રામાયણ કથા - પં. વિજયશંકર મહેતા / સંઘર્ષ એ સફળતાનું ચોથું સૂત્ર છે

article by vijayshankermehta

Divyabhaskar.com

Jul 12, 2019, 07:12 PM IST

- રામાયણ કથા - પં. વિજયશંકર મહેતા
મુઠ્ઠીનો પ્રહાર થતાં જ લંકિનીએ હનુમાનજીને પ્રણામ કર્યાં. તેણે ધન્યતા અનુભવતાં કહ્યું, ‘મહારાજ, આજે તો મારા જેવી રાંક પર તમે ખૂબ કૃપા કરી. લંકામાં પધારો.’ હનુમાનજીના સ્વાગતમાં લંકિનીના મોંએથી એવા શબ્દો સરી પડ્યા કે તે ચોપાઇના રૂપે મંત્ર બની ગયા:
પ્રબિસિ નગર કીજે સબ કાજા,
હૃદયઁ રાખી કોસલપુર રાજા.
હે વાનરરાજ, તમે ભગવાન કૌશલેન્દ્ર સરકારને તમારા હૃદયમાં રાખીને લંકાનગરીમાં પ્રવેશો અને તમારા તમામ કામ પાર પાડો. ખરેખર જ્યારે કોઇ સારા કામની શરૂઆત કરો કે કોઇ મોટા હેતુને સિદ્ધ કરવા માટે ઘરની બહાર નીકળો ત્યારે અથવા તો ક્યાંય પણ પગ મૂકો ત્યારે મનમાં આ ચોપાઇ અચૂક બોલવી જોઇએ. જ્યારે તમે ભગવાન શ્રીરામને હૃદયમાં રાખીને ક્યાંય પ્રવેશો તો શું થાય?
‘ગરલ સુધા રિપુ કરહિં મિતાઇ,
ગોપદ સિંધુ અનલ સિતલાઇ.
ગરલ એટલે કે ઝેર. અર્થાત્ જે ઝેર હશે તે અમૃત બની જશે. દુશ્મન તમારો મિત્ર બની જશે. પહાડ જેટલી મોટી સમસ્યા ગાયના પગની ખરી જેટલી નાની બની જશે. જે બળતરા, દાહ હશે તે શીતળ બની જશે.જુઓ, રામચરિત માનસનો મહિમા! એક ચોપાઇનું રટણ કરવાથી કેટલો લાભ મ‌ળી શકે છે? તેથી આ ચોપાઇનું અવશ્ય રટણ કરવું. ભગવાનને હંમેશાં હૃદયમાં રાખવા. લંકામાં પગ મૂકતાવેંત હનુમાનજીનો સંઘર્ષ ચાલુ થઇ ગયો. સક્રિયતા, સજાગતા અને સક્ષમતા પછી હવે સફળતાનું ચોથું સૂત્ર સંઘર્ષ શરૂ થાય છે. લંકિનીને મુક્કો માર્યા પછી હનુમાનજીનો સંઘર્ષ પતી ગયો એવું નથી. સીતાજીની ભાળ તેમને સહેલાઇથી મળતી નહોતી. સીતાજીની શોધથી માંડીને રાવણની સામે ભગવાન શ્રીરામનો પ્રભાવ જમાવવા સુધી તેમને લંકામાં ડગલે ને પગલે સંઘર્ષ કરવો પડ્યો હતો. હનુમાનજી કહે છે, ‘સફળતા આપોઆપ નથી મળી જતી. તેના માટે સંઘર્ષ તો કરવો જ પડે. આભને આંબીને તારા તોડી લાવવા પડે. તેનાથી ઓછું કંઇ ન ચાલે. કાંકરા, પથ્થરની શોધ કરીએ તો હાથ કીચડમાં જ રહે અને તારા તોડી લાવવાના હોય તો હાથ આભની ઊંચાઇને પહોંચવા માટેનો પ્રયત્ન કરવો પડે.
આવો પ્રયત્ન કરવાથી હાથમાં તારા આવે કે ન આવે પણ તેની ચમક જરૂર અનુભવી શકાય.
હવે પછી આપણે હનુમાનજીને કેવો કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો એના વિશે વિગતવાર વાત કરીશું.
સાર: સક્રિયતા, સજાગતા અને સક્ષમતા પછી હવે સફળતાનું ચોથું સૂત્ર સંઘર્ષ શરૂ થાય છે. સંઘર્ષ વગર જીવનમાં સફળતા કદી મ‌ળી શકતી નથી.

X
article by vijayshankermehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી