ઈધર-ઉધર- વિક્રમ વકીલ / ભાજપના બળવાખોરો ક્યાં છે?

article by vikram vakil

Divyabhaskar.com

Aug 05, 2019, 06:41 PM IST

ઈધર-ઉધર- વિક્રમ વકીલ
લોકસભાની ચૂંટણી પહેલાંના થોડા મહિનાઓ સુધી સતત ચર્ચામાં રહેલા ભાજપના બળવાખોરો આજકાલ ક્યાં છે અને શું કરે છે એની ખબર બહુ ઓછાને છે. પટણાસાહિબથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા શત્રુઘ્ન સિંહા ચૂંટણી પછી દિલ્હીમાં દેખાયા નથી. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદના હાથે ખરાબ રીતે હારેલા શત્રુઘ્ન સિંહા બીજા ભાજપના બળવાખોર યશવંત સિંહાના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં પહેલી વખત દેખાયા ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. લોકસભાની ચૂંટણી પછી પોતાના પ્રતિસ્પર્ધીને અંગત રીતે શુભેચ્છા આપવાના બદલે શત્રુઘ્ન સિંહાએ ફક્ત ટ્વીટ કરીને રવિશંકર પ્રસાદને અભિનંદન આપ્યાં હતાં. ચૂંટણીની હાર પછી તેઓ હવે નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર, રવિશંકર પ્રસાદને કૌટુંબિક મિત્ર અને અમિત શાહને માસ્ટર સ્ટ્રેટજિસ્ટ ગણાવી રહ્યા છે. પટણાની ચૂંટણીના પ્રચાર વખતે રવિશંકર પ્રસાદ અને એમનાં પત્ની સવારે 6.00 વાગ્યાથી ચૂંટણીપ્રચારમાં લાગી જતાં હતાં ત્યારે શત્રુઘ્ન સિંહા એમની હોટલ પરથી બપોરનું લંચ લઇને આરામથી નીકળતા હતા. યશવંત સિંહા અને શત્રુઘ્નના બીજા મિત્ર અરુણ શૌરી પણ આજકાલ સમાચારમાં નથી. એમ લાગે છે કે ચૂંટણીમાં મળેલી ખરાબ હાર હજી સુધી આ ત્રણે પચાવી શક્યાં નથી.
ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખના નામ અંગેની દ્વિધા
ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રમુખ સ્વતંત્રદેવ સિંહના ભૂતકાળની એક વિચિત્ર હકીકત બહાર આવી છે. સ્વતંત્રસિંહ ભાજપમાં જોડાયા તે પહેલાં એમનું નામ કોંગ્રેસસિંહ હતું. ભાજપમાં જોડાયા પછી એમણે તાત્કાલિક ધોરણે નામ બદલીને સ્વતંત્રસિંહ કરી નાખ્યું. જોકે, ઉત્તર પ્રદેશમાં મૂળ કોંગ્રેસ ગોત્ર ધરાવતા હોય એવા ભાજપના નેતાઓની કમી નથી. લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર સિદ્ધાર્થનાથસિંહ, હેમવંતીનંદન બહુગુણાનાં પુત્રી રીટા બહુગુણા જોષી, બંને ભાજપના ઉચ્ચ હોદ્દા પર છે.
સાવધાન દૂધ તમારા માટે હાનિકારક છે!
ફિઝિશિયન કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસિનના પ્રેસિડેન્ટ ડો. નીલ બર્નાડ કહે છે કે દૂધ શરીર માટે સારું નથી! કેવી રીતે? ગાયના દૂધમાં માતાના દૂધ કરતાં ત્રણ ગણું પ્રોટીન અને 50 ટકાથીય વધારે ચરબી હોય છે, જે બાળકના નાજુક પાચનતંત્રને ભારે પડે છે. તેઓ તો કહે છે કે બાળકને બહારના દૂધની જરૂર જ નથી. દૂધનું સેવન યુવાનોમાં હૃદયની બીમારીઓ પેદા કરે છે. દૂધમાં કેલ્શિયમનું વધુ પ્રમાણ હોવાના લીધે હાડકાં પોતાનો મૂળ ગુણધર્મ ખોઈ બેસે છે તેથી ઓસ્ટિઓપાેરોસિસ જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે. આર્થરાઇટિસ માટે પણ દૂધ જવાબદાર બની શકે છે.
માનવ હાડપિંજરોથી શણગારાયેલું ચર્ચ
ખોપડી કે હાડપિંજર જોતાં જ આપણને મોત સાંભરી આવે છે. ચેકોસ્લોવાકિયામાં એક એવું ચર્ચ છે જ્યાં ચારે બાજુ માનવહાડકાં અને ખોપડીઓના હારનું ડેકોરેશન નજરે પડે છે. ચેકોસ્લોવાકિયાના એક નાનકડા નગર કુત્ના હોરામાં ઓસ્સુઆરી ચર્ચ નામનું ખ્રિસ્તી દેવળ આવેલું છે. આ ચર્ચને 13મી સદીના પ્લેગમાં આ વિસ્તારમાં માર્યા ગયેલા 40 હજાર માણસોનાં હાડકાં અને ખોપડીથી શણગારાયું છે. ઝુમ્મરથી પવિત્ર ક્રોસ સુધીની દરેક વસ્તુમાં હાડકાં અને ખોપડી ગોઠવાઈ છે. સવાલ એ છે કે આવા ‘ખતરનાક’ ચર્ચમાં લગ્ન કરનાર યુગલની સુહાગરાત કેવી વીતતી હશે?
કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો રોલરકોસ્ટરમાં બેસો
બંધ કોષથી છૂટવા ઘણા સવારના દોડવા જાય છે તો કેટલાક ઘેરબેઠાં યોગાસનો કરે છે, પણ જાપાને એનો એક યાંત્રિક ઉપાય શોધી કાઢ્યો છે. જાપાનના ફયુજિક્યુ હાઇલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ડોડોન્પા રોલરકોસ્ટર ગેમ મુકાઈ છે. આ રોલરકોસ્ટર દુનિયામાં સૌથી તેજ હોવાનું મનાય છે. પહેલી બે જ સેંકડમાં રોલરકોસ્ટર 106 કિમી.ની ઝડપ પકડી લે છે. એમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓનો એવો દાવો છે કે ડોડોન્પા રોલરકોસ્ટરમાં બેસનાર વ્યક્તિને કબજિયાતમાંથી છુટકારો મળી જાય છે. ટૂંકમાં, તમે રોલરકોસ્ટરમાં બેસીને રાઇડની મજા માણી શકો અને પેટની ગરબડમાંથી મુક્તિ પણ મેળવી શકો.
[email protected]fmail.com

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી