અંદાઝે બયાં - સંજય છેલ / માનવ મનનો એક્સ-રે કાઢનાર ડૉ. ચેખોવ

article by sanjaychhel

Divyabhaskar.com

Jul 31, 2019, 05:42 PM IST

અંદાઝે બયાં - સંજય છેલ
ટાઇટલ્સ
દરેક માણસ એક વાર્તા છે, પણ અમુક બોરિંગ હોય છે.- છેલવાણી
એક ક્લાર્ક, સંગીત-નાટક કે ઓપેરા જોવા જાય છે, જ્યાં એના બોસ કે સાહેબ પણ નાટક જોવા આવ્યા છે અને આગલી રોમાં બેઠા છે. શો દરમ્યાન ક્લાર્કને અચાનક છીંક આવે છે અને એના છાંટા સાહેબ પર ઊડે છે. ક્લાર્ક પેલા સાહેબની તરત જ માફી માગી લે છે. સાહેબને તો કશી ખબર પણ નથી, કારણ કે એ તો નાટક જોવામાં મશગૂલ છે. નાટક પૂરું થયે ક્લાર્ક ફરીથી માફી માગે છે. સાહેબને સમજાતું નથી કે મામલો શું છે, પણ ક્લાર્કને ટેન્શન થાય છે કે સાહેબ કેમ કશું બોલ્યા નહીં? હજી એમણે મને માફ નથી કર્યો? બીજા દિવસે ઓફિસમાં જઇ ફરીથી માફી માગે છે. હવે સાહેબ ગુસ્સે થાય છે કે આ શું માંડ્યું છે? પછી ક્લાર્કનું ટેન્શન વધતું જાય છે ને વારંવાર માફી માગે છે. સાહેબનો ગુસ્સો વધતો જાય છે, પણ પેલા ક્લાર્કના મનમાંથી હજી એ નાટક, એમાં થયેલી ઘટના હજી ખતમ નથી થઈ. એ ઘરે જઈને ચિંતા કરે છે કે હવે સાહેબ એના વિરુદ્ધ કમ્પલેઇન કરશે? નોકરી જતી રહેશે? એનો પરિવાર ભૂખે મરશે? એક છીંકને કારણે આખી જિંદગી તહેસનહેસ થઈ જશે? બસ, આ વિચારોની શૃંખલા, ચેઈન રિએક્શન એક પછી એક ડર-ચિંતા ક્લાર્કને 24 કલાક કોરી ખાય છે. તે પાગલ જેવો થઈ જાય છે અને ભયના બોજથી ભીંસાઈને છેવટે આત્મહત્યા કરી બેસે છે!
એક મામૂલી છીંકને કારણે શું શું થઈ શકે એ વિચારે ગરીબ ક્લાર્કની જે હાલત થઈ છે એ વાર્તા ‘ડેથ ઓફ અ ક્લાર્ક’ મહાન રશિયન લેખક ચેખોવની છે.
સિસ્ટમ, સત્તા કે સમાજ એક સામાન્ય માણસની શું હાલત કરે છે એની અદ્‌ભુત કરુણતા આ વાર્તામાં છે. સામાન્ય માણસો, ગરીબ પણ શરીફ લોકો, મધ્યમવર્ગના શાલીન શરમાળ લોકોનાં જીવનને સ્પર્શતી અનેક વાર્તાઓના લેખક ડો. ચેખોવ દસ-બાર કલાક દવાખાનામાં પ્રેક્ટિસ કરતા અને પછી કોમનમેન વિશે સતત લખતા. આપણે ત્યાં તો કોમનમેન એટલે અમોલ પાલેકર જેવો સામાન્ય દેખાતો, બુશ-શર્ટવાળો નરમ માણસ એવી બાલિશ વ્યાખ્યા છે. હિન્દી ફિલ્મોના ગ્રાઈપવોટરથી ઉછરેલા લોકો, કોમનમેન એટલે નોકરી-ધંધામાં ભીંસાતો માણસ એમ જ સમજે છે, પણ ના, કોમનમેન એટલે માત્ર આમ આદમી એમ જ નહીં, પણ મનુષ્ય માત્રમાં રહેલ એક અધૂરો ‘સામાન્ય’ માણસ.
એકવાર એક વકીલ ચેખોવને કહે છે, ‘તમારી ‘કોન્સ્પિરેટર’ નામની વાર્તામાં ડેનિસ નામનો ગુનેગાર બહુ સમજાતો નથી. તમે નથી એને ગુનેગાર ચીતર્યો કે નથી એને નિર્દોષ! મારા મત મુજબ એ ખતરનાક હિંસક પશુ જેવો છે, જેને ખબર નથી કે એ પોતે શું કરી રહ્યો છે. આપણે જો એને એની ભૂલ કે ગુના માટે સહાનુભૂતિ દર્શાવીએ તો શું એ ખોટું નથી? અને શું ગેરંટી છે કે એ પાછો કોઈ ગુનો નહીં કરે? ફરીથી એ ટ્રેનના પાટા પરના સ્ક્રૂ ઢીલા કરીને આખી ટ્રેન ઊથલાવશેને? તો આવા ડેનિસનું શું કરવું જોઈએ?’
ચેખોવે ઠંડે કલેજે કહ્યું, ‘જો હું જજ હોઉં તો ડેનિસને છોડી દઉં!’
‘કયા આધારે છોડી દો?’ પેલાએ સામે પૂછ્યું
ચેખોવે સમજાવ્યું, ‘હું ડેનિસને કહું કે, ‘ભાઇ ડેનિસ, સમજી વિચારીને ગુનો કરવાની કળામાં તું હજી પાક્કો ગુનેગાર નથી બન્યો. કાચો છે. જા, પહેલાં પાકો ગુનેગાર બન!’
ઇન્ટરવલ
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં-ચંદ્રકાંત દત્તાણી
ચેખોવની વિચિત્ર વાત સાંભળીને પેલો વકીલ હસવા માંડ્યો અને એણે તરત દલીલ કરી,‘નહીં ચેખોવ સાહેબ, પણ ડેનિસ ખતરનાક ગુનેગાર છે. સવાલ એ છે કે એ સમાજ માટે ખતરનાક છે કે નહીં? તમારે નિર્દોષ લોકોના જાનમાલના રક્ષણની ચિંતા કરવી જોઈએ. ડેનિસ ગુનેગાર છે તો છે, એ જ સત્ય છે!’
ત્યારે ચેખોવે હસીને પૂછ્યું,‘તમને ગ્રામોફોન રેકોર્ડ્ઝ ગમે છે?’
‘ઓફકોર્સ, ખૂબ ગમે છે. અદ્‌ભુત શોધ કરી છે માણસજાતે!’
‘પણ મને ગ્રામોફોન દીઠું ય ગમતું નથી’ ચેખોવે કહ્યું.
‘કેમ?’
‘કારણ કે ગ્રામોફોન કોઈ પણ જાતની લાગણી-ફીલિંગ વિના બોલે છે કે ગીત ગાય છે. એમાંનું બધું જ જુઠ્ઠું કે મરેલું હોય એમ લાગે છે. સમજણ વિનાનું, ઊંડાણ વિનાનું!’ આટલી જ વાતમાં ચેખોવે વકીલને છૂપો ઇશારો કરી દીધો કે પેલા ચબરાકિયા વકીલની ચટપટી દલીલો માણસજાત વિશે સમજણ વિનાનો લવારો છે! પછી ચેખોવે વકીલને પૂછ્યું,‘ઓકે, તમને ફોટોગ્રાફી ગમે?’
હવે પેલા વકીલે ફોટોગ્રાફી વિશે ઉત્સાહથી વાતો શરૂ કરી અને ગ્રામોફોન જેને એ ‘અદ્‌ભુત ખોજ’ ગણતો હતો એને તો સાવ ભૂલી જ ગયો. પછી ચેખોવ એ યંગ, અપસ્ટાર્ટ-હરખપદૂડાની વાતો સાંભળતો રહ્યો. શાંત આંખે જોતો રહ્યો કે ગ્રામોફોન પરથી કઈ રીતે આ વકીલ ‘ફોટોગ્રાફી’ પર કેવો કૂદી પડ્યો. એની સમજણ કેવી કાચી છે! નવી નવી દુનિયા જોતા શીખેલા ‘ચકિત’ આંખોવાળા માણસ જેવી મૂર્ખ મુગ્ધતા એનામાં છે, પણ મેચ્યોરિટી નથી. વકીલોના કાળા કોટવાળા લિબાસની અંદર એક કેવો પામર અને અધૂરો માણસ શ્વસી રહ્યો છે! હા, ડો. ચેખોવમાં માણસની અંદર જોઈ શકવાની એક્સ-રે આંખ હતી. આમ લેખક, પણ વ્યવસાયે ડોક્ટર એવો ચેખોવ કહેતો મારો દરેક પેશન્ટ એક વાર્તા છે અને મારી દરેક વાર્તામાં એક દર્દી છે!
પણ પેલા ઉત્સાહી વકીલના ગયા પછી ચેખોવ ત્યાં હાજર રહેલા એના મિત્રને કહે છે,‘જોયું? આવા વકીલો જેવા લોકો ન્યાયની ગાદી પર થયેલા ફોડલા કે ગૂમડા છે, જે લોકોની તકદીરનો ફેંસલો કરે છે!’ ચેખોવનો મિત્ર ચેખોવની ઊંડી અને વિચિત્ર માનવસમજ વિશે અચંબાથી જોઈ રહે છે. ચેખોવ મિત્રને હસીને કહે છે, ‘હું શરત લગાવીને કહું છું કે આ વકીલને ફિશિંગનો-માછલી પકડવાનો શોખ હશે અને એમાં પણ નાની-નાની માછલીઓ!’ અહીંયાં ચેખોવ ‘નાની’ માછલીની વાત કરીને ‘નાના ગુનેગારો’ને નિશાન બનાવતા વકીલો કે ન્યાયવ્યવસ્થા પર ઇશારો કરે છે. ચેખોવનો મિત્ર આ વાત જિંદગીભર ભૂલી નથી શકતો! એ મિત્ર એટલે મહાન રશિયન લેખક મેક્સિમ ગોર્કી, જેની નવલકથા ‘ધ મધર’ એટલે કે ‘મા’એ સામ્યવાદનાં બીજ વાવ્યાં અને પછી દુનિયાનો ઇતિહાસ કોમ્યુનિસ્ટ ચળવળે બદલી નાખ્યો!
જગતભરનો શ્રેષ્ઠ વાર્તાકાર-નાટ્યકાર ચેખોવ પોતાના ટીકાકારો વિશે ધારદાર કટાક્ષ કરતા કહેતો:‘ટીકાકારો ઘોડા પર બેઠેલી માખી કે બગાઈ જેવા છે. જેવો ઘોડો દોડવા જાય, પોતાના મસલ્સ સંકોરી પગ ઊંચકે, પેલી જંતુ-બગાઈ એના પર બેસે. ઘોડો ચામડી થથરાવીને અટકી જાય. પેલી બગાઈ શા માટે અટકે છે? એ બગાઈ તો ફક્ત એટલું જ કહેવા માગે છે કે જો હું પણ આ પૃથ્વી પર હયાત છું. હું પણ ગણગણી શકું છું. હું પોતે ભલે કંઈ કરી ન શકું, પણ કોઇ પણ વાત વિશે ગણગણી તો
શકું જ છું!’
એન્ડ ટાઇટલ્સ
આદમ: મને વાર્તાનો અંત નથી સૂઝતો!
ઇવ: તો પહેલાં અંત લખવો જોઈતો’તો ને?
[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી