રાગ બિન્દાસ- સંજય છેલ / કાશ, કોઇ ‘પાશ’ હોત આપણી પાસે પણ!

article by sanjaychhel

Divyabhaskar.com

Sep 09, 2019, 12:08 PM IST

રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
વેઇટર સામે બિલ માટે લડવાને વિદ્રોહ ન કહેવાય(છેલવાણી)
‘શહીદ ભગતસિંહની ફાંસી અને વેલેન્ટાઇન્સ ડે બેઉ એક જ દિવસે આવે છે’ એવાં જુઠ્ઠાણાં ફેલાવીને આજકાલ લોકો ખુશ રહે છે, પણ 23 મેના રોજ ભગતસિંહની ફાંસી સાથે આઝાદ ભારતના એક ક્રાંતિકારી સાથે પણ એક સંબંધ છે, એ લોકો ક્યારે જાણશે! વાતના અંતમાં
કહીશ...
શું છે કે પંજાબી સાહિત્યની વાત નીકળે તો આપણાં કવિ-લેખકો અમૃતા પ્રીતમ ને સાહિરના પેમલા-પેમલીવાળાં કાવ્યો અને એમના પ્રણયસંબંધો વિશે લખીને લખીને ધરાઇ જાય છે, પણ આવતી કાલે 9મી સપ્ટેમ્બર, આઝાદ ભારતના ઇતિહાસમાં એવો યાદગાર દિવસ છે, જ્યારે પંજાબી ક્રાંતિકારી કવિ ‘પાશ’, 1950માં જાલંધરના ગામ તલવંડી સલેમમાં જન્મેલો, જેની કવિતાના અક્ષરે અક્ષરમાં એસિડ ટપકતો હતો :
‘मैं घास हूँ, मैं आपके हर किए-धरे पर उग आऊँगा, बम फेंक दो चाहे विश्वविद्यालय पर
बना दो होस्टल को मलबे का ढेर,
सुहागा फिरा दो भले ही हमारी झोपड़ियों पर
मेरा क्या करोगे? मैं तो घास हूँ हर चीज़ पर उग आऊँगा’
વિદ્રોહી કવિ ‘પાશ’નું મા-બાપે ‘અવતારસિંહ’ નામ પાડેલું ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એ છોકરો ખરેખર આક્રોશનો ‘અવતાર’ સાબિત થશે! ‘પાશ’ના પિતા ભારતીય સેનામાં મેજર હતા, કદીક કવિતાઓ લખતા ને એમને જોઇજોઇને 15 વર્ષનો પાશ પણ વિદ્રોહી કિતાબોમાં ખૂંપેલો રહેતો. 70ના સમયમાં દેશને દુકાળના ઓછાયાથી બચાવવા સરકારે ‘હરિત ક્રાંતિ’ નામની યોજના શરૂ કરેલી, પણ એ હરિત ક્રાંતિની પાછળ પંજાબના જમીનદારો, ઉદ્યોગપતિઓ મળીને ગરીબ ખેડૂતોના લાલ લોહીનું શોષણ કરતા. સરકાર-સિસ્ટમ આમાં આંખ આડા કાન કરતી, પણ ભગતસિંહના ફેન ‘પાશ’ની સ્વપ્નિલ આંખોમાં તો જાણે શોષણ વિરુદ્ધનાં સપનાઓની ફસલ ઊગી રહી હતી :
‘हर किसी को नहीं आते
बेजान बारूद के कणों में
सोई आग के सपने नहीं आते
बदी के लिए उठी हुई
हथेली को पसीने नहीं आते
शेल्फ़ों में पड़े
इतिहास के ग्रंथों को सपने नहीं आते सपने’
પાશે 15 વરસની ઉંમરે આવી તેજાબી કવિતાઓ લખી ને એ જ અરસામાં કમ્યૂનિસ્ટ આંદોલનમાં જોડાયા. 17 વરસની ઉંમરે પાશ, બૌદ્ધિક-સાંસ્કૃતિક કાર્યકર્તા તરીકે છવાઇને જનવાદી આંદોલનમાં જોડાઇ ગયા. રાજનીતિ, સાહિત્ય અને ફિલોસોફીના જાણકાર ‘પાશ’ પોતાની આસપાસની દરેક ઘટનાનું રાજનીતિક ચિંતન અને બિન્ધાસ્ત વિશ્લેષણ કરતા. માત્ર 18 વરસની ઉંમરે ‘પાશ’ની વિદ્રોહી રચનાઓ આખા પંજાબમાં આગની જેમ ફેલાઇ ગઇ :
सबसे ख़तरनाक वो चांद होता है
जो हर हत्याकांड के बाद
विरान हुए आंगन में चढ़ता है
लेकिन आपकी आंखों में
मिर्चों की तरह नहीं पड़ता
‘પાશ’નો યુવાનોને ઉશ્કેરતો આક્રમક અવાજ આખી સિસ્ટમને હલાવી ગયો. 19 વરસે ખોટા મર્ડર કેસમાં ફસાવીને જેલમાં નાખ્યા. ત્યાં બબ્બે વરસ સખત અત્યાચારો કરવામાં આવ્યા, પણ આવા દમનથી પાશનો અવાજ દબાવી શકાયો નહીં. પાશ વધારે મજબૂત થઇને જેલમાંથી બહાર આવ્યા. 1970માં 36 કવિતાઓવાળો પ્રથમ કવિતાસંગ્રહ ‘લૌહકથા’ પ્રગટ થયો જેમાં
પાને-પાને જાણે વિચારોના ગોળા-બારુદ છવાયેલા હતા. 1972માં પાશને લેખન-પ્રવચન માટે વિદ્યાર્થી આંદોલનમાં પકડવામાં
આવ્યા, પછી તો 1974માં રેલમજૂરોની હડતાલ દરમ્યાન અને ઇમરજન્સી કાળમાં પણ ‘પાશ’ને જેલમાં ગોંધી રાખવામાં આવ્યા.
ઇન્ટરવલ :
જુદી-જુદી હોય છે– ભાષણોની ભાષા
પણ રોતી કકળતી માવડીઓ ને બેનડીઓની ભાષા એક જ હોય છે
(‘પાશ’/અનુ. હિરેન ગાંધી)
ગુજરાતીના મૃદુ-મૃદુ કવિઓએ પાશની, કડવી કવિતાઓ, ફોર એ ચેઇન્જ, પણ ચાખવી જોઇએ, કારણ કે કવિતામાં ગુસ્સો શું ચીજ છે એ હવે ભુલાવા માંડ્યું છે. પાશ, દરેક જાતની ગુલામીની વિરુદ્ધ લડીને આઝાદ જિંદગી મેળવવા ઉશ્કેરે છે અને સૌથી મોટી વાત તો ‘સપનાઓને મરવા ન દેવાં’ પ્રેરિત કરે છે:
‘सबसे ख़तरनाक होता है मुर्दा शांति से भर जाना
तड़प का न होना
सब कुछ सहन कर जाना
घर से निकलना काम पर
और काम से लौटकर घर आना
सबसे ख़तरनाक होता है
हमारे सपनों का मर जाना’
‘પાશ’ સરકાર અને સમાજ બેઉ સામે લડતા. 1971માં જેલમાંથી છૂટ્યા બાદ એમણે પોતાના ગામમાં ‘સિઆડ’ નામનું મેગેઝિન કાઢ્યું. વળી, છૂપા વેશે, અંડરગ્રાઉન્ડ રહીને હસ્તલિખિત પત્રિકા ‘હાંક’ને પહોંચાડવાનું જોખમી કામ એકલા હાથે કર્યું! પાશની ઘણી ખરી રચનાઓને સરકારોએ સળગાવી નાખી, પણ થોડુંઘણું બચી ગયું છે જેમાં નકલી ક્રાંતિકારીઓનાં કારનામાં અને બૌદ્ધિક બકવાસ જોવા મળે છે. એટલે જ ‘પાશ’, માત્ર સરકાર સામે જ નહીં, પણ બે મોઢાળા કમ્યૂનિસ્ટ સાથીઓની મજાક કરતા અને સૌને લડવા માટે લલકારતા :
युग को पलटने में लगे लोग
बुख़ार से नहीं मरते
मृत्यु के कन्धों पर जानेवालों के लिए
मृत्यु के बाद ज़िंदगी का सफ़र शुरू
होता है…
मैं हर खाली सुराही तोड़ दूँगा
मेरा ख़ून और पसीना मिट्टी में मिल गया है
मैं मिट्टी में दब जाने पर भी उग आऊँगा
પાશના 38 વર્ષના આયુષ્યમાં ત્રણ જ કવિતાસંગ્રહ પ્રકાશિત થયા: ‘લૌહકથા’, ‘ઊડતા બાજોની પાછળ’ અને ‘અમારા સમયમાં’! પાશની અમુક રચનાઓ હિન્દીમાં ‘બીચ કા રાસ્તા નહીં હોતા’ અને ‘સમય, ઓ ભાઈ સમય’ સંપાદિત થઈ છે અને ગુજરાતીમાં હિરેન ગાંધીએ ‘લોહીલુહાણ વર્તમાનની રૂબરૂ’ નામનો અનુવાદ આપ્યો છે. પાશની લોકપ્રિયતા જુઓ કે 1997માં છેક લાહોરમાં પણ એક સંગ્રહ પ્રગટ થયો! વિચિત્રતાની વાત તો એ છે કે જે પંજાબ સરકારે આખી જિંદગી પાશને ગુનેગાર અને રાજ્યદ્રોહી ગણ્યો, જેલમાં ફટકાર્યો એ જ સરકારની પંજાબ સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો!
જીવતાજીવત પાશ પર અત્યાચાર થયેલા એટલું જ પૂરતું નથી, પણ છેક 2006માં પાશની કવિતાઓને વાંધાજનક અને ખતરનાક કહીને 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી હટાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રવિશંકર પ્રસાદે ઉઠાવેલી! કારણ શું? કારણ એ જ પાશની રચનામાં સત્તાને પડકારવાનો તેજાબી અવાજ ભલભલાને હલાવી નાખે છે! કદાચ પાશ જેવાઓના નસીબમાં જ અન્યાય ને અત્યાચારનો સંગમ હોય છે, કારણ કે આવા લોકો ‘સોળ વરસની કન્યા’ કે ‘ફૂલ-પતંગિયાં’ની કવિતાઓ ઠપકારીને ઇનામ-ઇકરામોનો મોહતાજ નથી હોતા!
જર્મન લેખક ફ્રાન્ઝ કાફકાએ કહેલું: ‘લેખક બે હાથે લખતો હોય છે. એક હાથે કાગળ પર રચના લખે અને બીજા હાથે દુનિયાભરના પ્રહારો ઝીલે!’ પણ પાશ તો ત્રણ-ત્રણ હાથે લખી રહ્યો હતો અને લડી રહ્યો હતો! જી હા, 80ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદના દોરમાં પાશ એકસાથે 3 મોરચે લડી રહ્યો હતો. એક તરફ પૂંજીવાદી સરકાર, બીજી બાજુ ખાલિસ્તાનીઓ અને ત્રીજી તરફ સ્ટાલિનવાદી કમ્યૂનિસ્ટોની સામે પાશ ઝઝૂમી રહ્યા હતા. પાશ જેવા વિદ્રોહીઓ માત્ર રાષ્ટ્રપ્રેમની વાતો જ નથી કરતા, પણ દેશની અંદરના કટ્ટરવાદીઓ અને ખાલિસ્તાનીઓ જેવા બહારના શત્રુઓ સામે પણ લડતા હોય છે અને આ ત્રણ પાંખિયા યુદ્ધમાં કવિતા જ પાશનું એકમાત્ર હથિયાર હતું.
આખરે કવિ પાશ 23 માર્ચ, 1988ને દિવસે એના જ ગામમાં ખાલિસ્તાનીઓની ગોળીઓથી શહીદ થયો. જી હા, આ જ તારીખે 57 વરસ પહેલાં ભગતસિંહ અને એમના સાથીઓને 1931માં ફાંસી આપવામાં આવેલી! કેટલીક તારીખ કેટલી પવિત્ર હોય છે કે દેશના ખરા વીરપુરુષો એ જ દિવસે દરેક યુગમાં પોતાના મસ્તક માભોમના ચરણે ઉતારી આપે છે!
એંડ ટાઇટલ્સ:
આદમ:મારે સમાજ સામે લડવું છે,
ઇવ: એમ? પહેલાં મારી સામે તો લડી બતાડ!
[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી