રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા / રામનામનો મહામંત્ર રંકમાંથી રાજા બનાવે છે

article by vijay shanker mehta

Divyabhaskar.com

Jul 18, 2019, 12:49 PM IST

રામાયણ કથા- પં. વિજયશંકર મહેતા
સીતાજીની ભાળ મેળવવા માટે આખી લંકામાં હનુમાનજીને આમતેમ ભટકવું પડ્યું. તેમણે દરેક ઘરમાં જઇને જોયું. મોટાં મકાનોમાં જઇને તાગ મેળવ્યો. સ્ત્રીઓ બહુ દેખાઇ પણ તેમણે આ અગાઉ કદી સીતાજીને જોયાં નહોતાંં તો તેમને ઓળખે કેવી રીતે? તેઓ હેરાન પરેશાન થઇ ગયા. તેઓ રામકાજ પરા પાડવા નીકળ્યા હતા. એટલે કોઇ રસ્તો નીકળવાનો જ હતો. તેમણે ભગવાનનું સ્મરણ કર્યું. એક મકાનની પાસે જઇને જોયું તો ત્યાં તેમણે ભગવાનનું મંદિર બનેલું જોયું. હનુમાનજી ચોંકી ગયા. આવું કેવી રીતે બને? લંકામાં ભગવાનનું સ્થાનક? એ વખતે ત્યાંથી અવાજ સંભળાયો, ‘રામ... રામ...!’ હનુમાનજીને ભારે નવાઇ લાગી. એ ઘર રાવણના ભાઇ વિભીષણનું હતું. વિભીષણની આંખ ઊઘડી એટલે તે રામ... રામ...નું રટણ કરતા હતા. રામનું નામ સાંભળીને હનુમાનજી પ્રસન્ન થઇ ગયા. એક અજાણી વ્યક્તિના મોંમાંથી રામનામ સાંભળીને હનુમાનજીને થયું કે નક્કી વાત કંઇક જુદી જ છે. હવે શું કરવું? તેઓ વિચારમાં પડી ગયા. આ મકાન કોનું છે? આમાં કોણ રહેતું હશે? એ માણસ કોણ છે? આની સાથે મિત્રતા કરવી જોઇએ. એ મને જરૂરથી દિશા બતાવી શકે એમ લાગે છે. સીતાજીની ભાળ મેળવવામાં મને મદદ કરી શકે એમ છે. હનુમાનજીને એક યુક્તિ સૂઝી. તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પહોંચી ગયા. બંને એકબીજાને પોતાનો પરિચય આપે છે. એક-બીજાને મળીને રાજી થાય છે. હનુમાનચાલીસામાં એક ચોપાઇ આવે છે-
‘તુમ્હારો મંત્ર વિભિષણ માના,
લંકેશ્વર ભયે સબ જગ જાના.’
ઘણા લોકો પૂછે છે કે હનુમાનજીએ વિભીષણને એવો કયો મંત્ર આપ્યો હતો કે તે લંકાનો રાજા બની ગયો. એવો કયો જાદુઇ મંત્ર હતો? તમે પણ એ મંત્ર જાણી, સમજી લો. તે તમને જીવનમાં બહુ ઉપયોગી થશે.
હનુમાનજીએ વિભીષણને મંત્ર (અહીં મંત્રનો અર્થ જ્ઞાન કે શિખામણ એવો થાય છે) આપ્યો હતો. વિભિષણ રામનું નામ લેતો હતો, પણ તેમનું કામ કરતો નહોતો. આવું જ તમે પણ કરો છો. બસ, આ દોષમાંથી તમારે બહાર આવવાની જરૂર છે. સવારે ઊઠતાંની સાથે રામનામનું રટણ કરીએ છીએ પણ રામનું કામ નથી કરતા. રામજીની પત્ની, આપણાં સીતામાતાને રાવણ ઉપાડીને લંકામાં લઇ આવે છે અને તમે તેનો વિરોધ નથી કરતા? ચૂપચાપ બેસીને મૂંગા મોંએ બધું જોતા રહો છો? જો રામનું નામ લેતા હો તો રામનું કામ પણ કરો.
સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે રામનામ લેતા હોય છે, પણ રામકાજ કરતા નથી. રામકાજ એટલે શું? ધર્મ, સત્ય અને ન્યાયને સાથ આપવો એ જ સૌથી મોટું રામનું કામ છે. હનુમાનજીનો આ મંત્ર વિભીષણના ગળે ઊતરી ગયો અને રામની સાથે મળાવીને એક દિવસ લંકાનો રાજા બનાવી દીધો.
સાર: જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાનનું અવશ્ય સ્મરણ કરો. તેઓ સત્ય, ન્યાય અને પરોપકારની દિશામાં ઉપાડેલા પ્રત્યેક પગલે તમારી સાથે હોય છે.

X
article by vijay shanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી