રામાયણ કથા / તન સક્રિય અને મન આરામની સ્થિતિમાં હોય...

article by vijayshankar mehta

Divyabhaskar.com

Jun 06, 2019, 06:27 PM IST

હનુમાનજીએ જામવંતની શિખામણ માથે ચડાવીને કહ્યું, ‘હું તમને કંઇ કહેવા માગું છું. તમે મને યોગ્ય સલાહ આપો. હનુમાનજી મનોવિજ્ઞાનની વાત જાણતા હતા કે ઘણી વાર વડીલો-વૃદ્ધો સલાહસૂચન કરતી વખતે પોતાના જમાનાની વાત કરવા લાગે છે. દેશ, કાળ, પરિસ્થિતિ બદલાઇ ગઇ હોવાથી હનુમાનજીને થયું કે જામવંતજી એમના જમાનાની વાત ન કરે તો સારું. એટલા માટે તેઓ સજાગ થઇ ગયા અને ‘યોગ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો. જામવંતજીએ તેમને રાવણ પાસે જઇને યુદ્ધ ન કરવાની સલાહ આપી. બસ, તારે ફક્ત ભગવાન શ્રીરામનો સંદેશ આપવાનો છે અને તેમનો સ્વભાવ અને પ્રભાવ જમાવીને પાછા ફરવાનું છે.
જામવંતજીની સલાહને માથે ચડાવીને હનુમાનજી બધાને પગે લાગ્યા. અહીં તમે જુઓ કે જામવંતજીને બાદ કરતાં બધા જ વાનરો હનુમાનજી કરતાં નાનાં હતાં તેમ છતાં હનુમાનજી બધાને પગે લાગ્યા. અહીં હનુમાનજીનું ચરિત્ર આપણને સંદેશો આપે છે કે જ્યારે કોઇ મોટા લક્ષ્ય માટે યાત્રાએ જઇએ ત્યારે આપણી સૌથી મોટી તાકાત વિનમ્રતા હોવી જોઇએ. બધાને પગે લાગવાનો અર્થ વિનમ્ર બનવું એવો થાય છે. જેટલા નમશો એટલા બધાને ગમશો. વૃક્ષ પર ફળ બેસે ત્યારે તે જમીન તરફ ઝૂકી જતું હોય છે. જેટલું નમશો એટલા જ વધારે ઉપર ઊંચે સુધી જશો અને સફળ બની શકશો.
હનુમાનજીએ ભગવાનને હૃદયમાં રાખ્યા અને બધાને સફળ થઇને પાછા ફરવાની ખાતરી આપતા જીવનના સૌથી મોટા અભિયાનને પાર પાડવા માટે હસતા મોઢે વિદાય લીધી. સમુદ્રની નજીક આ‌વેલા નાનકડા સુંદર પર્વત પર ઊભા રહી ગયા અને લંકા સુધી પહોંચવા માટે વિરાટ કૂદકો માર્યો. હનુમાનજી શીખવે છે કે જ્યારે લાંબો કૂદકો મારવાનો હોય ત્યારે તમારો આધાર મજબૂત હોવો જોઇએ. મનુષ્યનો સૌથી સારો આધાર એનું બાળપણ હોય છે. જેના બાળપણનો આધાર મજબૂત હોય તે જીવનમાં વિરાટ કૂદકાઓ સહેલાઇથી અને સરળ રીતે મારી શકશે. તમારી યોજના, તમારું હોમર્વક, અગાઉ લીધેલો નિર્ણય એ બધું મજબૂત હોવું જોઇએ.
હનુમાનજીની દૃષ્ટિએ સક્રિયતાનો અર્થ એવો થાય છે કે તનથી સક્રિય રહેવું અને મનથી આરામ કરવો. આપણી સાથે આનાથી તદ્દન વિપરીત બનતું હોય છે. જેટલું તન સક્રિય હોય છે તેનાથી અનેકગણું વધારે આપણું મન સક્રિય રહેતું હોય છે. આપણે જેટલો શારીરિક શ્રમ નથી કરતા એટલો વધારે માનસિક શ્રમ કરીએ છીએ. ઓફિસમાં બેસીને ભલે તમે કોઇને મળવા ન ગયા હો, પણ મન કેટલાયને મળાવીને નવી નવી મૂંઝવણોમાં નાખી દે છે. એટલા માટે હનુમાનજી કહે છે કે તન સક્રિય અને મન આરામની સ્થિતિમાં હોવું જોઇએ. મનને આરામની સ્થિતિમાં રાખવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન છે.
સાર: જ્યારે કોઇ મોટા લક્ષ્ય માટે યાત્રાએ જઇએ ત્યારે આપણી સૌથી મોટી તાકાત વિનમ્રતા હોવી જોઇએ. જેટલું નમશો એટલા જ સફળ બનશો.

X
article by vijayshankar mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી