અંદાઝે બયાં- સંજય છેલ / લાઇફ નામનું અદ્્ભુત નાટક જાત નામનો અટપટો રોલ

article by sanjaychhel

Divyabhaskar.com

Aug 14, 2019, 05:05 PM IST

અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
બહુ ઓછામાં હિંમત હોય છે કે ખુદમાં હિંમત નથી એ હિંમતપૂર્વક કહેવાની -છેલવાણી
ધારો કે તમે અંધારામાં બેઠા છો ને નાટકનો પડદો ખૂલે છે. સ્ટેજ પર ધીમે ધીમે પાત્રો આવે છે. તમે એ પાત્રો સાથે હસો છો-રડો છો. ઘડીભરમાં તમે ભૂલી જાવ છો કે દસ મિનિટ પહેલાં જ તમે રોડ ક્રોસ કરીને નાટકના હોલમાં આવેલા, તમારે બેન્કલોન છે કે ઘરમાં ગળતું છાપરું છે! પછી નાટક પૂરું થાય છે, તમે થિયેટરમાંથી બહાર આવો છો. અંધારામાં દૂરથી ચાલી આવતી મીણબત્તીની જેમ લાઇફ ધીમે ધીમે પાસે દેખાવા માંડે છે.(યસ, લાઇફ જેને ગુજરાતીમાં ‘જિંદગી’ કહેવાય છે, પણ એ ઉચ્ચારમાં બિયરની બોટલ ખોલતાં જે ‘ફઝઝ’ અવાજ નીકળે છે એવી મસ્તી નથી) તો આપણી લાઇફ કે જિંદગી પણ એક સુપરહિટ નાટક છે, જે કોઇને હજુ સમજાયું નથી.
શહેરની એક નાટક કંપનીએ નાનકડા ગામડામાં ફોન કરીને કહ્યું, ‘તમારે ત્યાં અમે આવતા અઠવાડિયે નાટક ભજવવા આવીએ છીએ. અમને એક ધોબી, એક લાઈટવાળો, એક સ્ટેજની સાફસૂફી કરવાવાળો, એક સેટિંગવાળો એમ કુલ પાંચ લોકોની જરૂર છે!’ તો સામેથી ગામવાળાએ કહ્યું, ‘ભલે, ચંદુભાઈ પહોંચી જશે!’ એટલે કે પાંચ લોકોનું બધું કામ ચંદુભાઈ નામના એક જ ભાઈ કરી દેશે! ડિટ્ટો જેમ આપણે એકસાથે અનેક રોલ કરીએ છીએ. વિચાર કરો તમે તમારા જીવનમાં કેટકેટલી ભૂમિકાઓ એકસાથે ભજવો છો અને એક રોલમાંથી બીજા રોલમાં જવામાં તમને બે સેકન્ડ પણ નથી લાગતી. બાપ-પતિ-મિત્ર-અભિમાની-પ્રેમાળ-દુષ્ટ-ચિંતિત જેવી ભૂમિકાઓ એકસાથે, એક જ આયુષ્યમાં કોઇ મેકઅપ કે ખાસ કોસ્ચ્યુમ વિના ભજવી નાખો છો! ને આપણા નાટકના આપણે જ સૂત્રધાર હોઇએ છીએ!
પણ લાઇફનું આ નાટક ભજવવામાં આપણી જાતને બહુ સિરિયસલી લઈ લઈએ છીએ, કારણ કે આપણા નાટકમાં આપણે જ ‘મેઈન રોલ’ કરીએ છીએ! એક સુપરસ્ટાર એક્ટર કોઈક સામાન્ય ઘરમાં મહેમાન બનીને આવ્યો. બીજા દિવસે પાડોશીઓએ યજમાનને પૂછ્યું, ‘આટલો મોટો અભિનેતા તમારે ઘેર આવ્યો એટલે તમારી હાલત ખરાબ થઇ ગઇ હશેને? એની સાથે એક કલાક વાતો શું કરી?’
યજમાને કહ્યું, ‘નાર્રે! પહેલાં તો 10 મિનિટ અમે થોડી વાતો કરી, પછી વાતોના વિષય ખૂટવા માંડ્યા એટલે મેં એને એનાં જ નાટકોના-ફિલ્મોના અનેક ફોટા, મેગેઝિનોનાં કટિંગ જોવા આપ્યાં. કલાકો સુધી એ પોતાના ફોટા જોતો રહ્યો અને અમારી સાથે ફોટા પણ પડાવતો રહ્યો.’ એટલે કે યજમાનને ખબર હતી કે એક અભિનેતાને પોતાના ફોટાથી વધુ વહાલું શું હોય? આપણે આપણા જ પ્રેમમાં હોઈએ છીએ ને એટલે જ ‘લાઈફ’ નામનું નાટક ગમે તેવું હોય, પણ ઉત્સાહથી રોજ ભજવ્યા કરીએ છીએ.
ઇન્ટરવલ
નીંદલડી નહીં આવે સારી રાત,
કિસ બિધ હોઈ પરભાત?-મીરાંબાઈ
ઘણીવાર આપણી હાલત કોઇ ગાંડા અભિનેતા જેવી થઇ જાય છે, જે નાટકને સાચું માનીને પોતાના રોલમાં ઘૂસી જાય છે. એકવાર એક કલાકારે નાટકમાં ગાંધીજીની ભૂમિકા ભજવેલી. નાટક તો બંધ થયું, પણ ગાંડો એક્ટર પછી પણ ગાંધીજીની જેમ પોતડીમાં, લાકડી લઈને બધે ફર્યે રાખતો! આ બધાથી કંટાળીને એક જણાએ કહ્યું, ‘જ્યાં સુધી કોઈ ગોડસે આવીને એને સાચી ગોળી નહીં મારે ત્યાં સુધી રોલમાંથી બહાર નહીં આવે!’ આપણે સૌ આપણી ‘જાત’ને, આપણા ‘રોલ’ને બહુ સિરિયસલી લઈએ છીએ. એમાંથી એક ક્ષણ પણ બહાર નીકળતા જ નથી!
ઘણીવાર આનાથી ઊંધું પણ થાય છે. આપણે આપણા રોલને ન્યાય નથી આપતા અને બધું લાઇટલી લઇએ છીએ. હવે બીજા એક બેફિકરા ફિલ્મસ્ટારનો દાખલો જોઇએ. એક અભિનેતાને ગાંધીજીનો રોલ મળ્યો, પણ એ રોલ પ્રત્યે એ જરાયે સિરિયસ નહીં. છેવટે નાટકના દિગ્દર્શકે એને સમજાવ્યું,‘જો, આ ગાંધીજીની ભૂમિકામાં અંદર ઊતરવા માટે તારે થોડો સમય બ્રહ્મચર્ય પાળવું જોઈએ, મટન-મચ્છી છોડી દેવાં જોઈએ, સાદાં કપડાં પહેર. ગરીબો વચ્ચે જઈને સેવા કર જેથી ‘મહાત્મા’ના પાત્રમાં ઊંડો ઊતરી શકે!’અભિનેતાએ કહ્યું,‘ડોન્ટ વરી, એ બધું જ કામ મારો ડુપ્લિકેટ કરી લેશે!’
આ જ રીતે, આપણો ‘ડુપ્લિકેટ’ અર્થાત્ આપણી અંદરનો આત્મા, ગુજરાતી લેખકો જેને માંહ્યલો જેવા શબ્દથી નવાજે છે, એ ભીતરનો ભેરુ બધું જાણે છે, પણ આપણે એને છેતરીને જીવનનો ડ્રામા ચલાવીએ છીએ!
એક શહેરમાં બહારગામથી એક નાટકકંપની ‘શેક્સપિયર’ના કોઈક કરુણ નાટકનો શો લઈને આવેલી. મુખ્ય અભિનેતાએ ‘ટુ બી ઓર નોટ ટુ બી’વાળો જાણીતો ડાયલોગ બોલીને કરુણ દૃશ્ય ભજવ્યું, પણ પ્રેક્ષકો બોર થયા, લોકો ચાલતા થયા. અભિનેતા તો ઝંખવાઈ ગયો, ત્યારે પ્રેક્ષકોમાંથી એક માણસ ઊભો થયો, બોલ્યો, ‘દોસ્ત, તું જરાયે ખરાબ ન લગાડ. આ શહેરના લોકો બેવકૂફ છે. કલા શું છે એનું ભાન નથી. મને તો તારી એક્ટિંગ જોઈને ખૂબ હસવું આવ્યું છે. તું તારે ચાલુ રાખ!’
બિચારો એક્ટર, જેને ‘ટ્રેજેડી’ સમજીને ચોધાર આંસુએ ભજવતો હતો એ બીજા માટે ‘કોમેડી’ હતી! આપણાં દુ:ખો, આપણા પ્રોબ્લેમનું પણ એવું જ છે. આપણે આંસુડાં સારીએ છીએ ત્યારે સામેવાળાને આપણા ચીમળાયેલા ચહેરામાં જોકરની મુદ્રા દેખાય છે! આપણું રડવું રોકાતું નથી અને સામેવાળો હસવું રોકી શકતો નથી!
એકવાર એક નાટકના અંતમાં અભિનેત્રી પોતાના જીવન વિશે ચિત્કાર કરીને, માથાં પછાડીને, રડી રડીને સંવાદો બોલતી હતી. નાટકના અંતે સૌએ ખૂબ તાળી પાડી. નાટકનો નિર્દેશક અભિનેત્રી પાસે જઈને બોલ્યો, ‘આજે લાસ્ટ સીનમાં તો તેં કમાલ જ કરી નાખી, જે ચીસો પાડી છે તેં! લોકો હલી ગયા!’ પેલી અભિનેત્રીએ કહ્યું, ‘લોકો હલી ગયા એ છોડો, સ્ટેજ પર પ્લેટફોર્મનું લાકડું હલી ગયું છે! મને પગમાં ખીલો વાગ્યો હતો અને એટલે મેં ચીસો પાડેલી!’ આ સાંભળતાંવેંત જ નિર્દેશકે કહ્યું, ‘વાંધો નહીં, 10-12 શૉ સુધી ખીલો પગમાં આ જ રીતે વાગવા દે. નાટક હિટ થઈ જશે!’ યારો, આપણા સૌના પગમાં એક અદૃશ્ય ખીલો છે: વેદનાનો, તૂટેલા દિલનો, એંઠી ઈચ્છાઓનો, અધૂરાં સ્વપ્નોનો અને છતાંયે આપણે આપણો રોલ ભજવવાનો છે સતત. ‘જિંદગી’ ઉર્ફ ‘લાઈફ’ નામના નાટકને હિટ બનાવવા!
એન્ડ ટાઇટલ્સ
ઇવ:તું હજી મને ચાહે છે?
આદમ: શો મસ્ટ ગો ઓન!
[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી