત્રિ દરિમયાન કરવામાં આવેલું વૃક્ષછેદન ઘૃણાસ્પદ છે. એના જવાબમાં નંદિની નામની એક યુવતીએ લખ્યું, તારી લક્ઝરી મોટર ઘરે મૂકીને ચર્ચગેટથી વિરાર સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી જો.
વિદેશમાં પણ આવા દંભીઓનો ટોટો નથી. હોલિવૂડના જાણીતા સુપરસ્ટાર લિઓનાર્ડો ધ કેપ્રિયોએ જ્યારે વિશ્વના પર્યાવરણ વિશે બૂમો પાડવાની ચાલુ કરી ત્યારે એમને જવાબ આપતા અમેરિકાના એક સ્થાનિક અખબારમાં લેખ છપાયો હતો જેનો ધ્વનિ એવો હતો કે વિશ્વના દરેક ફિલ્મ ઉદ્યોગને કારણે સૌથી વધારે પ્રદૂષણ ફેલાય છે. શૂટિંગ દરમિયાન તેઓ જાતજાતના સ્ટંટ કરતી વખતે જે પદાર્થો વાપરે છે ત્યારે અને યુદ્ધના દૃશ્યોનું ફિલ્માંકન કરતી વખતે ભારે પ્રદૂષણ ફેલાય છે. એટલે પહેલાં તો તમારા ફિલ્મ ઉદ્યોગને તાળાં લગાવી દો.
થોડા દિવસ પહેલાં યુનાઇટેડ નેશન્સના એક કાર્યક્રમમાં પોતાને પર્યાવરણની વફાદાર સૈનિક ગણાવતી 14 વર્ષની ગ્રેટા નામની કિશોરીએ ભારે નાટકો કર્યાં હતાં. ઘરેથી ગોખી લાવેલા સંવોદો બોલતી વખતે વિશ્વ આખાના પૈસાદારો અને શક્તિશાળીઓને ભાંડતાં ભાંડતાં એ રડવા માંડી હતી. વિદેશમાં પણ ચિબાવલાંઓની કમી નથી. કેટલાકે આ ગ્રેટાને લગભગ હિરોઇન બનાવી દીધી, પરંતુ ત્યાંના જ કેટલાક બુદ્ધિશાળીઓએ એનો ભાંડો ફોડતાં લખ્યું કે આ બોગસ કિશોરી 140 કરોડ ડોલરની યેચમાં બેસીને અમેરિકા આવી છે. કાર્બન ફાઇબર ઉત્પન કરતા આ યેચમાં મુસાફરી કરતી વખતે ગ્રેટાને પર્યાવરણની યાદ ન આવી? કેટલાકે એવી તસવીરો પ્રકાશિત કરી કે, જે ટ્રેનમાં ગ્રેટા ટ્રાવેલ કરી રહી હતી ત્યારે એના જમવાના દરેક ડબ્બાઓ પ્લાસ્ટિકમાંથી બનાવેલા હતા. કેટલાકે એવો સવાલ પૂછ્યો કે શું સાંટીયોગો જવા માટે ગ્રેટા હવે ચાલીને જશે?
આજકાલ ઘણા દેશોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની નવી વાતો ચગાવવામાં આવી રહી છે. કેટલાક અતિ ઉત્સાહી એવું માને છે કે પ્લાસ્ટિકની ચીજવસ્તુને બદલે જે વસ્તુઓ વપરાશે એનાથી પર્યાવરણમાં સુધારો થશે. આ આખી થિયરી હંબગ છે. પ્લાસ્ટિકની અવેજીમાં લાકડાં કે કાગળની વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે. લાકડાં અને કાગળની ચીજવસ્તુઓ બનાવવા માટે કેટલાં વૃક્ષોને કાપવાં પડશે એનો અંદાજ કોઈએ લગાડ્યો નથી, પરંતુ એક ધારણા પ્રમાણે પ્લાસ્ટિકની અવેજીમાં જે ચીજવસ્તુઓ વપરાશે એનાથી પર્યાવરમાં સુધારો થવાને બદલે બગાડો થવાની શક્યતા વધુ છે. આપણો મોટામાં મોટો દંભ એ છે કે એક તરફ જે ચળવળિયાઓ કે ન્યાયાધીશો પ્લાસ્ટિકના વપરાશ સામે વાંધો નોંધાવે છે તેઓ જે કાગળ પર આ વાંધો ઉતારે છે એનું લખાણ જે રિફિલ દ્વારા થયું હોય છે એ પણ પ્લાસ્ટિકમાંથી જ બનેલી હોય છે. ગરીબ અથવા નીચલા મધ્યમવર્ગની વ્યક્તિઓને પ્લાસ્ટિકની અવેજીમાં વાપરવામાં આવનાર વસ્તુઓ કેટલી પોસાશે એ તો રામ જ જાણે. ટોમ કુલમેન નામના લેખકે લખ્યું છે કે : ‘દંભી પર્યાવરણવાદીઓ સામે મારો આક્ષેપ છે કે, આપણને તેઓ કાર્બનથી ફેલાતા પ્રદૂષણના નુકસાન વિશે ભાષણ આપે છે અને પોતે વિમાન મારફતે આખા વિશ્વમાં ઊડાઊડ કરે છે. તેઓ આપણી પ્લાસ્ટિકની કોથળી સામે ઘૃણાથી જોઇ રહે છે, પરંતુ દર વર્ષે નવો આઇફોન ખરીદવામાં એમને કોઈ છોછ નથી. પર્યાવરણના બચાવ બાબતે તમે જેટલા તમાશા કરો છો એને કારણે પર્યાવરણ વધુ બગડે છે.’ આ વક્રતાને સમજવા માટે એક સાદો દાખલો જોઈએ. જે વ્યક્તિ અથવા દેશ ગરીબ અવસ્થામાં હોય છે તેઓ વૈશ્વિક મુદ્દાઓ કરતાં પોતે કઈ રીતે સર્વાઇવ થશે એની ચિંતા વધુ હોય છે. આવી વ્યક્તિ કે દેશને જો વીજળી કે ચોખ્ખી હવામાંથી પસંદગી કરવાનું કહેવામાં આવશે તો તેઓ ચોક્કસ વીજળી પર પોતાની પસંદગી ઉતારશે.
ટોમ કુલમેન જેવા લેખકનું માનવું છે કે પર્યાવરણ બચાવ આંદોલન ભરેલા પેટના લોકો જ કરે છે અને અહીંથી જ પર્યાવરણના નામે રાજકારણની શરૂઆત થાય છે.
આપણા દેશમાં તો પર્યાવરણ બચાવ આંદોલનો પાછળ પણ ઘણી ગણતરીઓ હોય છે. જ્યારે દિવાળીનો તહેવાર આવે અને ફટાકડા ફોડવાના ઉત્સાહની વાત હોય ત્યારે જ આખું વર્ષ સૂતેલા પર્યાવરણચિંતકો ઊભા થાય છે અને પોતાનાં દસ-બાર વર્ષનાં બાળકોનો હાથા તરીકે ઉપયોગ કરી કોર્ટોમાં અરજીઓ કરાવે છે. એ જ રીતે હોળીના સમયે પાણીના વ્યય વિશે પર્યાવરણવાદીઓ ભાષણ આપવા માંડે છે, પરંતુ આ લોકો જ બાથરૂમના શાવરમાં અડધો કલાક ઊભા રહીને નહાતા રહી કેટલો પાણીનો વ્યય કરતા હશે એ તો એમને જ પૂછવું પડે.
ગ્લોબલ વોર્મિંગ વિશે પણ આ જ રીતે ઘણી બધી ગેરમાહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. જે વિશે આપણે ભવિષ્યમાં જોઈશું.
[email protected]
X
article by vikramvakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી