ઈધર-ઉધર / PM મોદીએ વર્ણવેલી ‘ખાન માર્કેટ ગેંગ’ એટલે કઈ ગેંગ?

article by vikram vakil

વિક્રમ વકીલ

May 27, 2019, 06:52 PM IST

ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એમના વિરોધી એક વર્ગ માટે ‘ખાન માર્કેટ ગેંગ’ શબ્દપ્રયોગ કર્યો હતો. દિલ્હીથી ખાસ માહિતગાર નહીં હોય એવાએ આ શબ્દપ્રયોગ પ્રથમ વખત જ સાંભળ્યો હતો. દિલ્હીના એક અતિ સમૃદ્ધ, ચિબાવલા અને કહેવાતા આધુનિક વર્ગ માટે છેલ્લા કેટલાક સમયથી ‘લ્યુટિયન્સ...’ શબ્દ પ્રચલિત બન્યો હતો. આ વર્ગ સતત મોદી-ભાજપનો વિરોધી રહ્યો છે. હોશિયાર મોદી સમજી ગયા કે રાષ્ટ્રીય સ્તરે એમના ચાહકો, ‘લ્યુટિયન્સ...’ કરતાં ‘ખાન માર્કેટ ગેંગ’ શબ્દપ્રયોગ સાથે વધુ આત્મીયતા ફીલ કરશે! બાય ધ વે, દિલ્હીમાં આવેલી ખાન માર્કેટ ત્યાંના સુપર રિચ માટે ખરીદી કરવાનું અને ત્યાંની રેસ્ટોરાંમાં ખાવા માટેનું માનીતું સ્થળ છે. અહીં 5 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં મળે છે. રાહુલ ગાંધીથી માંડીને મુરલી દેવરા જેવા રાજકારણીઓ અને સ્યૂડો પત્રકારો અહીંની રેસ્ટોરાંમાં ભોજન લેવા આવે છે. સૌથી પહેલાં અરુણ જેટલીએ કટાક્ષમાં આ ટોળકી માટે ‘ખાન માર્કેટ ગેંગ’ શબ્દપ્રયોગ કર્યો હતો, જેને મોદીએ રાષ્ટ્રીયસ્તરે જાણીતો બનાવી દીધો!
પ્રિયંકાએ મેનકાને નારાજ કર્યાં?
ઉત્તર ભારતમાં સામાન્ય રીતે ચૂંટણીપ્રચાર કરવાનો હોય ત્યારે મેનકા ગાંધી પોતાના કોંગ્રેસી કુટુંબ સામે પ્રચાર કરવાનું ટાળે છે. મતલબ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના મત વિસ્તારો, રાયબરેલી કે અમેઠીમાં મેનકા ગાંધી કદી કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરતાં નથી. જોકે, છેલ્લી ચૂંટણી દરમિયાન સુલતાનપુર બેઠક પરથી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર સંજય સિંહ માટે પ્રચાર કરવા પ્રિયંકા ઊતર્યાં એનાથી મેનકા ગાંધી નારાજ થયાં હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં ક્યારે પણ સોનિયા કે રાહુલ ગાંધીએ મેનકા કે વરુણ ગાંધી સામે પ્રચાર કર્યો નહોતો. સુલતાનપુરમાં પ્રચાર દરમિયાન કાકી મેનકા ગાંધી અને ભત્રીજી પ્રિયંકા વાડ્રા ગાંધી સામસામે થઈ ગયાં ત્યારે ફક્ત સ્મિતની આપ-લે કરી હતી. પ્રિયંકાએ સુલતાનપુરમાં કરેલા પ્રચારને કારણે મેનકા ગાંધી નારાજ થયાં જ હશે, પરંતુ તેઓ પોતાની નારાજગી હવે કઈ રીતે વ્યક્ત કરે છે, તે જોવું રહ્યું.
પીઠદર્દ થવાનું કારણ ‘સ્લીપ ડિસ્ક’ શું છે?
‘સ્લીપ ડિસ્ક’ શબ્દો વિશે ખુલાસો કરવાની જરૂર છે કે વાસ્તવમાં મણકો ખસવાથી નહીં, પણ ડિસ્ક ખસવાથી કે તૂટવાથી પીઠદર્દ ઊપડે છે. કરોડરજ્જુને કારણે આપણે ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ અને બેસી શકીએ છીએ. આ કરોડરજ્જુ 24 મણકાની બનેલી હોય છે. મણકાની આ હારમાળા એક પોચી ગાદી સાથે પટ્ટા જેવા આકારમાં જોડાયેલી હોય છે. આ ગાદીને જ ડિસ્ક કહે છે. તે રબર કે જેલી જેવા તત્ત્વની બનેલી હોય છે તેથી ઇલાસ્ટિક જેવું કામ કરે છે, તેને કારણે કરોડરજ્જુ લાંબી થાય છે.
અશ્વનું શિલ્પ શા માટે ‘સેન્સર’ થયું?
શિલ્પ ક્યારેક શરમની બાબત પણ બની શકે છે. સિસિલીમાં એવું જ બન્યું. થયું એવું કે સિસિલીના કેટાનિયા શહેરમાં વર્જિન મેરીની એક સ્થાનિક મૂર્તિનું ધાર્મિક સરઘસ નીકળવાનું હતું. સરઘસના માર્ગમાં અશ્વનું કાંસાનું શિલ્પ આવતું હતું. શિલ્પ જોઈને સરઘસમાં જોડાયેલી મહિલાઓ માટે શરમજનક મૂંઝવણ ઊભી ન થાય એ માટે સુધરાઈના સત્તાવાળાઓએ અશ્વના પ્રાઇવેટ પાર્ટ્સ પર એક મોટી લોખંડની પટ્ટી મારી દીધી હતી. સરઘસ પછી પટ્ટી કાઢી લીધી ને શિલ્પ ફરી એના મૂળ સ્વરૂપમાં આવી ગયું.
લંડનની એક રેસ્ટોરાં ચીની રેસ્ટોરાંથી જરા પણ ઊતરતી નથી!
થોડા વર્ષ પહેલાં લંડનમાં એક્સમાઉથ માર્કેટમાં એડીબલ નામની એક રેસ્ટોરાં શરૂ થઈ હતી. તેના મેનુની યાદી જોઇને તમ્મર આવી જાય. બહુ બહુ તો આ રેસ્ટરાંમાં ઉંદર અને ડુક્કર મળતાં હશે એવી કોઈના મનમાં કલ્પના આવે તો તે કલ્પના ખૂબ સાદી છે. આ ‘એડીબલ’ (એટલે કે ‘ખાઈ શકાય તેવા પદાર્થો’) નામની રેસ્ટોરાંમાં તમામ જીવજંતુઓ ખાવાલાયક ચીજ ગણાય છે. રેસ્ટોરાંમાં જઇને ગ્રાહક કંસારીઓ, ભૂંજેલો કોબ્રા સાપ, પિરાન્હા નામની ઝેરી માછલી અને જાતજાતનાં જીવજંતુઓ જેવાં કે વંદા, તીતીઘોડા, વાણિયા કે અળસિયામાંથી બનાવેલી વાનગીઓની પસંદગી કરી શકે છે. ચીનમાં આવી રેસ્ટોરાં હોવી સ્વાભાવિક છે, પરંતુ લંડનની આ રેસ્ટોરાં ચીની રેસ્ટોરાંથી જરાપણ ઊતરતી નથી, એટલું જ નહિ, ટક્કર મારે એવી છે.
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી