અંદાઝે બયાં- સંજય છેલ / સ્માઇલ પ્લીઝ : તમારું અસલી છે કે નકલી?

article by sanjaychhel

Divyabhaskar.com

Aug 08, 2019, 05:55 PM IST

અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
ખોટું સ્માઇલ આત્માનું ઇચ્છામૃત્યુ છે.
-છેલવાણી
સ્માઇલ, સ્મિત કે મુસ્કુરાહટ કમાલની ચીજ છે, જે તમને એક જ સેકન્ડમાં સામેના માણસની આખી કુંડળી ખોલી નાખે છે.
સ્માઇલમાં મેઘધનુષ જેવા અનેક રંગો હોય છે. સ્માઇલ દુનિયાને પામવાનો પાસવર્ડ છે. અમુક ચાર્મિંગ ચાલુ લોકો સ્મિતથી વિના પાસપોર્ટે આખા જગતમાં રસ્તાઓ પાર કરતા હોય છે. શેક્સપિયરે કહ્યું છે કે : ‘One may smile, and smile, and be a villain!’ સતત ખંધુ સ્મિત આપનાર, આખરે વિલન નીકળી શકે છે! એરહોસ્ટેસનું સ્માઇલ બજારી હોય છે. સેલ્સમેનના સ્માઇલમાં લાચારી હોય છે. સંતના સ્માઇલમાં નિર્વાણની શાંતિ હોય છે. ફિલોસોફરોના સ્માઇલમાં કાયમની ભ્રાંતિ હોય છે. પોલીસના સ્માઇલમાં પાવર છે. વિનયી માણસના સ્માઇલમાં આદર હોય છે. વેશ્યાના સ્માઇલમાં સતત આમંત્રણ હોય છે.
અમુક સ્માઇલ અમેરિકન વિઝા આપવા બેઠેલા શક્કી ઓફિસર જેવા મીંઢા હોય છે. ઘણા સ્માઇલમાં કાતિલાના નિશ્ચય હોય છે. અમુક સ્માઇલમાં ‘આઇ નો વોટ યુ ડીડ લાસ્ટ સમર’ અર્થાત્ ‘અમે જાણીએ છીએ તમે શું છાનું છાનું પરાક્રમ કરીને આવ્યા છો’ જેવી પંચાત છુપાયેલી હોય છે. નોર્મલી બાળકના સ્માઇલમાં 100% નિર્દોષતા દેખાતી હોય છે, પણ એ જ બાળક જ્યારે ‘ટોમ એન્ડ જેરી’ જેવી કાર્ટૂન ફિલ્મમાં એકબીજાને મારતાં, કચડતાં પાત્રોને જુઓ છે ત્યારે એમનું સ્માઇલ હિંસક બની જતું
હોય છે.
હમણાં અમેરિકામાં એક એવું સોફ્ટવેર શોધાયું છે કે માણસનું સ્માઇલ સાચું છે કે નહીં એ પારખી શકે! માણસના ચહેરાનું વિડિયો રેકોર્ડિંગ કરીને પછી એના સાચા સ્માઇલ દરમિયાન કેટલા સ્નાયુઓ કેવી રીતે હલે છે એની કાલ્પનિક આકૃતિ બનાવવામાં આવે અને પછી એ જ વ્યક્તિના સ્માઇલને શૂટ કરીને સરખાવવામાં આવે છે. સ્મિત વખતે ચહેરાના ગાલના સ્નાયુઓ અને આંખની આસપાસના સ્નાયુ ઉપરની તરફ વંકાય છે. નકલી
સ્માઇલ વખતે માણસના ગાલના સ્નાયુઓ તો વંકાય છે, પણ આંખોની આસપાસના સ્નાયુઓ ઝાઝા હલતા નથી અને આમ, માણસનું નકલી પકડાઇ શકે છે.
નોકરીના ઇન્ટરવ્યૂ માટે કે લગ્નવિષયક મુલાકાત દરમ્યાન વ્યક્તિની પરખ આવા અસલી કે નકલી
સ્માઇલ વડે થઇ શકે છે! કારણ કે ખરેખર તો સાચું
સ્માઇલ તમારા ચારિત્ર્યનો આયનો છે, ડી.એન.એનો
રિપોર્ટ છે! કોઇએ કહ્યું છે: ‘જે પુરુષ હસતી વખતે
પણ ખૂબસૂરત ન દેખાય એના પર ભરોસો ન
કરવો.’
‘નયા દૌર’, ‘વક્ત’, ‘ગુમરાહ’ કે ‘નિકાહ’ જેવી ફિલ્મો બનાવનાર અને દૂરદર્શન પર 1985-86માં ‘મહાભારત’ ટીવી સિરિયલ રચનાર, યશ ચોપરાના મોટા ભાઇ એવા નિર્માતા-નિર્દેષક બી.આર. ચોપરા માટે ફિલ્મ લાઇનમાં કહેવાતું કે ચોપરાજી સાચું ક્યારે બોલે ને જુઠ્ઠું ક્યારે એ કોઇને ન સમજાય! ચોપરાજીને તમે જો તમારી ફિલ્મ રિલીઝ થતા પહેલાં એમના અભિપ્રાય માટે દેખાડો તો બે વાત યાદ રાખવી પડતી. જો બી.આર. ચોપરા થિયેટરમાંથી મુસ્કુરાતાં મુસ્કુરાતાં બહાર નીકળે તો સમજી લેવું કે તમારી ફિલ્મ નક્કી ‘ફ્લોપ’ થશે, પણ જો તેઓ ગંભીર ડાચે બહાર નીકળે, એમનું સ્માઇલ ગુમ હોય તો એનો અર્થ એ કે નક્કી તમારી ફિલ્મ
બહુ જ સારી બની છે અને ચોક્કસ સુપરહિટ થશે! બી.આર. ચોપરા બીજાઓ માટે એમની ઇર્ષ્યા છુપાવી નહોતા શકતા અને બીજાના પતનમાં એમનું સ્માઇલ ઝળકી ઊઠતું! આ જગતના ઇર્ષ્યાળુ, સિનિકલ, સાઇકો અને ઝેરીલા લોકોના સ્માઇલમાં સેંકડો સાપના ડંખ છુપાયા હોય છે!
ઇન્ટરવલ
ચેહરા ક્યા દેખતે હો?
દિલ મેં ઉતર કે દેખો ના -મદન પાલ
ફિલ્મસ્ટાર્સના સ્માઇલ પર તો પી.એચ.ડી. થઇ શકે એટલી ખૂબીઓ જોવા મળે છે. દેવ આનંદ જ્યારે જ્યારે કોઇ એન.આર.આઇ. ચાહકને ત્યાં મહેમાન બનીને
ડિનર લેવા જતાં ત્યારે સૌ સમજી લે કે દેવ માત્ર પોતાના એક જ સ્માઇલથી આગામી ફિલ્મ માટે કરોડો રૂપિયા વિના શરતે ઢસડી આવશે!! જગતભરનાં પોપ્યુલર ફિલ્મસ્ટાર્સનો ઇતિહાસ જોશો તો એમની સફળતામાં સ્માઇલનો બહુ મોટો રોલ છે. ‘શાઇનિંગ’ જેવી હોરર ફિલ્મમાં જેક નિકોલ્સનનું શરારતી સ્માઇલ ધ્રુજાવી નાખે કે ‘માસ્ક’ ફિલ્મમાં જીમ કેરીનું મજાકિયું સ્માઇલ, મોટા પડદા પર એક મેજિકની જેમ કામ કરે છે, કારણ કે સિનેમામાં માણસના છ-આઠ ઇંચના ચહેરાને તમે પડદા પર 60-70 ઇંચનો બનતો જોઇ શકો છો. એક-એક રેખા, એક-એક હાવભાવ બધું જ 100 ગણું થઇને વિશાળકાય બનીને દેખાય છે. એક્ટરનું એક સ્મિત જનતાને જીતવાનું સૌથી અસરકારક હથિયાર છે! વાર્તા-નવલકથામાં માણસના રૂપનું વર્ણન કરવા લેખકોએ પાનાં ને પાનાંઓ ઘસડવાં પડે, પણ હીરો કે હિરોઇનનો એક ‘ક્લોઝઅપ’ એ જ કામ 3-4 સેકન્ડમાં કરી નાખે છે!
રાજેશ ખન્ના કે શાહરુખ-આમિર કે રણવીર કપૂરના એક સ્મિતથી જે કામ થઇ જાય છે એ નસીર કે નવાઝુદ્દીન જેવા સારા કલાકારો ક્યારેય નથી કરી શકતા. કારણ કમનસીબે એ લોકો એરંડિયું પીધેલ ચીર-ચિંતિત ચહેરા લઇને જન્મ્યા છે. એમની અદાકારીની આવડત, અમુક અભિનેતાઓની અદાઓ સામે હારી જાય છે, પણ પછી એક સમયે ક્યૂટ લાગતો એક્ટર ઉંમર વધતાં ફેંકાઇ જાય છે. એનું કારણ એમનું ઓસરતું સ્મિત છે. મોટા પડદા પર એનું નકલી સ્માઇલ જૂઠું અને કદરૂપું લાગવા માંડે છે. એનું કારણ એ છે કે સમય વીતતાં એ જ કલાકારના ચહેરા પર જીવનની અસંખ્ય થપ્પડોએ એવી તો કારીગીરી કરી હોય છે કે એક સમયે લાખો દિલ પર રાજ કરતો ચહેરો બે કોડીનો થઇ જાય છે.
કલાકાર માટે સ્માઇલ જેવું હથિયાર બીજું કોઇ નથી. મોનાલિસાનું સ્માઇલ બિકીની પહેરેલી સેક્સી હોટ કન્યા કરતાંયે વધુ માદક છે કેમ છે, એ હજુય મનોવૈજ્ઞાનિકો માટે ઉખાણું જ રહ્યું છે.
પ્રાથમિક શાળામાં ટીચરે એક બાળકને પૂછ્યું,
‘બોલ, તારાં મા-બાપનાં નામ શું છે?’
‘મારા પપ્પાનું નામ ‘લાફિંગ’ છે અને મમ્મીનું નામ- સ્માઇલિંગ!’ બાળકે કહ્યું
ટીચરે ભડકીને પૂછ્યું, ‘ઓહ! મશ્કરી એમ?’
‘ના ના ‘મશ્કરી’ તો મારી બહેનનું નામ છે. મારું નામ ‘જોકિંગ’ છે!’
પેલા બાળકે હસીને કહ્યું અને આ સાંભળીને આખો ક્લાસ હસવા માંડ્યો.
જો આવી મસ્તી પી.એચ.ડી.ના સ્ટુડન્ટે કરી હોત તો કોઇ ન હસત! એક બાળકના હાસ્યમાં, સ્મિતમાં નિર્દોષતા છે. તો આ ક્યૂટ જોક સાંભળીને તમને હસવું ન આવ્યું હોય તો તમે પણ ચેક કરાવી લેજો કે તમારું હાસ્ય ‘અસલી’ છે કે ‘નકલી’? અને જો હાસ્ય દેવતા તમારા પર કોપાયમાન હોય અને તમારું સ્માઇલ નકલી નીકળે તો કૈફી આઝમીનો આ શેર ‘તુમ ઇતના ક્યૂં મુસ્કુરા રહે હો? ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો?’ તમારે આયના સામે 108 વાર બોલી જવો.
એન્ડ ટાઇટલ્સ
આદમ: ડાર્લિંગ, તારું સ્માઇલ બહુ જ સરસ છે!
ઇવ: બસ? ખાલી સ્માઇલ જ? કાંઇ કદર જ નથી
મારી!
[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી