આપણી વાત- વર્ષા પાઠક / કોણ કહે છે, મતદારો સાથે ગદ્દારી થઈ?

article by varsha pathak

Divyabhaskar.com

Dec 04, 2019, 04:36 PM IST
આપણી વાત- વર્ષા પાઠક
ખરા અર્થમાં વફાદાર કોને, loyal કોને કહેવાય- અમારી એક મિત્રનું કહેવું છે કે આપણી ફિલ્મોમાં વિલનની ગેંગમાં કામ કરતા નાના-મોટા, ચિરકુટ બદમાશો એ વફાદારીની સર્વોચ્ચ મિસાલ હોય છે. કઈ રીતે? તો કહે કે ફિલ્મમાં, મોટેભાગે તો ફિલ્મના અંતમાં હજારો હાથવાળા એકલવીરની જેમ હીરો ત્રાટકે ત્યારે એની સામે પહેલાં તો મેઈન વિલન નહીં, પણ એના પાળીતા માણસો આવે. બધાય માર ખાતા હોય ત્યારે એમનો સાહેબ જાણે સુપરવાઈઝરની જેમ નિરીક્ષણ કરતો હોય, કાં તો પછી બોમ્બ કે હીરામોતી ભરેલી બેગ લઈને છટકી જવાની વેતરણમાં હોય. હાઈ એન્ડ વિલન હોય તો મકાનની છત પર એનું હેલિકોપ્ટર રાહ જોતું હોય. બોસ ભાગી જશે ને પોતાના હાથમાં કંઈ નહીં આવે, એ જાણ્યા પછી યે ગેંગના વફાદાર મેમ્બર્સ પોતે ભાંગીતૂટીને ભફ્ફ થઇ જાય ત્યાં સુધી લડતા રહે છે. બોસ ભલે છેવટે જાન બચાવવા માટે શરણાગતિ સ્વીકારી લે, પણ એ એવું ન કરે ત્યાં સુધી એના વફાદારો માર ખાતા રહે. નિ:સ્વાર્થ વફાદારીનું આવું ઉદાહરણ બીજે ક્યાં જોવા મળે?
મિત્રની વાત સાથે અત્યાર સુધી હું સહમત હતી, પણ હમણાં ભાન થયું કે ફિલ્મોના એ સામ્બા, કાલિયા કે મોના કરતાં યે વફાદારીની કોમ્પિટિશનમાં જબરદસ્ત માર્જિનથી જીતી જાય એ છે રાજકીય પક્ષોના નાના ગણાતા વર્કર્સ અને વોટર્સ. આ એવા લોકો છે જેમના માટે એમના લીડર કહે એ આખરી શબ્દ અને જોવાનું એ કે ઘણીવાર તો એમને આ વફાદારીનું કોઈ ઇનામ પણ નથી મળતું, ઊલટું છેલ્લી ઘડીએ એમના કર્યા કારવ્યા પર નેતાજી પાણી ફેરવી દે છે, પણ આ વફાદારો ધૂળમાં પડ્યાપડ્યાયે બોસનો જયજયકાર કરતા રહે છે. હમણાંની જ વાત કરીએ. મુંબઈમાં બેઠાં-બેઠાં ન્યૂઝપેપરમાં રાજકોટના સમાચાર વાંચ્યા. એમાં લખ્યાનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ખુરશી સંભાળી એની ખુશીમાં રાજકોટમાં રહેતા મૂળ મહારાષ્ટ્રીયન યુવાનોએ ફટાકડા ફોડવાનું નક્કી કર્યું. એમના કમનસીબે કેમ્પમાંથી વાત લીક થઇ ગઈ. હજી તો દસ્તાથી એક ચાંદલિયોયે ફોડે એ પહેલાં એમના ફોન પર બોમ્બબ્લાસ્ટ થયો. ઉદ્ધવ ઠાકરેના સત્તાગ્રહણથી જે સહુથી વધુ દાઝ્યા છે, એ ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર મુકેશ રાદડિયાએ ફોન કરીને કહ્યું કે આવું ન કરાય. મુકેશ રાદડિયાના કહેવાનુસાર એમણે સામેવાળાને કોઈ ધમકી નહોતી આપી, માત્ર ‘સમજાવ્યા હતા’, પરંતુ ઘણા લોકો ગાલ પંપાળીને સમજાવે ત્યારે સમજી લેવામાં શાણપણ હોય છે, કારણ કે ન સમજીએ તો પછી એ જ ગાલ પર સણસણતો તમાચો પડે. ફટાકડા ફોડવાનો કાર્યક્રમ સુરસુરિયું થઇ ગયો. રિપોર્ટના અંતે જોકે એવું વાંચ્યું કે આવું કરવા માટે કદાચ મુકેશ રાદડિયાને એના જ પક્ષ તરફથી ઠપકો મળશે.
મતલબ અંતે તો બંને પક્ષના વર્કર્સને વફાદારી દાખવવાનું ભારે પડ્યું. પહેલાં તો રાજકોટવાસી મરાઠી યુવાનોની વાત કરીએ. એમાંથી કેટલા જણ મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં વોટ આપવા ગયા હશે? અને ધારો કે માદરેવતન પહોંચીને શિવસેનાને વોટ આપ્યો હોય તોયે શક્ય છે કે એ વોટ કદાચ અડધો કે આખો ભાજપને મળ્યો હશે, કારણ કે ચૂંટણી વખતે શિવસેના-ભાજપની અતૂટ કહેવાયેલી યુતિ હતી. હવે એ નિર્વિવાદ છે કે સેના-ભાજપને વોટ આપનારને સોનિયા ગાંધીની કોંગ્રેસ અને એની સાથે વર્ષો પહેલાં છેડો ફાડી નાખનાર શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ સામે સખત વાંધો હશે. એમણે વોટ નહીં આપ્યો હોય તોયે ખુલ્લમખુલ્લા કે ખાનગીમાં બંને કોંગ્રેસને ગાળો તો જરૂર આપી હશે, પરંતુ અંતે ભાજપને લાત મારીને, બે કોંગ્રેસનો સાથ લઈને શિવસેના પ્રમુખ મુખ્યમંત્રી બની ગયા ત્યારે પોતાનો વોટ કે અભિપ્રાય એળે ગયો એનો અફસોસ કરવાને બદલે આ યુવાનોને ફટાકડા ફોડવાનું મન થયું? હા, પોતે બેવકૂફ બન્યા પણ નેતાજી લાડવો લઇ ગયા!
કોર્પોરેટર શ્રી રાદડિયા અને એમના જેવા લોકોની વાત કરીએ તો એમની દશા પણ કંઈ બહુ સારી કહેવાય એવી નથી. ભાજપ અત્યારે સીધી કે આડકતરી રીતે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની ગુલાંટને ગદ્દારી કહે છે, પરંતુ એમના જ નેતાઓએ હમણાં શું કરેલું? શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા પણ પછી મુખ્યમંત્રીની ખુરશીમાંથી અડધો હિસ્સો, એટલે કે પાંચમાંથી અઢી વર્ષ આપવાની સાફ ના પાડી દીધી, એટલું જ નહીં, જેને ભ્રષ્ટાચાર માટે જેલમાં નાખીને ચક્કી પિસાવવાની કસમ ખાધેલી એ દાના દુશ્મન ગણાતા નેશનાલિસ્ટ કોંગ્રેસના એક મોટા લીડર અજિત પવારનો ટેકો લઈને સરકાર બનાવી નાખી. એ વખતે રાજકોટમાં રહેતા ભાજપના ટેકેદારોને ખુશી થઇ હશે? પોતે જેને ગાળો આપેલી એને જ પોતાના નેતા સાથે ફ્રેન્ડ ફ્રેન્ડ રમતા જોઈને એમને ગુસ્સો નહીં આવ્યો હોય? ત્યારે તો બહુ રાજી થયેલા, પણ સરકાર આંખ ઝપકતામાં ઊથલી પડી. ધારો કે યુતિ ટકી રહી હોત તો અઢી વર્ષ પછી સેનાના રાજતિલક વખતે ભાજપના વર્કર્સ કોઈને ફટાકડા ફોડવાની ના પાડવાના હતા? ના, આતશબાજીને સ્પોન્સર કરવાના હતા.
અહીં રાજકીય પંડિતોની જેમ વિશ્લેષણ કરવું નથી. માત્ર એક સામાન્ય નાગરિકની હેસિયતથી એટલું જ કહેવું છે કે આપણે પણ ફિલ્મોના પેલા ડોનના ગુલામો જેવા જ છીએ. ડાહ્યા ગણાતા લોકો કકળાટ કરે છે કે રાજકારણીઓએ એમના મતદારો સાથે દગો કર્યો, પણ મતદારોને ખરેખર એવું લાગે છે? લાગ્યું હોત તો ફડણવીસે એનસીપી સાથે સરકાર બનાવી અને પછી તરત એમને ધક્કો મારીને ઠાકરેએ એ જ એનસીપીના ટેકાથી સરકાર બનાવી નાખી. આ બંને પ્રસંગે હજારો, લાખો મતદારોએ જયજયકાર ન કર્યો હોત. પોતાનો અભિપ્રાય ગટરમાં ગયો એનો અફસોસ કરવાના બદલે બંને વખતે ફટાકડા ફોડનારા લોકોને ખરેખર લાગે છે કે એમનો વિજય થયેલો.
બોસે એમની સાથે બેવફાઈ કરી, જન્મજાત દુશ્મન સાથે હાથ મિલાવીને સત્તાની પેટી લઈને ઊડી ગયા એનો ગમ નહોતો. બસ, બોસ જીતી ગયા, એની ખુશી હતી અને છે. વફાદારીનું આનાથી વધુ મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે?
[email protected]
X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી